Sun Oct 11 2026

Logo

નામમાં શું છે? બધું નામમાં જ છે..!

2026-10-11 09:38:00
Author: Sameer Joshi
નામમાં શું છે? બધું નામમાં જ છે..!

 

 

 

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી



 

કોઈ પણ વેપાર શરૂ થાય ત્યારે સૌપ્રથમ નામ શું રાખીશું તે વિચારવામાં આવે છે. પહેલાંના વેપારો જોઈશું તો મોટેભાગે પરિવારના નામે શરૂ થતાં ઉદાહરણ તરીકે, ટાટા, બિરલા અથવા આપણા લોકલ વેપારીઓમાં પણ પોતાની અટક અથવા નામ સાથે શરૂ કરતા. આમ કરવાનું કારણ લોકોને વિશ્ર્વાસ બેસે કે આ લોકો આ વેપાર પાછળ છે તો બધું બરોબર હશે. ત્યારબાદ સમય આવ્યો કે વેપારો વધવા લાગ્યા અને જેના નામ જાણીતા નહોતા તેવા લોકો પણ વેપાર કરવા લાગ્યા અને સારી રીતે તે લોકોએ વેપાર કર્યો. લોકોનો વિશ્વાસ પણ જીત્યો અને નામના મેળવી. આ બધામાં સૌથી મોટું નામ એટલે રિલાયન્સ. નામમાં મોટો અર્થ સમાયેલો હતો અને તે એટલે વિશ્ર્વાસ. આની સાથે સાથે બ્રાન્ડનો જમાનો આવ્યો અને તેમાં નામની મહત્તા વધી. આજે લોકો બ્રાન્ડને યાદ રાખે છે. નામનું મહત્ત્વ વધ્યું અને તેના માટે લોકો એક્સપર્ટ ક્ધસલ્ટન્ટની સહાય પણ લેવા લાગ્યા.

 

આજે નવા વ્યવસાય, નવી કૅટેગરી, નવા વિચાર સાથે કૉન્સેપ્ટના આધારે વેપારો શરૂ થઈ રહ્યા છે. આ ઉપરાંત બધાને બ્રાન્ડ બનાવવી છે તેથી આવા સમયે બ્રાન્ડના નામનું મહત્ત્વ વધી જાય છે. વ્યવસાયની દુનિયામાં, નામ ફક્ત વેપારની ઓળખ નથી તેના કરતાં ઘણું વધારે છે. તે તમારી બ્રાન્ડનું પરસેપ્શન ધારણા બનાવી લોકોને પ્રભાવિત કરી શકે છે, ગ્રાહકની અપેક્ષાઓને આકાર આપી શકે છે અને તમારા વેપારની સફળતા પણ નક્કી કરી શકે છે. વ્યવસાયનું નામ તેના સંભવિત ગ્રાહકો સાથે સંલગ્ન થાય તેવું હોવું જોઈએ અને જે પ્રોડક્ટ કે સર્વિસ આપવાની હોય તે સાથે સુસંગત રહેવું જોઈએ.

વ્યવસાયનું નામ પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાનાં મુખ્ય પરિબળોમાંનું એક તો તે સરળ હોવું જોઈએ જેથી તેને યાદ કરવામાં આસાની થાય. રોજિંદા જીવનનાં તત્ત્વોને પ્રતિબિંબિત કરતું નામ ઝડપથી ઓળખ અને વિશ્ર્વાાસ જગાડી શકે છે. ઉદાહરણ તરીકે જીઓ, ઍપલ અને એમેઝોન જેવી ઘરગથ્થુ બ્રાન્ડ્સ લો. આ બધાં નામ સરળ, સંબંધિત અને આપણા રોજિંદા શબ્દભંડોળમાં સમાવિષ્ટ છે. સફરજન એક ફળ જે દરેક જાણે છે, તે ટેક્નૉલૉજીના વ્યવસાયમાં હતું પણ ક્ધઝ્યુમર માટે તેનાં ઉત્પાદનો બનાવવાનાં હતાં તેથી તેને માનવીય બનાવ્યું. એમેઝોન, વિશાળ વરસાદી જંગલનો સંદર્ભ, કંપનીની વ્યાપક ઉત્પાદન શ્રેણીને દર્શાવે છે. જીઓે, જે તમને ખૂલીને જીવવા માટે પ્રેરિત કરે છે. આજે ઇન્ટરનેટ લોકોના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેના સહારે ખૂલીને જીવવાની વાત છે. રિસર્ચ દર્શાવે છે કે ગ્રાહકો પરિચિત અને સરળ નામ ધરાવતી બ્રાન્ડ પર વધુ વિશ્ર્વાાસ કરે છે. એક અભ્યાસ મુજબ, જે કંપનીઓના નામ ઉચ્ચારવામાં સરળ હોય અથવા સામાન્ય વ્યક્તિ માટે પરિચિત હોય તે વધુ ગ્રાહકનો વિશ્વાસ મેળવે છે, જે આખરે વધુ ખરીદી અને ગ્રાહકોને જકડી રાખવામાં મદદ કરે છે.

