Sat Oct 10 2026

Logo

સુરતનું કાપડ વૈશ્વિક સ્તરે ડંકો વગાડે, ઉદ્યોગપતિઓ હવે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરેઃ ગિરિરાજ સિંહ...

2026-10-10 20:10:44
Author: Mayur Patel
સુરતનું કાપડ વૈશ્વિક સ્તરે ડંકો વગાડે, ઉદ્યોગપતિઓ હવે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરેઃ ગિરિરાજ સિંહ...

સુરતઃ  કેન્દ્રીય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહના અધ્યક્ષ સ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે પીએમ મિત્ર પાર્ક સંદર્ભે ઉદ્યોગકારો, ઈન્વેસ્ટરો સાથે બેઠક યોજાઈ હતી. સુરતના કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત કરવા સાથે 'PM મિત્ર પાર્ક'ને વધુ ઉદ્યોગ અનુકુળ બનાવવા સંદર્ભે રોકાણકારોના સૂચનો, રજૂઆતો સાંભળી હતી. તેમણે પાર્કને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે સુરતના ઉદ્યોગપતિઓના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. 

 કેન્દ્રીય કાપડ પ્રધાન જણાવ્યું કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ વેગ આપવા અને પ્રદૂષણમુક્ત વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે વિશ્વકક્ષાનો 'PM મિત્ર પાર્ક' બનશે. નવસારીના વાંસીબોરસીમાં ૨૧૦૦ એકરમાં સાકાર થઇ રહેલો PM મિત્ર પાર્ક કાપડ ઉદ્યોગની દશા અને દિશા બદલી નાખશે. અહીં રોડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, વીજળી સુવિધા ઉભી કરવા માટે યુદ્ધના ધોરણે કાર્ય થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, દેશનો કાપડ ઉદ્યોગ હવે નવીનતમ અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ મશીનોથી કાપડ ઉત્પાદન કરી રહ્યો છે. ગુજરાત અને ખાસ કરીને સુરત પાસે વિશ્વભરમાં કાપડની નિકાસ કરવાની વિપુલ ક્ષમતા છે. સુરતના સક્ષમ અને વિઝનરી ઉદ્યોગપતિઓ હાઈ ક્વોલિટીનું કાપડ તૈયાર કરવા નવીનતમ અને સરાહનીય પ્રયોગો કરી રહ્યા છે. હવે સુરતના કાપડ ઉદ્યોગકારો અને રોકાણકારો નિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. બેઠકમાં રાજ્યના ટેકસટાઈલ કમિશનર વૃંદા દેસાઈ સહિત સુરતના અગ્રણી ટેક્સટાઈલ ઉદ્યોગકારો, રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.