Sun Oct 11 2026

Logo

આદિપુરમાં પત્નીનો ઠપકો લાગી આવતાં પતિએ ગળેફાંસો ખાધો: માતાના મઢ જતા જામનગરના વધુ એક શ્રદ્ધાળુનું અકસ્માતમાં મોત

2026-10-11 12:36:00
Author: Mumbai Samachar Team
આદિપુરમાં પત્નીનો ઠપકો લાગી આવતાં પતિએ ગળેફાંસો ખાધો: માતાના મઢ જતા જામનગરના વધુ એક શ્રદ્ધાળુનું અકસ્માતમાં મોત

ભુજ: આદિપુરના વોર્ડ ૩/એ વિસ્તારમાં દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતાં માઠું લાગી આવવાથી ૪૫ વર્ષીય પ્રૌઢે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં આસો નવરાત્રિ પર્વે જામનગરથી મોટરસાઇકલ પર સવાર થઈ માતાના મઢ દર્શનાર્થે આવી રહેલા શ્રદ્ધાળુ આધેડનું ભુજોડી પાસે વાહન સ્લીપ થઈ જતાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી કરુણ મોત નીપજ્યું હતું.

આદિપુરમાં બનેલા આપઘાતના બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, વોર્ડ નંબર ૩/એ વિસ્તારમાં ગઢવી છાત્રાલય પાસે રહેતા કિષ્ણાબહાદુર જંગબહાદુર શાહી (ઉ.વ. ૪૫) ગત તા. ૯ ઓક્ટોબરના રોજ રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યા હતા. આ બાબતે તેમની પત્નીએ તેમને ઠપકો આપી બોલાચાલી કરી હતી. પત્નીનો આ ઠપકો મનમાં લાગી આવતાં કિષ્ણાબહાદુરે આવેશમાં આવી ઘરમાં દોરી વડે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આદિપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં, માતાના મઢ દર્શનાર્થે આવતા માઈભક્તોને માર્ગ અકસ્માત નડવાની વણઝાર વચ્ચે વધુ એક શ્રદ્ધાળુનો જીવનદીપ બુઝાયો છે. જામનગરના નાગેશ્વર ગામે રહેતા છગનભાઈ મેઘજીભાઈ બારિયા (ઉ.વ. ૫૨) પોતાના પત્ની મંગુબેન સાથે મોટરસાઈકલ પર સવાર થઈ માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને નીકળ્યા હતા.

ગત તા. ૮ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણેક વાગ્યાના સુમારે તેઓ ભુજ-અંજાર ધોરીમાર્ગ પર આવેલા ભુજોડી ક્રાફ્ટ વિલેજ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક મોટરસાઈકલ સ્લીપ થઈ રસ્તા પર પટકાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં છગનભાઈને માથાના ભાગે જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તુરંત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પત્ની મંગુબેને હોસ્પિટલ ચોકી ખાતે વિગતો નોંધાવતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય