Sun Oct 11 2026

Logo

આદિત્ય-L1: સૂર્ય સુધી ભારતીય ઉપગ્રહની વૈજ્ઞાનિક સફર

2026-10-11 08:23:00
Author: Bharat Mehta
આદિત્ય-L1: સૂર્ય સુધી ભારતીય ઉપગ્રહની વૈજ્ઞાનિક સફર

 

 

 

ભરત મહેતા



 

ભારતીય સંસ્કૃતિમાં સૂર્ય માત્ર આકાશમાં ચમકતો તારો નથી, પરંતુ જીવનદાતા ‘પ્રત્યક્ષ દેવ’ છે. વેદકાળથી ઋષિઓએ ‘સૂર્ય આત્મા જગતસ્તસ્થુષશ્ર્ચ’ કહીને જે સૂર્યના તેજની વંદના કરી હતી, એ જ ભારતીય પ્રજ્ઞાએ 21મી સદીમાં અદ્યતન વિજ્ઞાનની આંખે એ સૂર્યના અંતરંગ રહસ્યો ખોળવા અંતરિક્ષમાં ડગ માંડ્યા છે.

 

શ્રીહરિકોટાના સમુદ્રતટ પરથી જ્યારે દેશના વિશ્વાસુ PSLV રોકેટે ગર્જના સાથે સૂર્ય તરફ પ્રયાણ કર્યું, ત્યારે તે માત્ર એક વૈજ્ઞાનિક ઉપગ્રહનું પ્રક્ષેપણ નહોતું -એ ભારતીય પ્રતિભા અને આત્મનિર્ભરતાનું વૈશ્વિક ક્ષિતિજ પર ઊગેલું નવું તેજ હતું.

 

અત્યાર સુધીમાં મુખ્યત્વે અમેરિકા (NASA), યુરોપિયન યુનિયન (ESA), જાપાન (JAXA), ચીન (CNSA) અને હવે ભારત (ISRO) આ પાંચ અગ્રણી સ્પેસ પાવર્સ છે, જેમણે સૂર્યનાં રહસ્યો ઉકેલવા માટે પોતાના સમર્પિત ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલ્યા છે.

 

શું પ્રયોજન ને શાના માટે આ લોન્ચિંગ? 

 

કોઈપણ રાષ્ટ્ર જ્યારે અબજો રૂપિયા ખર્ચીને સૂર્ય મિશન ઘડે છે, ત્યારે પ્રશ્ન થાય કે તેનું મૂળ પ્રયોજન શું? આદિત્ય-L1નું મુખ્ય ધ્યેય સૂર્યના રહસ્યમય વાતાવરણ ખાસ કરીને ફોટોસ્ફીયર, ક્રોમોસ્ફીયર અને સૌથી બહારના સ્તર ‘કોરોના’ (Corona) નું ગહન વૈજ્ઞાનિક અધ્યયન કરવાનું છે.

 

આ મિશન પાછળનું સૌથી મોટું વ્યવહારુ કારણ છે આધુનિક માનવ સભ્યતાનું રક્ષણ. આજે આપણી દુનિયા સંપૂર્ણપણે ઇન્ટરનેટ, જીપીએસ નેવિગેશન, હવામાન ઉપગ્રહો અને સંચાર પ્રણાલી પર નિર્ભર છે. સૂર્યમાંથી જ્યારે અતિશક્તિશાળી સૌર વાવાઝોડાં (Solar Flares) અને અબજો ટન ચુંબકીય પ્લાઝ્મા (Coronal Mass Ejections - CME) છૂટે છે ત્યારે તે પૃથ્વીના વાતાવરણ સાથે અથડાઈને સેટેલાઇટ્સને નષ્ટ કરી શકે છે અને વીજળીની વિશાળ પાવર ગ્રીડને ક્ષણવારમાં ઠપ કરી શકે છે. આદિત્ય-L1 આ જોખમી સૌર ગતિવિધિઓ પર ચોવીસે કલાક બાજ નજર રાખીને પૃથ્વીને સમયસર ચેતવણી આપવા માટે મોકલવામાં આવ્યું છે.

 

એ ઐતિહાસિક સફર

 

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ આ ઐતિહાસિક મિશનનું પ્રક્ષેપણ 2 સપ્ટેમ્બર 2023ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતેથી  PSLV-C57 રોકેટ દ્વારા કર્યું હતું.

 

પૃથ્વીથી સૂર્યનું અંતર આશરે 15 કરોડ કિલોમીટર છે. આટલી અગનઝાળ નજીક જવું માનવ નિર્મિત યંત્ર માટે અશક્ય છે. તેથી ઇસરોના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલા ‘લેગ્રેન્જ પોઇન્ટ-1’ (L1) ને પસંદ કર્યું. આ બિંદુ પર સૂર્ય અને પૃથ્વી બંનેનું ગુરુત્વાકર્ષણ બળ પરસ્પર સંતુલિત થાય છે. પરિણામે, યાન નહિવત્ બળતણ વાપરીને સૂર્ય અને પૃથ્વીની સાપેક્ષે સ્થિર રહી શકે છે. આ સ્થાનની સૌથી અદ્ભુત વિશેષતા એ છે કે અહીં ક્યારેય સૂર્યગ્રહણ થતું નથી કે રાત્રિ પડતી નથી આથી અહીંથી અવિરતપણે સૂર્યનું પ્રત્યક્ષ દર્શન શક્ય બને છે.

 

હાંસલ કરેલાં કેટલાંક સીમાચિહ્ન 

 

આદિત્ય-L1 મિશને તેની યાત્રા દરમિયાન અનેક જટિલ વૈજ્ઞાનિક માઇલસ્ટોન્સ પાર કર્યા છે.

