ફોકસ - વિવેક કુમાર
તહેવાર નજીક આવતાં જ વિવિધ શોપિંગ એપ્સ પર ઓફર્સનો વરસાદ શરૂ થઈ જાય છે. લોભામણી ઓફર્સ તરફ ગ્રાહકો આકર્ષિત થાય છે. પહેલાં બજાર જવા માટે સમય કાઢવો પડતો હતો, દુકાન દુકાન ફરવું પડતું હતું, તો પણ પોતાની મનપસંદની વસ્તુ મળશે જ એની કોઈ ગૅરન્ટી નહોતી. હવે એ જ ખરીદી તમારા મોબાઇલ ફોનના સ્ક્રીન પરથી થોડી મિનિટોમાં જ થઈ જાય છે. કપડાંથી લઈને કૉસ્મેટિક, કિચનનો સામાન, શૂઝ, બૅગ, બાળકોની વસ્તુઓ તેમ જ રોજ વાપરવામાં આવતું રૅશન પણ ઘરે બેસીને મગાવી શકાય છે. એનાથી મહિલાઓને ઘણી સુવિધા થઈ ગઈ છે, પરંતુ આ સુવિધામાં નવા પ્રકારના પડકાર અને તમને ફસાવવાની નવી નવી જાળ પણ હોય છે. જરૂરી વસ્તુઓ ખરીદવી અને ફક્ત ખરીદવા પૂરતું ખરીદવું એમાં ફરક હોય છે. ઑનલાઇન બજારમાં ગ્રાહકને આકર્ષિત કરવા માટે સતત સેલ, કૂપન, ફ્લેશ ડીલ, આજે છેલ્લો મોકો, ફક્ત બે પીસ બાકી છે, ફ્રી ડિલિવરી જેવા મેસેજ વારંવાર એવી રીતે રીપિટ કરવામાં આવે છે કે એ તમારા માઇન્ડમાં બેસી જાય. એવામાં આપણને જેની જરૂર ન હોય એવી ઘણી બધી ચીજો આપણે ખરીદી લેતા હોઈએ છીએ, કારણ કે ઑનલાઇન ખરીદી માટે એક એવો ભ્રમ ફેલાવી દેવામાં આવ્યો છે કે અહીં બધી વસ્તુઓ ઘણી સસ્તી મળે છે.
લોકો વિચારે છે કે વસ્તુઓ 40 ટકા જેટલી સસ્તી મળી રહી છે તો ખરીદી જ લેવી જોઈએ, પરંતુ આપણને જે વસ્તુની જરૂર નથી એની ખરીદી કરીને આપણે ખર્ચ વધારીએ છીએ. એટલે કોઈ પણ ઑફરને જોઈને સૌથી પહેલાં પોતાની જાતને પૂછવું જોઈએ કે જો આ ચીજ પર છૂટ ના હોત તો હું એને ખરીદતે? અને જો જવાબ ના હોય તો એનો મતલબ એ થયો કે એની જરૂરત ન હતી, પણ જાહેરાતની અસરને કારણે ખરીદી લીધી. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઑનલાઇન શૉપિંગમાં સૌથી મોટું આકર્ષણ તસવીરનું હોય છે. શાનદાર રોશનીમાં લેવામાં આવેલી મૉડલની તસવીરમાં કોઈ ડે્રસ ખૂબ જ ખૂબસૂરત લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં એ પ્રોડક્ટનો રંગ, એની ગુણવત્તા અને ફિટિંગ જરૂરી નથી કે પર્ફેક્ટ જ હોય. એટલે ફક્ત તસવીર પર ભરોસો કરવો યોગ્ય નથી.
પ્રોડક્ટનું વિવરણ વાંચવું ખૂબ જરૂરી છે. કોઈ પણ વસ્તુનો રંગ, આકાર, વજન, લંબાઈ સંબંધિત નાનામાં નાની જાણકારી મેળવ્યા બાદ જ ખરીદી કરવી જોઈએ જે તમને નિરાશ થતાં બચાવી શકે છે. જ્યારે પણ તમે ઑનલાઇન ખરીદી કરો ત્યારે પહેલાં એ વિશેના ઑનલાઇન રિવ્યૂ જરૂર વાંચો. જોકે અહીં પણ દરેક ખરીદદારની સમીક્ષાને એકદમ સાચી ન માની લેવી. કેટલાક ખાસ ખરીદદારોની પ્રતિક્રિયા અને ટિપ્પણીઓ વાંચો જેમણે ઉત્પાદકની ખામીઓ વિશે વિસ્તારથી બતાવ્યું હોય. કપડાંની બાબતમાં વેબસાઇટ કે કંપનીની તસવીરો કરતાં જે ગ્રાહકે પ્રોડક્ટ ખરીદીને તસવીર અપલોડ કરી છે એના પર ભરોસો રાખો, કારણ કે પ્રોડક્ટના રંગની વાસ્તવિકતા અને ફિટિંગનો અંદાજો કંપનીની તસવીરથી વધારે ભરોસાપાત્ર હોય છે.
