અમદાવાદઃ ગુજરાતમાં એમબીબીએસના 50 ટકા વિદ્યાર્થીઓ ફોબિયાથી પીડાતા હોવાનો એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો. 480 એમબીબીએસ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ અડધા વિદ્યાર્થીઓ મધ્યમ, ગંભીર અથવા અતિ ગંભીર સોશિયલ ફોબિયાથી પાડતા હતા. જેમાં મધ્યમ કક્ષાનો સામાજિક ભય સૌથી વધુ 28.3 ટકા સાથે સામાન્ય જોવા મળ્યો હતો, ત્યારબાદ હળવો ભય 27.3 ટકા, ગંભીર 19.8 ટકા અને અતિ ગંભીર ભય 18.6 ટકા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો હતો.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, મેડિકલ વિદ્યાર્થીઓમાં સોશિયલ ફોબિયા પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે આ વિદ્યાર્થીઓ આગળ જતાં ડોક્ટર બનવાના છે અને સંવાદ સાધવો એ તેમના વ્યવસાયનો મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાંથી આવે છે અને હૉસ્ટેલમાં રહે છે, જ્યાં તેઓ શરૂઆતમાં એકલતા અનુભવે છે અથવા સામાજિક સંબંધો બાંધવામાં મુશ્કેલી અનુભવે છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, કેટલાક વિદ્યાર્થીઓ લોકો પોતાના વિશે શું વિચારશે તેવા ડરથી જાહેર કાર્યક્રમો કે સામાજિક મેળાવડાઓમાં જવાનું ટાળે છે. પરંતુ ઇન્ટર્નશિપ અને ત્યારબાદ ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટીંગ દરમિયાન દર્દીઓ અને સ્થાનિક સમુદાય સાથે વાતચીત કરવી એ તેમના કામનું આવશ્યક અંગ બની જાય છે. તેથી, સોશિયલ ફોબિયાની વહેલી ઓળખ કરવી અને વિદ્યાર્થીઓને વધુ ખુલીને ભાગ લેવા, હળવા-મળવા અને સંવાદ સાધવા પ્રોત્સાહિત કરવાથી તેઓ વધુ આત્મવિશ્વાસુ ડૉક્ટર બની શકે છે.
વિદ્યાર્થીઓને પાંચ કેટેગરીમાં વર્ગીકૃત કરવા માટે સોશિયલ ફોબિયા ઇન્વેન્ટરીનો ઉપયોગ કર્યો હતો. તમાકુનું સેવન, સામાજિક-આર્થિક વર્ગ, રહેઠાણ અને રમતગમતમાં ભાગીદારી સાથે આ ફોબિયાનો નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો હતો, પરંતુ ઉંમર, લિંગ કે અભ્યાસના વર્ષ સાથે તેનો કોઈ સીધો સંબંધ જણાયો નહોતો. રિપોર્ટ મુજબ, આ તારણોને સમગ્ર ગુજરાત કે ભારતના સ્તરે જનરલાઇઝ કરતાં પહેલાં હજુ મલ્ટીસેન્ટ્રિક અભ્યાસ હાથ ધરવાની જરૂર પડશે.