Fri Oct 09 2026

Logo

જેવર એરપોર્ટનું નામ બદલાઈને થશે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ', યુપી કેબિનેટની મંજૂરી

2026-10-09 16:14:23
Author: Vimal Prajapati
જેવર એરપોર્ટનું નામ બદલાઈને થશે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ', યુપી કેબિનેટની મંજૂરી

નોઇડાઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જેવર ખાતે નિર્માણધીન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે આ એરપોર્ટને 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ, નોઈડા-જેવર' તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. 

કેબિનેટ બેઠક બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ અંગે માહિતી આપી હતી. હવે નામકરણની આ પ્રક્રિયા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે.

મોદીના વિઝન અને ઉત્તર પ્રદેશના વિકાસને સમર્પિત

આ મામલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું કે, આ એરપોર્ટ ઉત્તર પ્રદેશના આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ અને 'વિકસિત ભારત 2047'ના સંકલ્પ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. 
પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર તૈયાર થઈ રહેલું આ એરપોર્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનું પેસેન્જર ભારણ ઘટાડશે. ક્ષમતા અને વિતરણની વાત કરીએ તો, પ્રથમ તબક્કામાં 1 રનવે અને ટર્મિનલ સાથે વાર્ષિક 1.2 કરોડ મુસાફરોની ક્ષમતા રહેશે, જેને ભવિષ્યમાં વધારીને 7 કરોડ મુસાફરો સુધી પહોંચાડવાનું આયોજન છે.

યોગી કેબિનેટમાં મંજૂર થયેલા અન્ય 8 પ્રમુખ પ્રસ્તાવો

કેબિનેટમાં પાસ થયેલા અન્ય પ્રસ્તાવોની વાત કરવામાં આવે તો, રાજ્યના ઔદ્યોગિક વિકાસ સત્તામંડળોમાં 'મોડેલ બિલ્ડિંગ રેગ્યુલેશન્સ-2026' (આદર્શ મકાન બાંધકામ નિયમો) લાગુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. 
ખરીફ માર્કેટિંગ વર્ષ 2026-27 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ડાંગરની ખરીદી કરવા અંગેની નીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે.  આ સાથે 'ઉત્તર પ્રદેશ સ્ટાર્ટઅપ પરચેઝ સ્કીમ-2026' (સ્ટાર્ટઅપ ખરીદી યોજના) માટે મંજૂરી આપવામાં આવી છે. 

રાજ્યમાં 'ઉત્તર પ્રદેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન' (UP-AIM) ની સ્થાપના અને સંચાલન માટે મંજૂરી, રાજ્યના આંગણવાડી કાર્યકરો અને સહાયકોને વધારાની સાડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, ભદોહી જિલ્લાનું નામ બદલીને 'સંત રવિદાસ નગર ભદોહી' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. 

આ સાથે મૈનપુરીમાં શિકોહાબાદ-ભોગાંવ સ્ટેટ હાઈવે નંબર-84 ને ચાર લેન સુધી બનાવવા અને મજબૂત બનાવવા માટે સુધારેલી વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. સાથે 'ઉત્તર પ્રદેશ વ્યાજ માફી યોજના-2026' લાગુ કરવાના પ્રસ્તાવને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

વધુ જુઓ...