ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
ભારતીય તહેવારોમાં સર્વોત્તમ તહેવાર એટલે આજથી શરૂ થતો નવરાત્રિ - નવલા નોરતા એ અંગત અભિપ્રાય છે. ભક્તિ - શક્તિના તહેવારમાં મસ્તી પણ જોડાઈ છે. અંબા માતામાં શ્રદ્ધા - વિશ્ર્વાાસ રાખવા એ અંગત મુનસફીનો સવાલ છે અને એ વિશે મતમતાંતર હોઈ શકે છે, પણ આ તહેવાર પરાકાષ્ઠાનો આનંદ આપે છે, ઘણું શીખવે છે એ સર્વાનુમત હોવાનો એમ નિશ્ર્ચિતપણે કહી શકાય. ઝવેરચંદ મેઘાણી રચિત રઢિયાળી રાત - ભાગ 2માં ગીત - જોડકણાંના વિવિધ વિભાગ પાડવામાં આવ્યા છે. એમાં રમત-રાસડાનો એક મજેદાર હિસ્સો પણ છે. મર્માળુ પદ્ય સાથે મીઠી મશ્કરી અને ઠેકડી પણ જોવા મળે છે. એક ઉદાહરણ જોઈએ: ભામણને વાલા લાડવા રે, લાડવાને વાલી દાળ, માછલીને જળ વાલા રે, વણઝારાને પોઠ વહાલી રે.
ભામણને વાલા લાડવા રે, લાડવાને વાલી દાળ. બ્રાહ્મણોને ભોજનમાં લાડુ ખૂબ પ્રિય હોય છે અને લાડુની સાથે દાળનું સંયોજન ઉત્તમ ગણાય છે. માછલીને જળ વાલા રે. માછલીનું જીવન જ પાણી છે. એના વિના જીવી શકતી નથી, એટલે તેને પાણી સૌથી વહાલું છે. વણઝારાને પોઠ વહાલી રે. જૂના જમાનામાં વણઝારાઓ બળદ કે ઊંટ પર માલસામાન મૂકી વેપાર કરવા એક ગામથી બીજે ગામ જતા. આ સામાન ભરેલાં પશુઓના સમૂહને ‘પોઠ’ કહેવાતી. વણઝારાની રોજીરોટી અને જીવન આ પોઠ પર નિર્ભર હોવાથી તેને પોતાની પોઠ સૌથી વહાલી હોય છે. સૃષ્ટિમાં દરેક જીવને પોતાની પ્રકૃતિ અને વ્યવસાય પ્રમાણે કોઈને કોઈ વસ્તુ અતિશય વહાલી હોય છે એ વાત આ પંક્તિઓ સમજાવે છે. માતાજીની ભક્તિમાં રહેલું જીવન દર્શન સમજવાની કોશિશ કરવાથી ઘણી વાત નવેસરથી સમજાય છે.
નવટાંક તેલ લાવી રે નવટાંકી રે, તેલ લાવી પેઢલિયે મેલ્યું, શાક સુધારવા બેઠી રે. આવી પાડોશણ દેવતા લેવા, આવી તેલ ઢોળ્યું રે, નવટાંકી રે... આ ગીતમાં સ્ત્રી બજારમાંથી નવટાંક (એક જૂનું માપ, આશરે 125 ગ્રામ જેટલું) તેલ ખરીદી તેલની વાટકીને ઘરના ઉંબરા કે પેઢલા પર મૂકીને શાક સમારવા બેસે છે. એટલામાં પાડોશણ ચૂલો સળગાવવા માટે ‘દેવતા’ (અંગારો) લેવા આવે છે અને ભૂલથી તેનાથી તેલ ઢોળાઈ જાય છે. ગૃહિણીને તેલ ઢોળાયાનું એટલું દુ:ખ નથી, પણ ઘરમાં સાસુ, સસરો, જેઠાણી અને ખાસ કરીને નણંદ હવે કેવા મેણાં-ટોણાં મારશે અને પતિનો જીવ કેવો કચવાશે, તેનું રમૂજી વર્ણન આ ગીતમાં છે. આ ગીત આજે પણ ગુજરાતમાં લગ્નપ્રસંગોએ કે કીર્તનોમાં બહેનો દ્વારા ખૂબ હોંશે-હોંશે ગવાય છે.