રેટિંગની વાત આવે છે તો રેટિંગના સ્ટારને જોઈને અંતિમ નિષ્કર્ષ પર ન પહોંચો, પરંતુ લખેલી ટિપ્પણી વધારે સાચી હોય છે. પાંચ સ્ટાર જોઈને તરત પ્રભાવિત થવાને બદલે એ જાણવું વધારે જરૂરી થઈ જાય છે કે વાસ્તવમાં એ ખરીદનારે શું લખ્યું છે? ઘણી વાર હજારો લોકોના સારા રેટિંગ હોવા છતાં પણ આપણી જરૂરત પ્રમાણે એ પ્રોડક્ટ બિલકુલ ઉપયોગી ન પણ હોઈ શકે. સૌથી વધારે જરૂરી છે રિટર્ન પૉલિસી. ઑન લાઇન ખરીદી કરનારની સૌથી મોટી ભૂલ એ હોય છે કે વસ્તુની ખરીદી કરતાં પહેલાં રિટર્ન પૉલિસી વિશે ન વાંચવું. કેટલીક પ્રોડક્ટ પર રિટર્ન ઉપલબ્ધ નથી હોતું. કેટલાક પર ફક્ત રિપ્લેસમેન્ટ હોય છે, જ્યારે કેટલાકમાં રિફંડ માટે કેટલીક શરતો હોય છે. કપડાં, કૉસ્મેટિક્સ, ઇલેક્ટ્રૉનિક્સ અને વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓ માટે નિયમ અલગ અલગ હોઈ શકે છે. એટલે ચુકવણી કરતાં પહેલાં એ ચેક કરવું જોઈએ કે એ પ્રોડક્ટ ખરેખર રિટર્ન કરી શકાય છે કે નહીં, કેટલા દિવસની અંદર કરવાનું હોય છે અને રિફંડ કયા માધ્યમથી મળશે.
ખરેખર તો ઑનલાઇન ખરીદીની જાળમાં ફસાવા પહેલાં એના રિટર્ન ટૅ્રપને સમજવાનું જરૂરી થઈ જાય છે. ક્યારેક આપણે એની કિંમતને જોઈને સામાન ખરીદી લેતા હોઈએ છીએ. ત્યાર બાદ આપણને ખબર પડે કે એને રિટર્ન કરવાની પ્રક્રિયા ખૂબ જ કઠિન હોય છે અને તેમની કેટલીક શરતો પૂરી કરવાની હોય છે. કેટલાક કિસ્સામાં પૅકેટ ખોલ્યા બાદ કે ટૅગ હટાવ્યા બાદ એને રિટર્ન લેવામાં નથી આવતું. એટલે ડિલિવરી મળતાં જ પૅકેટ અને એના ઉત્પાદકની સ્થિતિ ચેક કરવી જરૂરી હોય છે. મોંઘાં ઉત્પાદકોની બાબતમાં પૅકેટ ખોલતી વખતે વીડિયો રેકૉર્ડિંગ કરવું પણ વિવાદના સમયે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. સસ્તી વસ્તુઓ જોઈને કોઈ અજાણી વેબસાઇટ પરથી ખરીદી કરવી જોખમી હોઈ શકે છે. વેબસાઇટનું નામ, સંપર્ક, જાણકારી, રિટર્ન નીતિ અને પેમેન્ટનો વિકલ્પ જોઈને જ ખરીદી કરવી જોઈએ.ખાસ કરીને સોશ્યલ મીડિયા પર બતાવવામાં આવતી જાહેરખબરોથી સાવધાન રહેવું જોઈએ જે સામાન્ય બજારની સરખામણીમાં અસાધારણ રૂપથી ઓછી કિંમતનો દાવો કરે છે. એક ઉપયોગી આદત એ પણ બનાવી લેવી જોઈએ કે બિનજરૂરી વસ્તુઓને તરત ખરીદવાને બદલે પહેલાં એને કાર્ટ કે વિશલિસ્ટમાં નાખવું જોઈએ. 24 કલાક પછી પણ એની જરૂરત મહેસૂસ થાય તો એની ખરીદી કરવા પર વિચાર કરવો જોઈએ. આ એક નાની આદતથી આવેશમાં આવીને કરવામાં આવતી ખરીદી ઘણી ઓછી કરી શકાય છે.
ઑનલાઇન શૉપિંગનો એક ફાયદો જરૂર છે કે એનાથી ખર્ચનો હિસાબ સારી રીતે રાખી શકાય છે, પરંતુ ઘણી વાર આ સુવિધા વધારે ખર્ચનું કારણ બની જાય છે, કારણ કે નાની નાની ખરીદી કરીને મહિનાના ખર્ચનું બજેટ મોટું થઈ જાય છે. છેવટે સ્માર્ટ ઑનલાઇન શૉપર એ નહીં જે સૌથી વધારે વસ્તુઓ ઓછી કિંમતમાં ખરીદે, પરંતુ તે છે જે જરૂરત, ગુણવત્તા, કિંમત, સુરક્ષા અને રિટર્નની શરતોને સમજીને યોગ્ય નિર્ણય લે.