ગાંધીનગર: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ પહેલા તાવ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે છેલ્લા 10 દિવસમાં BSF, CRPF અને ITBPના કુલ 87 સુરક્ષા કર્મચારીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, તેમાંથી 50 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 37 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ ૩૭ કર્મચારીઓની હાલત સ્થિર અને સુધારા પર છે, કોઈની પણ હાલત ગંભીર નથી. આ કર્મચારીઓ ઓડિશા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી ગુજરાત પહોંચ્યા હતા.
પાનશેરિયાએ ગુરુવારે મોડી રાત્રે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમની સારવારની સમીક્ષા કરી હતી અને તબીબી ટીમને મળ્યા હતા. તેમણે હોસ્પિટલના અધિકારીઓને કર્મચારીઓ માટે અવિરત તબીબી સંભાળ, પૂરતું હાઇડ્રેશન અને પૌષ્ટિક ખોરાક સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે ડેન્ગ્યુની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ માટે લોહી અને પ્લેટલેટ્સની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરી હતી.
મંત્રીએ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક જવાનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, જવાનને છાતીમાં તીવ્ર દુ:ખાવો થયો હતો અને ECG સહિત કાર્ડિયાક ટેસ્ટ કરાવ્યા બાદ તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબી હસ્તક્ષેપ છતાં તેમનું મૃત્યુ થયું. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જવાનનું મૃત્યુ ડેંગ્યુના કારણે થયાની આશંકા છે.
બીજી તરફ ડોક્ટરોને આશંકા છે કે જવાનનું મોત હૃદયરોગના હુમલાથી થયું છે. મંત્રીએ જણાવ્યું હતું કે જવાન તાવ અને શારીરિક અસ્વસ્થતાથી પીડાતા હોવા છતાં સખત કસરત ચાલુ રાખતો હતો. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ખબર પડશે.
પાનશેરિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરો તૈનાત કર્યા છે અને કર્મચારીઓના રહેઠાણ સ્થળોએ દિવસમાં બે વાર ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે. ડોક્ટરોની એક સમર્પિત ટીમ 24 કલાક સ્થળોએ આરોગ્ય અને સ્વચ્છતાની સ્થિતિનું પણ નિરીક્ષણ કરી રહી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે પરેડ માટે તૈનાત કર્મચારીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને તેમના આરોગ્યની સ્થિતિને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પગલાં લેવામાં આવી રહ્યા છે.