Fri Oct 09 2026

Logo

વસઇમાં સાત વર્ષની દીકરીનું જાતીય શોષણ કરનારા નરાધમને 20 વર્ષની કેદ

2026-10-09 17:03:51
Author: Yogesh D. Patel
વસઇમાં સાત વર્ષની દીકરીનું જાતીય શોષણ કરનારા નરાધમને 20 વર્ષની કેદ

પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં પોતાના ઘરમાં સાત વર્ષની દીકરીનું જાતીય શોષણ કરવા બદલ કોર્ટે પંચાવન વર્ષના નરાધમ પિતાને 20 વર્ષની કેદ ફટકારી હતી.

વિશેષ જજ એ.એચ. કાશિકરે પાંચમી ઑક્ટોબરે આપેલા પોતાના ચુકાદામાં આરોપીને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

3 નવેમ્બર, 2020ના રોજ આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે વસઇ પશ્ર્ચિમની એક હાઉસિંગ સોસાયટીના પડોશીઓએ એનજીઓનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે બાળકી મોડી રાતે પીડા અને ડરને કારણે રડી રહી હતી અને ચીસ પાડી રહી હતી.

એનજીઓના સભ્યો અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને બાળકીનો છુટકારો કરાવ્યો હતો અને તેના પિતા વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર આરોપી ડેન્માર્કમાં હતો ત્યારે એક મહિલાને તે મળ્યો હતો અને બંનેએ બાદમાં લગ્ન કરી લીધાં હતાં અને મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે બાદમાં દંપતીએ અલગ થઇ જવાનું નક્કી કર્યું હતું. છૂટાછેડાની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન આરોપી ભારત પાછો ફર્યો હતો, જ્યારે દીકરી તેની માતા સાથે ડેન્માર્કમાં રહેતી હતી. આરોપીએ ત્યાર બાદ દીકરીની કસ્ટડી મેળવી હતી અને તેને વસઇ લઇ આવ્યો હતો.

વિશેષ સરકારી વકીલ જયપ્રકાશ પાટીલે આરોપી વિરુદ્ધ આરોપ પુરવાર કરવા માટે 10 સાથીદારને ચકાસ્યા હતા. રજૂ કરાયેલા પુરાવાને ધ્યાનમાં લેતાં કોર્ટે જણાવ્યું હતું કે આરોપી તેની દીકરીને રોજ મારતો હતો અને તેને એવો અહેસાસ કરાવતો હતો કે ‘ તે સારી બાળકી નથી અને તેનો કોઇ પણ સ્વીકારશે નહીં.’ કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ દોષી ઠેરવ્યો હતો અને તેને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી.

(પીટીઆઇ)