Sun Oct 11 2026

Logo

રક્ષતી રણધરા: કચ્છની દેવીઓ ને આસ્થાનાં અમર ધામ

2026-10-11 08:45:00
Author: Giriraj
રક્ષતી રણધરા: કચ્છની દેવીઓ ને આસ્થાનાં અમર ધામ

 

 

 

વલો કચ્છ - ગિરિરાજ

 

સંસ્કૃત ભાષામાં જેનો અર્થ ચારેય તરફ પાણીથી વીંટળાયેલો પ્રદેશ કે કાચબા જેવા આકારવાળી ભૂમિ થાય, તે આપણી પાવન કચ્છ ધરા. કચ્છની ભૂગોળ, અહીંનો ખમીરવંતો સમાજ અને અહીંની લોકસંસ્કૃતિ અનોખી છે. કચ્છની આ વંકડી અને પાવન ભોમકા વિશે કવિતામાં બહુ સુંદર કહેવાયું છે:

 

વંકી ધરણી અને વંકી આ ભોમકા, વંકડા વીરને ધીર બંકા;

વંકી વનરાઈને, વંકડા નેસડા ડુંગરે ડુંગરે દેવવંકા...

 

શ્રીમદ્ ભાગવત અને મત્સ્ય પુરાણમાં કચ્છને ‘પુણ્યધામ’ કહેવામાં આવ્યું છે. આજથી દસ હજાર વર્ષ પૂર્વે પ્રચેતાઓએ નારાયણ સરોવરના કિનારે તપશ્ર્ચર્યા કરી હતી. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર સ્વામીથી માંડીને આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, સહજાનંદ સ્વામી અને વિવેકાનંદજી જેવા સંતો-મહાત્માઓની ચરણરજથી આ ભૂમિ પાવન થઈ છે, પરંતુ કચ્છની સાચી ઓળખ અને રક્ષા તેની ચારેય દિશામાં બિરાજતી દિવ્ય શક્તિપીઠો અને આઈ-દેવીઓ છે.

 

વાગડની આધ્યાત્મિક ધરોહર: આઈ રવેચીજી અને એકલ માતાજી

 

વાગડ પ્રદેશમાં મા રવેચી દિવ્ય તેજ સાથે બિરાજે છે. ઇતિહાસ અને પરંપરા મુજબ રવેચી અને રૂદ્રાણી એક સમયે એક જ જાગીર ગણાતી, જેના મહંત શ્રી ભગવાનગિરિજી બાપુ હતા. તેમણે રવેચી પીઠ શિષ્ય ગણેશગિરિજીને અને રૂદ્રાણી પીઠ ખીમગિરિજીને સોંપી હતી.

 

વંકી વાગડ મધ્યે માતતાં શોભતી, રવતણી મત રવરાઇએત;

શિયાળે-ઉત્તર વાય નહીં વાયરો, લૂ-ન લાગે, ઉનાળા મહીંતો...

 

એ જ વાગડ વિસ્તારમાં ઉત્તરના રણ કિનારે આઈ એકલજીનું સ્થાન આવેલું છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક રૂદ્રદત્તગિરિજીએ સંન્યાસ ધારણ કરીને અહીં સાધના કરી હોવાની લોકવાયકા છે. અહીંની મીઠા પાણીની વીરડી રણના મુસાફરો માટે આશીર્વાદરૂપ છે.

 

‘ઉત્તરે રણ વિષે માત બિરાજતાં, ‘એકલ’ આસરો માત તારે 

રક્ષા અમતણી આપથી ઓપતી, આપજે માત તારે સહારે’

અંજારનું સિદ્ધપીઠ: માં અંબા, અજેપાલ અને તોરલ ધામ

 

અંજારની અજેપાલ જાગીરના મહંતશ્રી સાગરંગિરિજી ભદ્રાવતી નગરીથી મા અંબાને અંજાર લાવ્યા હતા. ભુજમાં જેટલા દર્શનાર્થીઓ મા આશાપુરાના દર્શને જાય છે, એટલી જ શ્રદ્ધાથી સાંજે અંજારમાં મા અંબાના ધામે ઊમટે છે. જ્યાં સતી તોરલ અને અજેપાલજીના બેસણાં છે, તે અંજાર સંત અને શૂરાની ભૂમિ છે.

 

જોગણીનાળ મધ્યે બિરાજો પછી, દેવીતા દિસતાં દિવ્યતેજે; 

ભાદ્રપદમાસના દિન છેલ્લા વિષે, દર્શને માતનાં લોકરીજે

હબાયની વાઘેશ્વરી અને ડોણના આયુમા

 

હબાય ડુંગરમાંથી નીકળતી કાસવતી નદીના કિનારે હબાય માતા વાઘેશ્વરીનું ધામ આવેલું છે. અહીંનો કુંડ પણ ક્યારેય સુકાતો નથી; જેઠ મહિનાની નિર્જળા એકાદશીએ આખું ગામ પાણી ઉલેચે તોપણ રાત્રે કુંડ ફરી ભરાઈ જાય છે. માંડવી તાલુકાના ડોણ ગામમાં આયુ માતાનું મંદિર આવેલું છે, જ્યાં શ્રદ્ધાળુઓના શારીરિક કષ્ટ અને લકવા જેવા રોગો દૂર થાય છે:

 

ધાર હબાય પર રાજની અંબિકા, ડોણ મધ્યે તું દેવી દયાળી;

લંગડાં લુલિયાં આવતા પાસે સૌ, દીનનાં-દુદ્દ કાપો કૃપાળી...

