Fri Oct 09 2026

Logo

ગાંધીધામમાં નજીવી બાબતે ભાભીને જીવતી સળગાવી દેવાના હત્યા કેસમાં ફરાર બે મહિલા રાજસ્થાનથી ઝડપાઈ

2026-10-09 14:29:08
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં નજીવી બાબતે ભાભીને જીવતી સળગાવી દેવાના હત્યા કેસમાં ફરાર બે મહિલા રાજસ્થાનથી ઝડપાઈ

કાર્ગો ઝૂંપડપટ્ટીમાં પાણી ઢોળવાની તકરારમાં કેરોસીન છાંટી ભાભીને જીવતી સળગાવી હતી

ભુજ: ઘર બહાર પાણી ઢોળવા જેવી તદ્દન નજીવી બાબતના ઝઘડાની અદાવત રાખી પડોશમાં રહેતી પોતાની જ સગી ભાભી પર કેરોસીન છાંટી જીવતી સળગાવી નિર્મમ હત્યા કરવાના ચકચારી કેસમાં છેલ્લાં છ વર્ષથી નાસતી ફરતી બે મહિલા આરોપીઓને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે રાજસ્થાનના સાંચોર ખાતેથી દબોચી લીધી છે.

બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગત તા. 6 જાન્યુઆરી 2021ના રોજ હત્યાની આ ઘટના ઘટી હતી. અહીં રહેતા સંજય ચોકીન નટ અને તેમનાં પત્ની તેજલબેન (ઉ.વ. 30) પર ઘર બહાર પાણી ઢોળવા બાબતે થયેલી જૂની તકરારનો ખાર રાખીને પરિવારના જ ભાઈ, ભાભી અને ભત્રીજાઓએ એકસંપ થઈ જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલા દરમિયાન ફરિયાદી સંજયને તેના ભાઈ વિનોદ ચોકીન નટ અને ભત્રીજા હિતેશે પકડી રાખ્યા હતા. જ્યારે હિતેશની પત્ની અફસાના અને પિતરાઈ ભાભી પેપાબેન પ્રકાશ નટે તેજલબેનને પકડી રાખી હતી. તે વેળાએ પ્રકાશ મેમર ઉર્ફે મહેન્દ્ર નટે ડબ્બામાંથી કેરોસીન તેજલબેન પર છાંટ્યું હતું અને કિશન નટે દિવાસળી ચાંપી દેતાં તેજલબેન ભડભડ સળગી ઊઠ્યાં હતાં. ગંભીર રીતે દાઝી ગયેલાં તેજલબેનનું સારવાર દરમિયાન તા. 12 જાન્યુઆરી 2021ના રોજ કરુણ મોત નીપજ્યું હતું.

આ ગુના સંદર્ભે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે તત્કાળ કાર્યવાહી કરી વિનોદ, હિતેશ, કિશન અને પ્રકાશની ધરપકડ કરી લીધી હતી. જોકે, ઘટના બાદ અફસાના હિતેશ નટ અને પેપાબેન પ્રકાશ નટ પોલીસ ધરપકડથી બચવા નાસી છૂટી હતી. 

ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ સેશન્સ કોર્ટે તા. 30 ડિસેમ્બર 2022ના રોજ ઝડપાયેલા ચારેય પુરુષ આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સખત સજા ફટકારી દીધી હતી.

છેલ્લાં છ વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલી બંને મહિલા આરોપીઓ પોતાના વતન રાજસ્થાનના સાંચોર ખાતે આવી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી જેના આધારે ગાંધીધામ બી-ડિવિઝન પી.આઈ એસ.વી. ગોજિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.એન.વાઢિયા અને સ્ટાફની ટીમે સાંચોર ખાતે દરોડો પાડી પેપાબેન પ્રકાશ નટ અને અફસાના હિતેશ નટને ઝડપી પાડી કાયદેસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય