Sat Oct 10 2026

Logo

પુર્ણેકરની હત્યાના કેસમાં પ્રયાગરાજના મંદિરમાં સંતાયેલા આરોપીની ધરપકડ...

2026-10-10 20:03:10
Author: Yogesh C. Patel
પુર્ણેકરની હત્યાના કેસમાં પ્રયાગરાજના મંદિરમાં સંતાયેલા આરોપીની ધરપકડ...

થાણે: શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરની ગોળી મારી હત્યા કરવાના કેસમાં કથિત રીતે સંડોવાયેલા આરોપીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી.થાણે પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ યુપીના પ્રયાગરાજમાંથી પકડી પાડેલા આરોપીની ઓળખ સંતોષ કનોજિયા ઉર્ફે ટલ્લી તરીકે થઈ હતી. ધરપકડથી બચવા કનોજિયા પ્રયાગરાજના એક મંદિરમાં સંતાયો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.

થાણેમાં પક્ષ કાર્યાલયની બહાર 29 સપ્ટેમ્બરની રાતે ગોળીબાર કરી પુર્ણેકરની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કનોજિયાનું નામ આવતાં તે ફરાર થઈ ગયો હતો. કનોજિયા દેશ છોડીને ફરાર થવાની શક્યતાને આધારે તેની સામે લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) પણ જારી કરાયું હતું, એવું સૂત્રોએ જણાવ્યું હતું.આ કેસમાં એસઆઈટીએ અગાઉ સુભાષ ઉર્ફે પપ્યા શિંદે, નિખિલ યાદવ અને નિતેશ પવારની ધરપકડ કરી હતી. પુર્ણે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો માનપાડાનો વૉર્ડ અધ્યક્ષ હતો. હુમલાખોરોએ છથી વધુ રાઉન્ડ ફાયર કર્યા પછી પુર્ણેકર પર ચોપરથી પણ હુમલો કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી પવાર પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. (પીટીઆઈ)