કચ્છની કુળદેવી: મા આશાપુરા (માતાનો મઢ)

કચ્છના ખૂણે-ખૂણામાં અને વિદેશ વસતા કચ્છીઓના હૃદયમાં જેનું સ્થાન છે તે આઈ આશાપુરાજી ‘માતાના મઢ’ ખાતે બિરાજે છે. આસો અને ચૈત્ર નવરાત્રિમાં અહીં દેશભરમાંથી લાખો પદયાત્રીઓ આવે છે. માની અર્ધ-પ્રતિમા દર્શનમાત્રથી મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપરાંત, ભુજના પ્રાગપર રોડ પર, ગઢશીશામાં, ગોધરામાં અંબાજીનાં દિવ્ય સ્થાનકો આવેલ છે. 

 

‘માતનાં મઢ વિષે માત આશાપુરા, કચ્છની ખાસ છો તુંજ દેવી;

અર્ધ પ્રતિમા રૂપે, દિસતાં દેવળે, સિધ્ધજન સંતલોકેજ એવી; 

અશ્વિને માત તારા ગુણો ગાઈને, દર્શને લોક સૌ નિત્ય આવે; 

ચૈતરે - ચાચરે, આવતાં માનવી, છંદ ગરબા વદીને રિજાવે’

ત્રિવેણી સંગમની રૂદ્રમાતા અને ટપકેશ્વરી દેવી

 

ભુજથી થોડે દૂર કાસવતી નદીના કાંઠે રૂદ્રમાતાજીની પીઠ આવેલી છે, જેને મહંત આઈ શ્યામબાઈગિરિજીએ સેવના કરી લોકભોગ્ય બનાવી. અહીં સરકારે બનાવેલો ‘રૂદ્રસાગર’ ડેમ આજે સમગ્ર વિસ્તારની તરસ છિપાવે છે. ભુજની દક્ષિણે લક્કી ડુંગરની ધાર પર આઈ ટપકેશ્વરીજી બિરાજે છે. ડુંગરની ભેખડોમાંથી સતત પાણી ટપકતું હોવાથી માનું નામ ટપકેશ્વરી પડ્યું છે.

 

‘જ્યોતેશ્વર પાસના જંગલે આપતી, ને તરે ડુંગરવાસ તારો; 

લક્કીની ધારપર ટપકે નામથી, સંત ભતિ તણાં કાર્યસારો

વિવિધ ક્ષેત્રોમાં વ્યાપેલી ચોસઠ જોગણીઓ’

 

ભુજપુર: અચલગચ્છ જૈનધામમાં શ્રીજી મોતીસાગરજી દ્વારા મા કાલિકાજીનું સુંદર સ્થાન નિર્માણ કરાયું છે. ભદ્રેશ્વર અને વસઈ: વસઈ ધામમાં પશ્ર્ચિમાભિમુખ આઈ કાલિકાજી અને ભદ્રેશ્વરમાં મા આશાપુરા બિરાજે છે. માંડવી ક્ષેત્ર: માંડવીના જંગલમાં શીતળામાતાજી, શેરડીની ભિટ્ટ પર ચામુંડાજી અને માંડવી શહેરમાં મંછા ભવાની બિરાજે છે. ચકાર: ચકાર ગામની નદી કિનારે રબારી સમાજના કુળદેવી ભેળમાતાજીનું સ્થાનક છે.

 

‘ભદ્રે રાજતી આઈ આશાપુરા, દેવીતો દિવ્ય તેજે દયાળી; 

ગઢમધ્યે અંબિકા આસરો આપનો, ભાવિકોના ઉપર છો કૃપાળી.

માંડવી પાસ માતા બિરાજોખરે. શીતળા શાંતિરૂપે ભવાની; 

બેડલી તારતી બાળ નાના તણી, સહાય કરવા વિના ક્યાં જવાની.’

 

કચ્છનો એવો કોઈ નેસડો, ગામ કે ડુંગર નથી જ્યાં શાસ્ત્રોક્ત ચોસઠ જોગણીઓ કે શક્તિસ્વરૂપા દેવીઓનો વાસ ન હોય. વિષમ આબોહવા, દુષ્કાળ અને રણની વિષમતા વચ્ચે પણ કચ્છી પ્રજા જે ખુમારીથી જીવે છે, તેની પાછળ આ દેવીઓ અને શક્તિપીઠોની અખંડ કૃપા જ કાર્યરત છે.