Fri Oct 09 2026

Logo

શ્રેયસ ઍન્ડ કંપની આવે એ પહેલાં જ ન્યૂ ઝીલૅન્ડની `બે વિકેટ પડી'

Auckland   2026-10-09 15:52:52
Author: Ajay Motiwala
શ્રેયસ ઍન્ડ કંપની આવે એ પહેલાં જ ન્યૂ ઝીલૅન્ડની `બે વિકેટ પડી'

BCCI


ઑકલૅન્ડઃ ન્યૂ ઝીલૅન્ડમાં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં ભારતીય ટી-20 ટીમ બાવીસમી ઑક્ટોબરે પાંચ મૅચની શ્રેણી શરૂ કરે એ પહેલાં જ યજમાન ટીમને બે ઝટકા લાગ્યા છે, કારણકે એના બે અનુભવી પેસ બોલર ઈજાને લીધે આ સિરીઝની બહાર થઈ ગયા છે.

માર્ક ચૅપમૅન (Chapman) અને ઝૅક ફૉક્સને ઈજા થઈ છે. ચૅપમૅનને ડાબા પગની સાથળમાં અને ફૉક્સને જમણા થાપામાં ઈજા (injury) થઈ છે. તેમના સ્થાને જૉશ ક્લાર્કસન અને બ્લેર ટિકનેરને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યા છે.

રૉબ વૉલ્ટર ન્યૂ ઝીલૅન્ડની ટીમના હેડ-કોચ છે અને તેમણે પત્રકારોને કહ્યું છે કે `ચૅપમૅન અને ફૉક્સ ઈજાને લીધે ભારત સામેની સિરીઝમાં ઉપલબ્ધ નહીં રહે એ અમારા માટે મોટું નુકસાન છે. આશા રાખું છું કે તેઓ બહુ જલદી સ્વસ્થ થઈ જાય. ક્લાર્કસન અને બ્લેર સારા પેસ બોલર છે અને તેઓ ભારત સામેની શ્રેણીમાં રમવા ઉત્સુક છે.'

ઑલરાઉન્ડર રચિન રવીન્દ્રને થોડા દિવસ પહેલાં એક પ્રમોશનલ ઇવેન્ટના શૂટિંગ દરમ્યાન કૅચ ઝીલતી વખતે સેફ્ટી નેટ પર પડી જતાં ખભામાં ઈજા થઈ હતી જેને લીધે તે આ સિરીઝમાં નથી રમવાનો એટલે મિચલ સૅન્ટનરની કૅપ્ટન્સીવાળી કિવીઓની ટીમને કુલ ત્રણ ઝટકા લાગ્યા છે. પેસ બોલર ઍડમ મિલ્ન એક વર્ષે ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમશે. ટીમના અન્ય મુખ્ય બોલર્સમાં મૅટ હેન્રી, લૉકી ફર્ગ્યુસન, કાઇલ જૅમીસન, જેકબ ડફીનો સમાવેશ છે એટલે તેઓ પણ ભારતને ભારે પડી શકે એમ છે.