જૂઈ પાર્થ
વૈભવી એક વ્લૉગર, કૉન્ટેન્ટ ક્રિએટર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. એના એક મિલિયન ફૉલોવર્સ. એ રોજ કોઈ ને કોઈ રીલ બનાવે અને એના ફૉલોવર્સની સાથે શૅર કરે. એના જીવનની વ્યથા, દ્વિધા, આનંદ, એચીવમેન્ટ્સ બધું લોકો સાથે વહેંચે. એટલી હદે કે કોઈવાર અંગત સલાહ પણ માગે અને જરૂર હોય એને મદદ પણ કરે. પ્રત્યક્ષ રીતે ક્યારેય ના મળેલા લોકોનો એનો એક પરિવાર. વૈભવી આ જ રીતે પોતાની દુનિયામાં મસ્ત રહે. ધીમે ધીમે વ્લૉગિંગ એનો શોખ મટીને વ્યવસાય બની ગયો હતો, કારણ કે આ વ્લૉગ્સમાંથી એને સારી એવી રકમ મળતી. બ્રાન્ડ કોલાબરેશન, વીડિયો શૂટિંગ, ફોટોશૂટ વગેરે એના જીવનનો ભાગ બની ગયા. હવે એ ક્યાંક ચાલીને જતી હોય તો પણ એને મન થાય કે ચાલતા વીડિયો લઈને સોશ્યલ મીડિયા પર મૂકી દઉં સમય જતા વ્લૉગિંગ એનાં ઓબ્સેશનમાં ફેરવાઈ રહ્યું હતું.
ખ્યાતિ, નામના, ચાર માણસમાં ઓળખાવું કોને ના ગમે?! સોશ્યલ મીડિયાના માધ્યમથી પૉપ્યુલર થવું ઘણું સરળ બની ગયું છે, તમારી લાયકાત હોય કે ના હોય એ ગૌણ છે. સોશ્યલ મીડિયાના શરૂઆતના દિવસો અને ધ્યેય અલગ હતાં જે અત્યારે પૈસા અને પૉપ્યુલારિટી સાથે કમાવાનું સાધન બની ગયાં છે. અગાઉ આપણે રીલ જોનારની વાત કરી કે આપણે વિચાર્યા વિના કેવી સ્ક્રોલ કરીને રીલો જોયા કરીએ છીએ. જોકે વાત એમ પણ છે કે એ રીલ બને છે માટે લોકો જુએ છે. જો રીલ બનતી જ ના હોત તો?
અશના જમાનામાં જ્યારે આખી દુનિયા ડિજિટલ વર્લ્ડ તરફ જઈ રહી છે ત્યારે સોશ્યલ મીડિયા દ્વારા ‘કોન્ટેન્ટ ક્રિએટર’ અને ‘ડિજિટલ ક્રિએટર’ જેવા શબ્દ લોકોના મોઢે ચડ્યા છે. માત્ર મોઢે જ નથી ચડ્યા, પરંતુ હવે આવકના મુખ્ય સ્ત્રોત તરીકે પણ લોકો ડિજિટલ ક્રિએટર તરીકે પોતાની ઓળખ આપે છે. બાયોડેટામાં પણ વ્યવસાય તરીકે આ જ શબ્દોનો પ્રયોગ સ્વીકૃત છે.
-તો આ ડિજિટલ ક્રિએટર એટલે શું?
ડિજિટલ ક્રિએટર એટલે એવી વ્યક્તિ જે ઇન્ટરનેટના માધ્યમથી મનોરંજન, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે જેવા ક્ષેત્રમાં સોશ્યલ મીડિયા થકી ફોટો વીડિયો વગેરેનો ઉપયોગ કરી ઑડિયન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. ડિજિટલ ક્રિએટરને ઇન્ફ્લુઅન્સર પણ કહે છે. આ માર્કેટિંગની સફળ નીવડેલી એક રીત પણ છે.
ડિજિટલ ક્રિએટર બનવા માટે ડિગ્રી નહીં પણ આવડત જોઈએ. ડિજિટલ ક્રિએટરનું મુખ્ય કાર્ય ફોટા પડાવવા, રીલ માટેના વીડિયો બનાવવા જેવા હોય છે. કોવિડ સમયે જ્યારે સમગ્ર વિશ્ર્વ સ્થગિત થઈ ગયું હતું ત્યારે લૉકડાઉનમાં ઘેર બેસી લોકો સમય પસાર કરવા બે જ કામ કરતા, રસોઈ અને રીલ બનાવવાનું અને કેટલીક વાર તો રસોઈની જ રીલ બનતી. રીલ બનાવવી ધારીએ એટલી સરળ નહોતી, પણ હવે પળભરમાં કોઈ પણ વ્યક્તિ ખૂબ સહેલાઈથી રીલ બનાવી દે છે. રીલ બનાવવા માટે ખાસ મોબાઈલ ઍપમાં તમે સરળતાથી થોડીક જ મિનિટોમાં સુંદર રીલ બનાવી શકો છો.
