Sat Oct 10 2026

Logo

રેખાના બર્થડે પર હેમા માલિનીએ શેર કર્યો ભાવુક વીડિયો! શત્રુઘ્ન સિન્હાએ આપી ખાસ શુભેચ્છા; સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ...

2026-10-10 17:53:46
Author: Darshana Visaria
રેખાના બર્થડે પર હેમા માલિનીએ શેર કર્યો ભાવુક વીડિયો! શત્રુઘ્ન સિન્હાએ આપી ખાસ શુભેચ્છા; સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ...

બોલીવૂડની 'એવરગ્રીન દિવા' અને અપ્રતિમ સુંદરતાની મૂર્તિ ગણાતા દિગ્ગજ એક્ટ્રેસ રેખાનો આજે 72મો જન્મદિવસ છે. 10મી ઓક્ટોબર, 1954ના રોજ જન્મેલાં રેખાએ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય, ગ્લેમર અને અનોખી સ્ટાઇલથી પાંચ દાયકાથી વધુ સમય સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. રેખાના 72મા જન્મદિવસ નિમિત્તે બોલિવૂડ સેલેબ્સ, સાથી કલાકારો અને દેશભરના પ્રશંસકો સોશિયલ મીડિયા પર તેમને પ્રેમ અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. વધતી ઉંમર સાથે પણ તેમની સુંદરતા અને ગ્રેસ આજે પણ નવી પેઢીની અભિનેત્રીઓને પ્રેરણા આપે છે.

બોલીવૂડ સેલેબ્સ પાઠવી ખાસ શુભેચ્છાઓ:
રેખાના જન્મદિવસ પર બોલિવૂડના જાણીતા કલાકારો, દિગ્દર્શકો અને ડિઝાઇનર્સે તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમના ગ્રેસ, ચાર્મ અને સિનેમામાં આપેલા અભૂતપૂર્વ પ્રદાનની પ્રશંસા કરતી પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. આજના સમયની અગ્રણી અભિનેત્રીઓ રેખાને પોતાની રોલ મોડેલ ગણાવે છે. એવોર્ડ શો હોય કે કોઈ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ, રેખાની રોયલ એન્ટ્રી હંમેશાં લાઈમલાઈટ ચોરી લે છે.

દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ પોતાના ઓફિશિયલ 'X' (ટ્વિટર) હેન્ડલ પર રેખા સાથેની જૂની યાદોને વાગોળતાં લખ્યું હતું કે "અમારી પોતાની, રહસ્યમય અને રસપ્રદ મહિલા રેખાને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ અને ખૂબ પ્રેમ." તેમણે રેખાના અંદાજની પ્રશંસા કરતાં આગળ ઉમેર્યું કે, "તમે સ્ટાઈલ, ગ્રેસ અને નજાકતની જીવતી જાગતી મિસાલ છો. ઈશ્વર તમને અપાર ખુશીઓ અને ઉત્તમ સ્વાસ્થ્યનું આશીર્વાદ પ્રદાન કરે."

હેમા માલિનીએ શેર કર્યો યાદગાર ફોટોખાસ વીડિયોો:
રેખા અને હેમા માલિની વચ્ચે દાયકાઓ જૂની અતૂટ મિત્રતા છે. પોતાની ખાસ બહેનપણીના જન્મદિવસ પર હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર બંનેની અનેક યાદગાર તસવીરો ધરાવતો એક ખાસ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતાં હેમા માલિનીએ લખ્યું હતું કે ડિયર રેખાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને હંમેશાં સમૃદ્ધિ પ્રદાન કરે. આ બંને દિગ્ગજ અભિનેત્રીઓની વર્ષો જૂની મિત્રતા અને બોન્ડિંગ ફેન્સનું દિલ જીતી રહ્યું છે.

કાંજીવરમ સાડી, લાલ લિપસ્ટિક અને સિંદૂર:
રેખા એટલે ચમકદાર કાંજીવરમ સિલ્કની સાડી, ભારે ગોલ્ડન જ્વેલરી, ગાઢ કાજલ અને ઘેરી લાલ લિપસ્ટિક. તેમની આ પરંપરાગત ભારતીય સ્ટાઇલ આજે વૈશ્વિક ફેશન પ્લેટફોર્મ પર પણ ચર્ચાનો વિષય બને છે. રેખા વર્ષોથી કોઈપણ જાહેર સમારોહમાં માંગમાં સિંદૂર પૂરીને પહોંચે છે, જે હંમેશાં ચાહકો અને મીડિયામાં એક રહસ્ય અને ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. તેમના આ આત્મવિશ્વાસપૂર્ણ અંદાજને દર્શકો ખૂબ પસંદ કરે છે.

યાદગાર ફિલ્મો અને અવિસ્મરણીય સિનેમા સફર:
બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર રેખાએ 1970માં ફિલ્મ 'સાવન ભાદોં'થી લીડ હિરોઈન તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 'ઉમરાવ જાન', 'સિલસિલા', 'ખૂન ભરી માંગ', 'મુકદ્દર કા સિકંદર', 'ખૂબસૂરત' અને 'ઉત્સવ' જેવી અગણિત સુપરહિટ ફિલ્મોમાં તેમણે ભજવેલા પાત્રો ભારતીય સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. 'ઉમરાવ જાન' માટે તેમને શ્રેષ્ઠ એક્ટ્રેસનો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ પણ મળ્યો હતો.