 

લગભગ 126 દિવસની રોમાંચક અને અતિસૂક્ષ્મ સફર બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ આદિત્ય-L1ને લેગ્રેન્જ પોઇન્ટ-1 ની આસપાસ આવેલી ‘હેલો ઓર્બિટ’ (Halo Orbit)ં માં ચોક્કસાઈપૂર્વક સ્થાપિત કર્યું. આ સાથે જ ભારત સૂર્યની કક્ષામાં યાન સ્થાપિત કરનારો વિશ્વનો ચોથો દેશ બન્યો.

 

સૌર ડેટા અને દૃશ્યોનું સંપાદન 

 

યાન પર રહેલાં સાધનોએ સૂર્યના પ્રથમ પૂર્ણ-ડિસ્ક (Full-Disk) અલ્ટ્રાવાયોલેટ ચિત્રો મોકલીને વૈજ્ઞાનિક જગતને સ્તબ્ધ કરી દીધું.

 

મે 2024ના સૌર તોફાનનું સફળ નિરીક્ષણ

 

છેલ્લા બે દાયકાના સૌથી ભીષણ સૌર તોફાન Geomagnetic Storm) વખતે આદિત્ય-ક1ના પેલોડ્સે સૌર કણો અને ચુંબકીય ફેરફારોનું અભૂતપૂર્વ ડેટા રેકોર્ડિંગ કરીને પોતાની વૈજ્ઞાનિક ઉપયોગિતા સાબિત કરી.

 

વર્તમાનમાં આદિત્ય-L1 તેની નિર્ધારિત હેલો ભ્રમણકક્ષામાં સંપૂર્ણ સ્વસ્થ અને સક્રિય છે. તેનાં તમામ સાધન  નિયમિતપણે સૂર્યની પળેપળની હિલચાલ, સોલાર વિન્ડ અને એક્સ-રે ઉત્સર્જનનો ડેટા પૃથ્વી પર ઇસરોના કંટ્રોલ સેન્ટરને મોકલી રહ્યા છે.

 

આદિત્ય-L1 સાથે મોકલવામાં આવેલા સાત પેલોડ્સ ભારતીય ઇજનેરી કૌશલ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમાંથી ચાર સાધન સીધા સૂર્યનું નિરીક્ષણ કરે છે અને ત્રણ સાધનો સ્થળ પરના n-situ) કણો તથા ચુંબકીય ક્ષેત્રનું વિશ્ર્લેષણ કરે છે:

 

VELC (વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ) 

 

સૂર્યના બાહ્ય કોરોના સ્તરની હાઇ-રિઝોલ્યુશન તસવીરો લેવા માટેનું મુખ્ય સાધન  SUIT  (સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ): સૂર્યના વાતાવરણના વિવિધ સ્તરોનું 200 થી 400 નેનોમીટરની તરંગલંબાઈમાં નિરીક્ષણ.

 

ASPEX અને PAPA: સૌર પવન (Solar Wind), પ્રોટોન અને ભારે આયનોની ઊર્જાનું પ્રત્યક્ષ માપન કરનારાં અદ્યતન ઉપકરણો.

 

SoLEXS  અનેHEL1OS: સૌર જ્વાળાઓમાંથી નીકળતા સોફ્ટ અને હાર્ડ એક્સ-રે કિરણોત્સર્ગનું વિશ્ર્લેષણ.

 

મેગ્નેટોમીટર: આંતરગ્રહીય અવકાશમાં ચુંબકીય ક્ષેત્રના ફેરફારોની તીવ્રતા માપતું સાધન.

 

કોરોનલ હીટિંગનું રહસ્ય અને વૈશ્વિક યોગદાન

 

ખગોળશાસ્ત્રનો સૌથી મોટો ન ઉકેલાયેલો કોયડો એ રહ્યો છે કે સૂર્યની સપાટી (ફોટોસ્ફીયર)નું તાપમાન આશરે 6,000 ડિગ્રી સેલ્સિયસ હોવા છતાં, તેનાથી હજારો કિલોમીટર દૂર આવેલા બાહ્ય વાતાવરણ (કોરોના) નું તાપમાન 10 થી 20 લાખ ડિગ્રી સેલ્સિયસ સુધી કેમ પહોંચી જાય છે? અગ્નિના કેન્દ્રથી દૂર જઈએ તેમ ઠંડક થવી જોઈએ, પરંતુ સૂર્યમાં ઊલટું બને છે. આદિત્ય-L1 આ ‘કોરોનલ હીટિંગ પ્રોબ્લેમ’નો તાગ મેળવવા માટે વૈશ્વિક વિજ્ઞાનને અનમોલ તારણો પૂરાં પાડી રહ્યું છે.

 

આત્મનિર્ભર ભારતનું તેજોમય સીમાચિહ્ન

 

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના ત્રિરંગા લહેરાયાના ગણતરીના દિવસોમાં જ આદિત્ય-L1 નું સફળ પ્રયાણ એ સંકેત છે કે ભારત હવે માત્ર અવકાશ સંશોધક નથી, પરંતુ ગ્લોબલ સ્પેસ પાવર છે. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના કરોડો ડૉલરના અતિ-ખર્ચાળ પ્રોજેક્ટ્સની સરખામણીએ ઇસરોએ અત્યંત કરકસરયુક્ત બજેટમાં આ મિશન સાકાર કરીને સમગ્ર વિશ્વમાં દેશનું માથું ગર્વથી ઊંચું કર્યું છે.

 

આદિત્ય-L1 એ ભારતીય મનીષાની એવી સૂર્યવંદના છે, જે માત્ર શ્રદ્ધા પૂરતી સીમિત નથી, પરંતુ પૃથ્વીના ભવિષ્યને સુરક્ષિત રાખતી અડીખમ વૈજ્ઞાનિક ઢાલ છે.