પાવાગઢઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના અગાઉના દિવસે એટલે કે શનિવારના રોજ એક લાખ ઉપરાંત માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.આગામી તા. 11 થી 20 દરમિયાન યોજાનાર પવિત્ર આસો નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓની ભારે ભીડ
આ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 1300 થી વધુ પોલીસ જવાનો તેમજ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા SDRFની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 60 જેટલા નાયબ મામલતદારો (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) 4 મુખ્ય સ્થળોએ 24 કલાક શિફ્ટ અનુસાર ફરજ બજાવશે. આ ઉપરાંત, એસટી બસ સ્ટેન્ડ, માચી અને દૂધિયા તળાવ ખાતે 3 કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. વાહનવ્યવહાર અને આરોગ્ય સુવિધાયાત્રાળુઓના વાહનવ્યવહાર માટે તળેટીથી માચી સુધી દૈનિક 60 એસ.ટી. બસો ચલાવવામાં આવશે, જ્યારે આઠમ અને નોમના તહેવારના દિવસોમાં વધારાની 15 બસો મળી કુલ 75 બસો દોડાવાશે.
1 લાખ શ્રદ્ધાળુઓ
જ્યારે આરોગ્ય સુવિધા માટે 60 સભ્યોની વિશેષ મેડિકલ ટીમ રાઉન્ડ-ધ-ક્લોક હાજર રહેશે.દૈનિક આશરે 1 લાખ શ્રદ્ધાળુઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા GWSSB, ગ્રામ પંચાયત અને ટેમ્પલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે. સ્વચ્છતા જાળવવા 150 વધારાના સફાઈ કર્મીઓ (કુલ 230) રોકવામાં આવ્યા છે તેમજ રાત્રિ દરમિયાન પૂરતી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે