Sat Oct 10 2026

Logo

દિલ્હીમાં CJPના પ્રદર્શન પર પોલીસની કાર્યવાહી, ધ્રુવ રાઠી સહિત અનેક પ્રદર્શનકારીઓની અટકાયત

2026-10-10 10:20:00
Author: Vimal Prajapati
દિલ્હીમાં CJPના પ્રદર્શન પર પોલીસની કાર્યવાહી, ધ્રુવ રાઠી સહિત અનેક પ્રદર્શનકારીઓની અટકાયત

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એસઆઈઆર (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP દ્વારા બોલાવાયેલા વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. પ્રદર્શન માટે મંજૂરી ન મળવા છતાં રસ્તાઓ પર ઉતરેલા પ્રદર્શનકારીઓ સામે દિલ્હી પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

મલ્ટી-લેયર બેરિકેડિંગ સાથે જંતર-મંતર છાવણીમાં ફેરવાયું

દિલ્હી પોલીસે સુરક્ષાના ભાગરૂપે જંતર-મંતર તરફ જતા તમામ માર્ગોને સીલ કરી દીધા છે. રાયસીના રોડ, મેરિડિયન, સંઘાડા અને જનપથ ગોળ ચક્કર પર લોખંડની મજબૂત બેરિકેડિંગ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સાથે મહિલા સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. નવી દિલ્હી વિસ્તારને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોનમાં અટકાયત કરાયેલા લોકો માટે અલગથી ડેટન્શન સેન્ટર (સ્ટેડિયમમાં) બનાવવામાં આવ્યા છે.
 

યુટ્યુબર ધ્રુવ રાઠી સહિત 150થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત

આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહેલા જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીને ગુરુગ્રામ સ્થિત તેના નિવાસસ્થાનેથી દિલ્હી પોલીસે સવારે અટકાયતમાં લીધા છે. ધ્રુવ રાઠી સતત આ પ્રદર્શનનું સમર્થન કરી રહ્યા હતા. આ સાથે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત આશરે 150થી વધુ પ્રદર્શનકારીઓને કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પાસેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હીભરમાંથી આશરે 500થી 600 જેટલા લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ગુરુગ્રામ-દિલ્હી બોર્ડર તેમજ નોઈડાથી આવતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 

 

દિલ્હી પોલીસે સંસદ માર્ગ વિસ્તારમાંથી જંતર-મંતર તરફ જઈ રહેલા અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા છે. આ ઉપરાંત, કનોટ પ્લેસ (CP) માંથી પણ ઘણા પ્રદર્શનકારીઓને પકડવામાં આવ્યા છે. તે બધાને બસોમાં બેસાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે એવા કેટલાક પ્રદર્શનકારીઓને પણ અટકાયતમાં લીધા છે જેઓ દેખાવ કરવા માટે જંતર-મંતર ખાતે એકઠા થવાનું શરૂ કરી રહ્યા હતા.