ભાષા વૈભવ
નવરાત્રિમાં ભાષા સમૃદ્ધિ
નવરાત્રિ દરમિયાન જન સમુદાય માતાજીની ભક્તિ કરે અને રાસ ગરબાનો આનંદ પણ લે. આ રચનાઓમાં અનેક મીઠી સુગંધ ધરાવતા શબ્દો છે જે આજે લગભગ વિસરાઈ ગયા છે. આજે કેટલાક શબ્દો જાણી ભાષા વૈભવનો ગર્વ લઈએ. ગરબાની પંક્તિ ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો... ચપટી એટલે હાથનો અંગૂઠો અને આંગળીના વચમાં રહે એટલું માપ, થોડું, જરાક એવો અર્થ છે. ગુજરાતી ગૃહિણીના રસોડામાં દાળમાં ચપટી મીઠું ઉમેરવાની જરૂર છે કે મીઠાઈ બનાવતી વખતે ચપટી ખાંડ ઉમેરી દ્યો એમ કહેવામાં આવતું હોય છે. કોઈ માણસ તોરમાં કે અભિમાનથી છલકાતો હોવાથી ક્યારેક ‘મને કોઈની જરૂર નથી’ એ કહી બેસે ત્યારે સમજુ વડીલ શિખામણ આપે છે કે ક્યારેક ચપટી ધૂળની પણ જરૂર પડી શકે છે. મતલબ કે સમયનું ચક્ર ફરે ત્યારે સાવ તુચ્છ કે નકામી કે નજીવી લાગે એવી વસ્તુ કે નાની વ્યક્તિ (જેમ કે એક ચપટી ધૂળ)ની પણ જીવનમાં મોટી જરૂર પડી શકે છે.
તમને જૂનાં ગીત - ગરબાનો શોખ હશે તો ‘વા વાયા ને વાદળ ઉમટ્યા’ ચોક્કસ સાંભળ્યું અને માણ્યું હશે. એમાં એક પંક્તિ આવે છે ‘તમે મળવા તે ના આવો તો શા માટે? નહીં આવો તો નંદજીની આણ, મળવા આવો સુંદીરવર શામળિયા. અહીં આણ શબ્દનો અર્થ છે શપથ, સમ, સોગન, કસમ. આણને લગતી પ્રતિજ્ઞામાં ઈશ્વર, દેવ કે રાજાને વચમાં આણવામાં આવે છે માટે આણ કહેવાય છે.
મજેદાર ગરબો પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી, પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે તમે જાણતા જ હશો. પાવલી એટલે રૂપિયાનો ચોથો ભાગ, પચીસ પૈસા. આ ગરબો શીખવે છે કે પ્રભુ સમક્ષ અહંકાર કે સંપત્તિ બતાવવાની જરૂર નથી, બસ એક બાળકની જેમ શ્રદ્ધા અને પ્રેમ સાથે જાવ તો મા અંબે કે મહાકાળી પાવલીથી પણ પ્રસન્ન થાય છે. પૂનમ કેરી રે રઢિયાળી રાતે રે રમવા આવો ને પંક્તિમાં રઢિયાળી શબ્દ રઢ પરથી બન્યો છે. રઢ એટલે લગની, મોહિની, પ્રેમ. રઢિયાળી એટલે રૂપાળું, સુંદર, મોહક - પ્રેમનો ઉમળકો આવે એવું.
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ગરબામાં આવતી પંક્તિ સવા મણનું સુખલડું મા, અધમણની કુલેર, રમજો રમજો રે, ગોરણીયું તમે રમજો માઝમ રાત ભાષાની દૃષ્ટિએ સમજવા જેવી છે. સુખલડું એટલે ઘઉંનો લોટ અને ઘી - ગોળથી બનતી પ્રસાદ માટેની મીઠાઈ જે સુખડી અથવા ગોળપાપડી તરીકે પણ ઓળખાય છે. કુલેર એટલે ગોળ, ખાંડ, મધ અને તેલ કે ઘીમાં ચોળેલો ઘઉં, બાજરી અથવા ચોખાનો કાચો લોટ. માઝમ રાત એટલે ચારેકોર ગાઢ શાંતિ હોય એવો મધરાતનો સમય. પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવમાંં રે, પાળેથી લપસ્યો પગ બેડાં મારાં નંદવાણાં રે. આ ગરબામાં વહુરાણી પાણી ભરવા ગઈ હોય છે ત્યારે અચાનક પગ લપસી જતા બેડાં પડી જવાથી તૂટી જાય છે. નંદવાણાં એટલે ખંડિત થવું, ભાંગવું કે ફૂટી જવું. માતાજીના થાળમાં માડીને નોતરું દીધું રે, હું તો ગાંડીઘેલી થઈ પંક્તિમાં નોતરું એટલે તેડું, નિમંત્રણ કે આમંત્રણ. નવરાત્રિ વખતે ગવાતી આરતી ‘જય આદ્યાશક્તિ’માં એક પંક્તિ આવે છે રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા. અહીં રામ રમાડવા એટલે સંહાર કરવો અને રોળ્યો એટલે કચડી નાખવું, ખતમ કરવું.
નવરાત્રિ દરમિયાન રાસ - ગરબાનો આનંદ લેતી વખતે એમાં રહેલા ભાષા વૈભવને માણજો અને અન્યોને પણ એની જાણકારી આપજો.