Fri Oct 09 2026

Logo

કચ્છની જળસંચય પ્રણાલી ગણાતા ઐતિહાસિક કૂવા અને વાવ આજે ઉપેક્ષાનો ભોગ બન્યાં

2026-10-09 19:19:00
Author: Mumbai Samachar Team
કચ્છની જળસંચય પ્રણાલી ગણાતા ઐતિહાસિક કૂવા અને વાવ આજે ઉપેક્ષાનો ભોગ બન્યાં

ભુજ: કચ્છનું નામ આવતાં જ આંખ સામે અફાટ રણ, લાંબો દરિયાકિનારો અને સૂકી-વિષમ આબોહવા દેખાય છે. પરંતુ આ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સદીઓ પૂર્વે ભાતીગળ પ્રદેશ કચ્છના લોકોએ પાણીના એક-એક ટીપાનું મૂલ્ય સમજીને જે પરંપરાગત જળસંચય પ્રણાલી વિકસાવી હતી. તે આજે પણ આ પ્રદેશના સ્થાપત્ય અને સામાજિક ઇતિહાસની અનોખી સાક્ષી પૂરે છે. જોકે, સમય જતાં ઐતિહાસિક કૂવા અને વાવ આજે ઉપેક્ષાનો ભોગ બન્યાં છે. 

ઐતિહાસિક કૂવા અને વાવ આજે ઉપેક્ષાનો ભોગ બન્યાં

જોકે, સમય જતાં પાઈપલાઈન આધારિત નળ જોડાણો, ડીપ બોરવેલ અને આધુનિક પમ્પિંગ મશીનરી આવતાં પરંપરાગત જળસ્ત્રોતો પરની માનવ નિર્ભરતા ઘટવા લાગી. પરિણામે, પેઢીઓ સુધી તરસ છીપાવનારા ઐતિહાસિક કૂવા અને વાવ આજે ઉપેક્ષાનો ભોગ બન્યાં છે. કેટલાંક સ્થળોએ કૂવા કચરાથી પુરાઈ ગયા છે, તો ક્યાંક આડેધડ બાંધકામોને કારણે વરસાદી પાણી વહીને જળાશય સુધી પહોંચવાના કુદરતી વહેણો રૂંધાઈ ગયાં છે.

કૂવાઓમાં વર્ષભર મીઠા પાણીનો સંગ્રહ જળવાઈ રહેતો 

કચ્છમાં કૂવા કે વાવનું નિર્માણ તદ્દન વૈજ્ઞાનિક અને સ્થાનિક ભૂસ્તરને અનુરૂપ કરવામાં આવતું હતું. ક્યાંક પીળા પથ્થરોની મજબૂત ગોળાકાર દિવાલો, ક્યાંક ભૂગર્ભ જળસ્તર સુધી પહોંચતાં ઊંડાં પગથિયાંવાળી કલાત્મક વાવ, તો ક્યાંક ભૂકંપના આંચકા સહન કરી શકે તેવી અનોખી ચણતર પદ્ધતિ,આ તમામ રચનાઓ તત્કાલીન સ્થાનિક કારીગરોની અપ્રતિમ સ્થાપત્ય કુશળતા દર્શાવે છે. ચોમાસામાં વરસાદી પાણી તળાવોમાં સંગ્રહિત થઈ જમીનમાં ઉતરતું, જેથી આસપાસના કૂવાઓમાં વર્ષભર મીઠા પાણીનો સંગ્રહ જળવાઈ રહેતો હતો.

ગામોના નામ કે ઓળખ પણ  કૂવાઓ સાથે જોડાયેલાં 

જૂના જમાનામાં ગામનો કૂવો કે વાવ ગ્રામીણ સ્ત્રીઓ માટે સુખ-દુઃખ વહેંચવાનું મુખ્ય સ્થળ હતું. સવાર-સાંજ પનઘટ પર પાણી ભરતી પનિહારીઓ, ચોતરે બેસીને ગામની પંચાત કરતા વડીલો અને પશુધનને અવેડામાં પાણી પીવડાવતા માલધારીઓ આ તમામ દ્રશ્યો કૂવાની આસપાસ આકાર લેતાં. પીવાના પાણીના કૂવા અને પશુઓના જળાશયો વચ્ચે ચોક્કસ ભેદરેખા જાળવીને લોકોએ કુદરતી સંતુલન અને સ્વચ્છતાની ઉત્તમ પરંપરા સ્થાપી હતી. કચ્છમાં અનેક ગામોના નામ કે ઓળખ પણ આવા ઐતિહાસિક તળાવો કે કૂવાઓ સાથે જોડાયેલાં જોવા મળે છે.

જળવ્યવસ્થાનું પુનર્જીવન અત્યંત પ્રસ્તુત બન્યું

આજના ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદના યુગમાં ભૂગર્ભ જળસ્તર સતત ઊંડાં જઈ રહ્યાં છે ત્યારે પરંપરાગત જળવ્યવસ્થાનું પુનર્જીવન અત્યંત પ્રસ્તુત બન્યું છે. કયા કૂવાનું નિર્માણ કયા રાજવી કે દાતાએ કરાવ્યું, તેનું સ્થાપત્ય કેવું છે અને હાલ તેની સ્થિતિ કેવી છે તે અંગે સમગ્ર કચ્છમાં ગામે ગામ સર્વે કરી ઐતિહાસિક દસ્તાવેજીકરણ થવું જરૂરી છે.

(ઉત્સવ વૈધ)