Fri Oct 09 2026

Logo

ઈક્વિટી માર્કેટમાં રિલીફ રેલીઃ ક્રૂડ તેલની પીછેહઠ અને આઈટી શૅરોની આગેવાનીમાં સેન્સેક્સ અને નિફ્ટી એક પૉઈન્ટ ઉછળ્યા

2026-10-09 19:43:14
Author: Ramesh Gohil
ઈક્વિટી માર્કેટમાં રિલીફ રેલીઃ ક્રૂડ તેલની પીછેહઠ અને આઈટી શૅરોની આગેવાનીમાં સેન્સેક્સ અને નિફ્ટી એક પૉઈન્ટ ઉછળ્યા

પ્રતીકાત્મક તસવીર


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે ક્રૂડ તેલના ભાવમાં જોવા મળેલા ઘટાડા ઉપરાંત ગઈકાલે આઈટી ક્ષેત્રની સ્થાનિક અગ્રણી કંપની ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસનાં વર્તમાન નાણાકીય વર્ષનાં ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામો પ્રોત્સાહક આવતા આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આઈટી શૅરોમાં વ્યાપક લેવાલી નીકળતાં બે સત્રના ઘટાડા પશ્ચાત્‌‍ રિલીફ રેલી જોવા મળી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 879.09 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 288.65 પૉઈન્ટનો અથવા તો અનુક્રમે 1.23 ટકાનો અને 1.30 ટકાનો ઉછાળો આવ્યો હતો.

વધુમાં એક્સચેન્જ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી મુજબ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 12,943.58 કરોડની ચોખ્ખી વેચવાલી રહ્યા બાદ આજે તેઓની રૂ. 10,373.99 કરોડની ખરીદી સામે રૂ. 13,942.89 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3568.90 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. તેમ જ આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 15,626.53 કરોડની ખરીદી સામે રૂ. 10,883.27 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4743.26 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 71,593.24ના બંધ સામે સુધારા સાથે 71,776.67ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 71,739.49 અને ઉપરમાં 72,669.20 સુધી પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 1.23 ટકા અથવા તો 879.09 પૉઈન્ટના સુધારા સાથે 72,472.33ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 22,231.80ના બંધ સામે 22,314.95ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,294.75 અને ઉપરમાં 22,580.75ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 1.30 ટકા અથવા તો 288.65 પૉઈન્ટ વધીને 22,520.45ની સપાટીએ બંધ રહ્યો હતો.

સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત બે સત્ર દરમિયાન નોંધપાત્ર માત્રામાં ઘટાડો જોવા મળ્યા બાદ ગઈકાલે અગ્રણી આઈટી કંપની ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસે જાહેર કરેલા વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામોમાં તેનો ચોખ્ખો નફો 15 ટકા વધીને રૂ. 13,884 કરોડની સપાટીએ રહ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે આઈટી ક્ષેત્રની કંપનીઓ ઉપરાંત અન્ય કંપનીના શૅરોમાં વૅલ્યૂ બાઈંગ નીકળ્યું હતું. તેમ જ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી નવેમ્બર મહિનાની વચગાળાની ચૂંટણી પૂર્વે ઈરાન પર કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં નહીં આવે એવા સંકેત આપતા ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાનો બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

વધુમાં આજે ઓનલાઈન ટ્રેડ અને વૅલ્થ ટૅક કંપની એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે બે સત્રના કડાકા પશ્ચાત્‌‍ આઈટી શૅરનોની આગેવાનીમાં નીકળેલા વૅલ્યૂ બાઈંગ ઉપરાંત વૈશ્વિક પરિબળો પણ પ્રોત્સાહક રહેતાં બજારના સુધારાને ટેકો મળ્યો હતો. તેમાં પણ ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદ સાથે ક્રૂડ તેલના ભાવ ગઈકાલના બંધ સામે 1.32 ટકા ઘટીને બેરલદીઠ 102.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી ફુગાવાલક્ષી દબાણની ચિંતા હળવી થઈ હોવાથી બજારને ટેકો મળ્યો હતો. 

બે સત્રની વ્યાપક વેચવાલીના દબાણ બાદ આજે ટીસીએસનાં પ્રોત્સાહક પરિણામો સાથે આઈટી શૅરોની આગેવાની હેઠળ બજારમાં મજબૂત સુધારો જોવા મળ્યો હોવાનું રેલિગેક બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં વધારો અટકવાને કારણે પણ બજારે રાહત અનુભવી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ હળવો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા આજે ક્રૂડ તેલના ભાવ ઘટી આવતાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં તીવ્ર બાઉન્સબૅક જોવા મળ્યું હતું. વધુમાં ટીસીએસનાં પ્રોત્સાહક પરિણામે આઈટી, બૅન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રનાં શૅરોમાં લેવાલીએ બજારની તેજીને ઈંધણ પૂરું પાડતા સેન્સેક્સ અને નિફ્ટીના સુધારાને ટેકો મળ્યો હતો અને એક ટકાથી વધુ માત્રામાં તેજી જોવા મળી હતી.
 
વધુમાં આજે બીએસઈ ખાતે કુલ 4610 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2516 શૅરના ભાવ વધીને 1867 શૅરના ભાવ ઘટીને અને 227 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 113 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 262 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી એક માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 0.55 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાયના તમામ 29 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે આઈટીસીમાં 4.78 ટકાનો, ટીસીએસમાં 4.23 ટકાનો, અદાણી પોર્ટસમાં 3.36 ટકાનો, ઈન્ફોસિસમાં 3.01 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 2.84 ટકાનો અને લાર્સન ઍન્ડ ટ્રૂબ્રોમાં 2.17 ટકાનો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી માત્ર ચાર શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 46 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. 

વધુમાં આજે બીએસઈ મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 1.59 ટકાનો અને સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.56 ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 2.96 ટકા, આઈટી ઈન્ડેક્સ 2.91 ટકા, હોસ્પિટલ ઈન્ડેક્સ 2.46 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 2.02 ટકા, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સ 1.91 ટકા, સર્વિસીસ ઈન્ડેક્સ 1.71 ટકા, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ 1.53 ટકા, ઈન્સ્યોરન્સ ઈન્ડેકસ 1.45 ટકા, પીએસયુ બૅન્ક ઈન્ડેકસ 1.37 ટકા અને પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેકસ 1.25 ટકા વધીને બંધ રહ્યા હતા. 

આજે એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો, જ્યારે શાંધાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ સુધારા સાથે બંધ રહ્યો હતો. તેમ જ યુરોપનાં બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો જોવા મળ્યો હતો.