Sat Oct 10 2026

Logo

ક્રૂડ તેલના ભાવઘટાડા સાથે સોના-ચાંદીમાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં ઘટ્યા મથાળેથી સુધારો...

2026-10-10 19:47:01
Author: Ramesh Gohil
ક્રૂડ તેલના ભાવઘટાડા સાથે સોના-ચાંદીમાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં ઘટ્યા મથાળેથી સુધારો...

સ્થાનિકમાં ભાવ વધી આવતા જ્વેલરી ઉત્પાદકોની માગ નબળી પડી 

આંતરરાષ્ટ્રીય બજારમાં ગત ગુરુવાર સુધી ક્રૂડ તેલ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહી હોવાથી સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હતું, પરંતુ ગત ગુરુવારે મોડી સાંજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી નવેમ્બર સુધી અર્થાત્‌‍ અમેરિકાની વચગાળાની ચૂંટણી પૂર્વે ઈરાન પર લશ્કરી કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હોવાનું જણાવતાં વિશ્વ બજારમાં શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી.

તેમ જ બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ જે બેરલદીઠ 105 ડૉલર સુધી પહોંચ્યા હતા તે ઘટીને બેરલદીઠ 102 ડૉલર આસપાસની સપાટીએ પહોંચતા ફુગાવાલક્ષી દબાણ વધવાની ભીતિ દૂર થવાની સાથે આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં સપ્તાહના અંતે બન્ને કિંમતી ધાતુઓમાં બાર્ગેઈન હંટિંગ નીકળતા સોનાના ભાવમાં 1.5 ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 2.4 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને સાપ્તાહિક ધોરણે પણ ભાવમાં વૃદ્ધિ નોંધાઈ હતી. 

આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહ દરમિયાન બેતરફી વલણ જોવા મળ્યું હતું અને સપ્તાહ દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યા બાદ અંતે શુક્રવારે ભાવમાં ચમકારો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 1,48,138 સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,47,785ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,47,278 અને ઉપરમાં રૂ. 1,49,614ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 0.87 ટકા અથવા તો રૂ. 1292 વધીને રૂ. 1,49,430ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 2,20,829ના બંધ સામે રૂ. 2,22,934ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,17,106 અને ઉપરમાં રૂ. 2,24,157ની રેન્જમાં રહીને અંતે સાધારણ 0.12 ટકા અથવા તો રૂ. 280ના સુધારા સાથે રૂ. 2,21,109ની સપાટીએ બંધ રહ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર સપ્તાહ દરમિયાન ભાવમાં જ્યારે નરમાઈનો અન્ડરટોન રહ્યો હતો તે સમયે ખાસ કરીને સોનામાં રોકાણકારોની રોકાણલક્ષી અને જ્વેલરી ઉત્પાદકોની તેમ જ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની આગામી નવરાત્રી, દશેરા, ધનતેરસ અને દિવાળીના તહેવારોની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા ખરીદી જોવા મળી હતી. જોકે, ગત શુક્રવારે ભાવમાં બાઉન્સબૅક જોવા મળતાં બન્ને કિંમતી ધાતુઓમાં માગ મંદ પડી હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો હોવાથી રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

એકંદરે ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અંદાજને લગતી સતત ચિંતાઓ અને અનિશ્ચિતતાથી ગત ગુરુવાર સુધી સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાથી એકંદરે નકારાત્મક વલણ રહ્યું હતું. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકાની વચગાળાની ચૂંટણી પૂર્વે ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરવામાં નહીં આવે એવા સંકેત આપતા ભૂરાજકીય ચિંતાઓ હળવી થતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હતા અને સપ્તાહના અંતે સોના અને ચાંદી સહિતની તમામ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હોવાનું એસએમસજી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું.

જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેટ કરતા ટેન્કરો પર સતત હુમલાઓ અને મેક્સિકોના અખાતમાં ઑફશૉર તેલ ઉત્પાદનમાં વિક્ષેપો અસ્થિરતાના સંભવિત સ્ત્રોત યથાવત્‌‍ હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં 30 વર્ષના બોન્ડ હરાજીમાં મજબૂત માગને પગલે ટ્રેઝરી યીલ્ડ 24 વર્ષના ઉચ્ચ સ્તરેથી નીચે આવી હોવાથી કિંમતી ધાતુઓમાં સુધારાને ટેકો પૂરો પાડે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ નીતિને લગતી અનિશ્ચિતતાની બજાર પર અસર થઈ રહી છે. ફેડરલ રિઝર્વ સતત ફુગાવાને નિયંત્રિત કરવા અને આર્થિક વિકાસને ટેકો આપવા વચ્ચે પડકારજનક સંતુલનનો સામનો કરે છે.

સેન્ટ લૂઇસ ફેડના પ્રમુખ આલ્બર્ટો મુસાલેમે સૂચવ્યું હતું કે ફુગાવાને બે ટકાનાં લક્ષ્યાંક પર લાવવા માટે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો જરૂરી હોઈ શકે છે. આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવની વધઘટ અમેરિકાના આર્થિક ડેટા અને વ્યાજ દરના અંદાજ અંગેના સંકેતો પર અવલંબિત હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય રીતે વ્યાજદરમાં વધારાના સંજોગોમાં સોના અને ચાંદી જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ નિરસ રહેતી હોય છે અને જ્યારે વ્યાજદર નીચી સપાટીએ હોય ત્યારે આવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી ઉગ્ર બનતી હોય છે.

અમારા મતાનુસાર આગામી સપ્તાહે વૈશ્વિક સોનું આૈંસદીઠ 4,000ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર જળવાયેલું રહેશે, જ્યારે આૈંસદીઠ 4300 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે. તેમ જ ચાંદીના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 57થી 65 ડૉલર આસપાસની રેન્જમાં રહેશે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવની રેન્જ 10 ગ્રામદીઠ રૂ. 1,46,000થી રૂ. 1,55,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,13,000થી રૂ. 2,20,000ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. એકંદરે સપ્તાહ દરમિયાન ભૂરાજકીય તણાવના અહેવાલો, ક્રૂડ તેલ અને ડૉલર ઈન્ડેક્સની વધઘટ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટની સોના-ચાંદીના ભાવ પર અસર જોવા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન ગત સપ્તાહના અંતે ખાસ કરીને ક્રૂડ તેલના ભાવ ઘટી આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ નીચી સપાટીએથી 1.5 ટકા વધીને આૈંસદીઠ 4194.36 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.4 ટકા વધીને 4216.3 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 2.4 ટકા વધીને આૈંસદીઠ 60.77 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે સોનાના ભાવ ઘટીને આૈંસદીઠ 4000 ડૉલર સુધી પહોંચ્યા બાદ ક્રૂડ તેલના ભાવ ઘટાડા સાથે બાર્ગેઈન હંટિંગ નીકળતા સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું સ્ટોન એક્સનાં વિશ્લેષક રહોના ઑ કૉનેલે જણાવ્યું હતું.

વધુમાં બાયબીટના વિશ્લેષક હૅન તૅને જણાવ્યું હતું કે આગામી સપ્તાહે અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પર રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે. જો ફુગાવામાં અનપેક્ષિત મોટી વૃદ્ધિ જોવા મળે અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તો સોનુ પુનઃ આૈંસદીઠ 4000 ડૉલરની વૈજ્ઞાનિક સપાટીને સ્પર્શે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ગત શુક્રવારે બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી માત્ર 19 ટકા શક્યતા જોઈ રહ્યા છે, જ્યારે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની 84 ટકા શક્યતા જોઈ રહ્યા હતા.