 

સરળતા એક પરિબળ છે, બીજું વ્યવસાયનું નામ તમે જે વેચી રહ્યા છો તેની સાથે સુસંગત હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નામ ફક્ત આકર્ષક લાગવું જોઈએ નહીં, પરંતુ તમે જે ઉત્પાદન અથવા સેવા ઑફર કરી રહ્યા છો તેના સંદર્ભમાં પણ અર્થપૂર્ણ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, ‘ફ્લિપકાર્ટ’, આજે કાર્ટ શબ્દ લોકો માટે નવો નથી તેથી નામમાં જણાવી દીધું કે વેપાર શું છે. તેવી જ રીતે ‘જીપે’ અને ‘રૂપે’ તરત જ જણાવે છે કે તે એક સુરક્ષિત ચુકવણી સેવા છે. જ્યારે તમારી બ્રાન્ડનું નામ સીધું ઉત્પાદન સાથે સંબંધિત છે ત્યારે તે માર્કેટિંગ પ્રયાસોને સરળ બનાવે છે. ગ્રાહકો વધુ પડતા સમજૂતીની જરૂર વગર તમે જે ઑફર કરો છો તે ઝડપથી સમજી જાય છે.

 

 જો તમે એકથી વધુ વેપારમાં જવાનું વિચારતા હોવ ત્યારે તમારે એવું નામ વિચારવું જોઈએ જે કદાચ તમે જે ઑફર કરો છો તેની સાથે જોડાયેલું ના પણ હોય. આવા સમયે નામ લાંબા ગાળાના વિકાસ અને અનુકૂલનક્ષમતાને ટેકો આપતું હોવું જોઈએ. તાત્કાલિક ઉત્પાદન અથવા સેવાથી આગળ વિચારવું અને તમે જે ઓળખ બનાવવા માગો છો તેનો વિચાર કરવો મહત્ત્વપૂર્ણ છે. રિલાયન્સ (વિવિધ વેપારો અને કૅટેગરી), ગૂગલ (સર્ચ એન્જિન ઉપરાંત ટેક્નૉલૉજીના વિવિધ વેપારો) જેવાં નામો તેમનાં ઉત્પાદનો સાથે સીધા સંબંધિત નથી, પરંતુ તેઓ વિવિધ વેપારોમાં, નવીનતા અને અદ્યતન ટેક્નૉલૉજીના વેપારોમાં વિકસિત થયા છે. આ નામો શક્તિશાળી બ્રાન્ડ્સમાં વિકસ્યાં છે જે ભવિષ્યને ધ્યાનમાં રાખી વિચારવામાં આવ્યાં છે.

 

પહેલાં આ મથામણ નહોતી અને લોકો નામને રજિસ્ટર પણ નહોતા કરતા, પણ આજે જયારે વ્યવસાયો વધી રહ્યા છે ત્યારે વ્યવસાયનું નામ પસંદ કરતી વખતે ખાતરી કરવી જરૂરી છે કે તે કાયદેસર રીતે ઉપલબ્ધ છે અને અન્ય  દ્વારા પહેલાંથી જ ટ્રેડમાર્ક થયેલ નથી. આજના ડિજિટલ યુગમાં બીજી મહત્ત્વની વાત એટલે તમને વેબસાઇટનું ડોમેન અને સોશ્યલ મીડિયાના હૅન્ડલ પર નામ સહેલાઈથી મળી શકે અને ગ્રાહકો માટે તમને ઑનલાઇન શોધવાનું સરળ બને.

 

નામથી તમારી ઓળખ છે અને નામનું મહત્ત્વ અંગત જીવનમાં અને વ્યવસાયમાં ઘણું છે. નામ ફક્ત તમારા ઉત્પાદનનું પ્રતિબિંબ નથી; તે બ્રાન્ડની ઓળખ, વિશ્ર્વાસ અને ગ્રાહકો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવા માટેનું એક સાધન છે. તમારું નામ વ્યવસાયને લાંબા ગાળાની સફળતાનો પાયો નાખવામાં મદદ કરે છે.

 

 ‘નામમાં શું છે?’ આ વાક્ય પણ આજે શેક્સપિયરભાઈના નામ સાથે વર્ષોથી જોડાયેલું છે!