Fri Oct 09 2026

Logo

‘વોટ ચોરી’ના વિરોધ પ્રદર્શન અંગે મનોજ મુન્તશીરનો પ્રહારઃ અભિજીત દીપકે અને ધ્રુવ રાઠીને કાઢી ઝાટકણી

2026-10-09 16:21:00
Author: Mumbai Samachar Team
‘વોટ ચોરી’ના વિરોધ પ્રદર્શન અંગે મનોજ મુન્તશીરનો પ્રહારઃ અભિજીત દીપકે અને ધ્રુવ રાઠીને કાઢી ઝાટકણી

મુંબઈ: ‘વોટ ચોરી’ના આરોપો અને તેના વિરોધમાં થઈ રહેલાં પ્રદર્શનો વચ્ચે ગીતકાર અને નેશનલ એવોર્ડ વિજેતા મનોજ મુન્તશીર આંદોલનકારીઓ પર નિશાન સાધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવાના વખાણ કર્યા બાદ મનોજ મુન્તશીરે એક વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ આંદોલન કે વિરોધ પ્રદર્શનમાં જોડાતાં પહેલાં તથ્યોની તપાસ કરે. લગભગ 8.7 મિનિટના આ વીડિયોમાં તેમણે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP), સંગઠન સાથે જોડાયેલા અભિજીત દિપકે અને યુટ્યુબર ધ્રુવ રાઠી પર પણ પ્રહાર કર્યા છે.

મનોજ મુંતશિર યુવાનોને સંબોધતાં કહ્યું કે આજની પેઢી, જનરેશન જી, જનરેશન આલ્ફા, મિલેનિયલ્સ અને અન્ય યુવા વર્ગને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. તેમના મતે, અભિજીત દીપકેના નેતૃત્વમાં કેટલાક યુવાનો રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યા છે, પરંતુ તેમણે પહેલાં એ સમજવું જોઈએ કે આંદોલનનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે અને તેના ઇરાદા શું છે. મુન્તશીરે દાવો કર્યો હતો કે દિપકે અરવિંદ કેજરીવાલની ટીમ સાથે જોડાયેલો છે અને રાજકીય સત્તા મેળવવાના હેતુથી યુવાનોની શક્તિનો ઉપયોગ કરી રહ્યો છે. આ મનોજ મુંતશિરના આક્ષેપો છે.

મનોજ મુન્તશીરે યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ આકરા શબ્દોમાં નિશાન બનાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ધ્રુવ રાઠી ભારતની સિદ્ધિઓ અને દેશના ગૌરવની ઘટનાઓ પર યોગ્ય રીતે પ્રતિસાદ આપતો નથી. મનોજ મુન્તશીરે મંગળયાન સહિત ભારતની વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે દુનિયા ભારતની પ્રશંસા કરે છે, ત્યારે આવા લોકોની સોશિયલ મીડિયા ટાઇમલાઇન પર તેની ચર્ચા જોવા મળતી નથી.
 
તેમણે ધ્રુવ રાઠી અને અન્ય લોકોની દેશભક્તિ પર સવાલ ઉઠાવતાં તેમની ફંડિંગ સરહદ પારથી આવતી હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, આ દાવાને સમર્થન આપતા પુરાવા અહેવાલમાં રજૂ કરવામાં આવ્યા નથી.

મનોજ મુન્તશીરે વધુમાં આરોપ લગાવ્યો કે કેટલાક લોકો ભારતને નેપાળ, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ જેવી સ્થિતિ તરફ લઈ જવા માગે છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ સરકારના માણસ નથી અને ભાજપ સાથે તેમનો કોઈ સીધો સંબંધ નથી.
 
જોકે, તેમણે સ્વીકાર્યું કે તેમના વિચારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વિચારધારા સાથે મેળ ખાય છે. તેમણે કહ્યું કે તેઓ સત્ય, સેના અને સનાતનમાં વિશ્વાસ રાખે છે અને પોતાની વિચારધારાને લઈને તેમને કોઈ સંકોચ નથી.

‘વોટ ચોરી’ના મુદ્દે મનોજ મુન્તશીરે પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં ચૂંટણીનાં પરિણામો કોઈ પક્ષની તરફેણમાં આવે છે, ત્યાં ચૂંટણી પંચ અથવા ઈવીએમ અંગે સવાલો ઉઠાવવામાં આવતા નથી, પરંતુ હાર થાય ત્યારે જ આક્ષેપો કરવામાં આવે છે. 

તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી, 2021માં 77 બેઠકો મળી અને 2024માં 208 બેઠકોનો આંકડો રજૂ કર્યો હતો. આ આંકડાઓના આધારે તેમણે સવાલ કર્યો કે જો ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો હેતુ હોત, તો કેન્દ્રમાં સરકાર હોવા છતાં ભાજપે આટલો સમય રાહ શા માટે જોઈ હોત?