રીલ બનાવવાનો હેતુ કમાણીનો તો ખરો જ, પણ તેને સફળતા અને પૉપ્યુલારિટીનો શૉર્ટ કટ પણ માનવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર જો તમારી 2-4 રીલ પણ સારી ચાલી જાય તો તમારી ઇન્ફ્લુઅન્સર તરીકેની કૅટેગરી બદલાઈ જાય છે. હવે પ્રશ્ર્ન એ થાય છે કે ચાલો, કોન્ટન્ટ બની ગયું એટલે કે રીલ તૈયાર છે અને તેને સોશ્યલ મીડિયા પર મૂક્યા પછી તે વધુ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો કરવામાં આવે છે. અત્યારના પ્રવાહ મુજબ જો સારું ‘કોન્ટેન્ટ’ બનાવવાની આવડત ના હોય કે બનાવેલું કોન્ટન્ટ ના ચાલતું હોય તો તેના બે રસ્તા છે. વ્યૂઝ-લાઇક્સ અને ફૉલોઅર્સ ખરીદી લેવાના અથવા લોકોનું ધ્યાન આકર્ષિત કરવા વિચિત્ર ડ્રેસ પહેરવા, બોલ્ડ સ્ટેટમેન્ટ આપવા, કૉન્ટ્રોવર્સી ઊભી કરવા જેવા સસ્તા રસ્તા પણ છે.
અમુક રીલ્સ ખરેખર ખૂબ સુંદર હોય છે. એ બનાવવા પાછળની મહેનત પણ દેખાય છે. તેનો વિષય, સંવાદ, બનાવવાની પદ્ધતિ, શૂટિંગનું સ્થળ વગેરે ઉત્તમ પ્રકારનાં હોય છે. જ્યારે બીજી બાજુ બિલકુલ નિમ્ન કક્ષાની ધડમાથા વિનાની રીલ હોય છે જેમાં બનાવનારને પોતે ઉત્સાહમાં આવી શું કરે છે તેનું ભાન નથી રહેતું. વળી કોઈ તો પોતે આત્મ સન્માનના ભોગે ફક્ત પૉપ્યુલારિટીના ચક્કરમાં તે કંઈ પણ બનાવીને સોશ્યલ મીડિયા પર વહેતું મૂકે છે. કોઈ પોતાના મૌલિક વિચારો રજૂ કરે છે તો કોઈ બીજાની નકલ કરી વાહવાહી મેળવે છે.
સતત સોશ્યલ મીડિયા, લાઇક-કૉમેન્ટ, સમયસર રીલ બનાવવાના દબાણમાં રીલ બનાવનાર માટે પોતાનું શારીરિક અને માનસિક સંતુલન રાખવું અઘરું થઈ જાય છે. બીજા કરતાં સારા અને અલગ થવાની દોડમાં તે પોતાની જાતને પાછળ મૂકી દે એવું પણ થાય. ટ્રેન્ડ્રિંગ રીલ, ટ્રેન્ડ્રિંગ ગીતો મુજબ પોતે બીજા ઇન્ફ્લુઅન્સરથી પાછળ ના રહી જાય તેના પ્રયત્નો પાછળ મનની શાંતિ હણાઈ જાય છે. જે લોકો નિજાનંદ માટે સોશ્યલ મીડિયા કે રીલ વાપરે છે તેમને કોઈ ચિંતા નથી, પરંતુ જે લોકો રેસમાં ઊતરે છે તેમના માટે ટકી રહેવું ખૂબ અઘરું છે. આમ, રીલ જોનારનો વર્ગ બહોળો છે તેમ બનાવનારનો વર્ગ પણ એટલો જ મોટો છે. આજેે દર ત્રીજો માણસ રીલ બનાવે છે. આપણે જોવાનું ફક્ત એટલું છે કે આપણે કૉન્ટેન્ટ ક્ધઝ્યુમ કરીએ છીએ કે કૉન્ટેન્ટ આપણને!
તો ચાલો કરો ત્યારે, રીલા રીલ
આ વિશે બોલો, તમે શું કહો છો?