Fri Oct 09 2026

Logo

ગુજરાતમાં બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે વિશેષ નોંધણી અભિયાન, 6 માસમાં 1.62 લાખ નોંધણી...

2026-10-09 16:46:45
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે વિશેષ નોંધણી અભિયાન, 6 માસમાં 1.62 લાખ નોંધણી...

પ્રતીકાત્મક તસવીર


ગાંધીનગર: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચાડવા માટે રાજ્યવ્યાપી વિશેષ નોંધણી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તા. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યભરમાં 1.62  લાખથી વધુ બાંધકામ શ્રમિકોની નોંધણી કરાઈ છે. આ ઝુંબેશમાં ધન્વંતરી આરોગ્ય રથે મહત્વની ભૂમિકા ભજવી છે, જેના માધ્યમથી કુલ નોંધણીના 83.48  ટકા એટલે કે 1.35  લાખથી વધુ શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 

આ ઝુંબેશમાં 24011 નોંધણી સાથે અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે 

રાજ્યના તમામ 34  જિલ્લાઓમાં હાથ ધરાયેલા શ્રમિક નોંધણી અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ ઝુંબેશમાં 24011  નોંધણી સાથે અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. આ ઉપરાંત સુરતમાં 15,613  દાહોદમાં 12,861  વડોદરામાં 12,417  અને ગાંધીનગરમાં 10,645 શ્રમિકોની સફળ નોંધણી કરવામાં આવી છે.

શ્રમિકોને સ્થળ મેડિકલ તપાસ, રોગ નિદાન અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ 

શ્રમિક નોંધણી અભિયાનમાં ધન્વંતરી આરોગ્ય રથે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આરોગ્ય રથ દ્વારા અમદાવાદમાં 23,023 સુરતમાં 15,191 વડોદરામાં 11,814 ગાંધીનગરમાં 10,057 અને દાહોદમાં 5839 શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. આ રથ માત્ર નોંધણી જ નહીં, પરંતુ બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ મેડિકલ તપાસ, રોગ નિદાન અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પણ પૂરી પાડે છે.

મિકો સુધી સરકારી યોજનાઓનો વ્યાપ વિસ્તારી શકાયો

રાજ્યના બાંધકામ શ્રમિકોને તેમના હકના લાભો સરળતાથી અને અસરકારક રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યભરમાં ચલાવાયેલા વિશેષ અભિયાનના પરિણામે નોંધણી પ્રક્રિયા વધુ સરળ બની છે, જેનાથી બાંધકામ ક્ષેત્રના વધુને વધુ શ્રમિકો સુધી સરકારી યોજનાઓનો વ્યાપ વિસ્તારી શકાયો છે.