Sun Oct 11 2026

Logo

'ભૂલ મારી હતી', 1993 બ્લાસ્ટ દરમિયાન હથિયાર રાખવા પર બોલ્યા સંજય દત્ત, આજે પણ છે પસ્તાવો

2026-10-11 08:56:00
Author: Mumbai Samachar Team
'ભૂલ મારી હતી', 1993 બ્લાસ્ટ દરમિયાન હથિયાર રાખવા પર બોલ્યા સંજય દત્ત, આજે પણ છે પસ્તાવો

સંજય દત્તની જીંદગી વિવાદોથી ઘેરાયેલી રહી છે. બાળપણમાં ડ્રગ્સની લડાઇથી જેલ જવા સુધી, એક્ટરે પોતાના જીવનમાં ન જોવાનું ઘણું જોયું છે. તેમના જીવનનો સૌથી વિવાદિત સમય 1993માં મુંબઇ સીરિયલ બ્લાસ્ટ હતો. તેમના પર ઘરમાં ગેરકાયદે હથિયાર રાખવાનો આરોપ લાગ્યો હતો, જેના ગુનામાં તેમને ઘણાં વર્ષો સુધી  જેલની હવા પણ ખાવી પડી હતી. 

ઘરમાં હથિયાર રાખવા પર થયો પસ્તાવો

સંજય દત્ત અને તેમના પરિવારે આ સમયગાળા દરમિયાન ઘણું બધું સહન કર્યું હતું. હવે ફરી એકવાર અભિનેતાને તે ઘટનાની યાદો તાજી થઇ છે. થોડા સમય પહેલાં જ તેઓ શેખર સુમનના શો 'શેખર ટુનાઇટ'માં આવ્યા હતા, જ્યાં તેમણે સ્વીકાર્યું હતું કે તે સમયે તેમનાથી ભૂલ થઈ ગઈ હતી અને જો તેમણે પોતાના દિલનો અવાજ સાંભળ્યો હોત, તો કદાચ તેમણે આવું પગલું ન ભર્યું હોત.

સંજય દત્તે કહ્યું- "ભૂલ મારી હતી. જો તમારું દિલ તમને કોઈ બાબત માટે ના પાડી રહ્યું હોય, તો તેની વાત સાંભળવી જોઈએ. જ્યારે તે ઘટના બની અને મેં જોયું કે મામલો શું છે, ત્યારે મારું દિલ કહી રહ્યું હતું કે મારે આવું ન કરવું જોઈએ. પરંતુ મારું મન કહી રહ્યું હતું કે એક અઠવાડિયા માટે રાખી લે, એમાં શું નુકસાન છે?"

તેમણે વધુમાં કહ્યું કે તેમને બિલકુલ અંદાજો નહોતો કે તેમના એક નિર્ણયથી આટલા ગંભીર પરિણામો પણ આવી શકે છે. સંજય દત્તે એમ પણ કહ્યું કે જે દેશમાં આપણે રહીએ છીએ ત્યાંના કાયદાની જાણકારી દરેક વ્યક્તિને હોવી જોઇએ.

પિતાને જોઈને ભાંગી પડ્યા હતા સંજય દત્ત

સંજય દત્તે આ જ વાતચીતમાં આગળ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે પોલીસ તેમને હાથકડી પહેરાવી રહી હતી, ત્યારે તેમના પિતા સુનીલ દત્ત રડવા લાગ્યા હતા. તેમને પોતાના પુત્ર સાથે આવો વ્યવહાર થતો જોઇને ખુબ દુઃખ થયું હતું. જોકે સંજય દત્તે તેમને સંભાળ્યા અને ભરોસો અપાવ્યો કે આ માત્ર એક પ્રક્રિયા છે, તેમને પરેશાન થવાની જરૂર નથી.