અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતી 30 વર્ષીય પરિણીતાએ પોતાના જ પતિ અને સાસરિયાઓના સતત ત્રાસથી કંટાળીને ફ્લેટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. મૃતક યુવતીએ આપઘાત કરતા પહેલા પોતાની બહેનને ફોન કરીને સમગ્ર આપવીતી જણાવી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે મૃતકના પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવું થયું હોવાનું જણાવીને પિયરમાંથી 2 લાખ રૂપિયા મંગાવ્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, નવા વાડજમાં રહેતા ડાહ્યાભાઈ રાવતની 30 વર્ષીય દીકરી જયાના લગ્ન ચાંદખેડામાં રહેતા સુનિલ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા સમય સુધી બધું બરાબર રહ્યું, પરંતુ ત્યારબાદ પતિ સુનિલે દેવું થયું હોવાનું જણાવીને પિયરમાંથી 2 લાખ રૂપિયા મંગાવવા માટે જયા પર દબાણ કરવાનું શરૂ કર્યું. જયાના પિતાએ દીકરીના સંસાર માટે 2 લાખ રૂપિયા આપ્યા પણ ખરા, છતાં પણ સાસરિયાઓની લાલચ અને ત્રાસ ઓછો થયો નહોતો.
સમય જતાં પતિ સુનિલ દારૂના રવાડે ચઢી ગયો હતો. સુનિલ અવારનવાર દારૂ પીને જયા સાથે ગાળાગાળી અને મારઝૂડ કરતો હતો. જ્યારે જયા તેને દારૂ પીવાથી રોકતી અથવા સમજાવતી ત્યારે તે જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં, સુનિલ અને તેના પરિવારજનો જયાનો નોકરીનો પગાર પણ છીનવી લેવા માટે તેને હેરાન કરતા હતા. આ કેસમાં પોલીસે પતિ સુનિલ જાદવ, સસરા ગિરીશ જાદવ, સાસુ જશોદા જાદવ અને નણંદ હિના સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આપઘાત પહેલા છેલ્લો ફોન બહેનને કરી જણાવી આપવીતી
ઘટનાના દિવસે એટલે કે 8 ઓક્ટોબરે રાત્રે જયાએ તેની બહેનને ફોન કરીને રડતા રડતા જણાવ્યું હતું કે, તેનો પતિ, સાસુ, સસરા અને નણંદ તેને અત્યંત ટોર્ચર કરી રહ્યા છે. બહેને તેને તાત્કાલિક પિયર આવી જવાની સલાહ આપી હતી, પરંતુ થોડી જ વારમાં જયાનો ફોન બંધ આવવા લાગ્યો! જ્યારે પરિવાર દ્વારા સસરાને ફોન કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે જયાએ સોસાયટીના ફ્લેટના ચોથા માળેથી નીચે કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. અવાજ સાંભળીને આસપાસના સોસાયટીના લોકો પણ દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.