ગાંધીનગર : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓ માટે આગામી તા. ૧૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ મતદાન યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. જેની માટેની તૈયારીઓ મહદઅંશે પૂર્ણ કરી લેવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ઓખા, ધરમપુર, મેસાણા, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાઓની વિવિધ બેઠકો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૩-ભાણવડ બેઠક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.
મતદાનનો સમય સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધીનો
મતદાનનો સમય સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધીનો રહેશે. મતદારોને પોતાનું મતદાન મથક અગાઉથી જાણી લેવા અને મતદાન માટે જરૂરી ઓળખપત્ર સાથે સમયસર મતદાન મથકે પહોંચવા આયોગ દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન માટે મતદારે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. જો મતદાર પાસે EPIC ઉપલબ્ધ ન હોય, તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય વૈકલ્પિક ઓળખપત્ર રજૂ કરીને મતદાન કરી શકાશે.
પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.રાજ્ય ચૂંટણી આયોગે તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.