Sat Oct 10 2026

Logo

નો ઇન્ટરનેટ, નો ટેન્શન! બ્લૂટૂથ અને વાઇ-ફાઇથી ચાલતી આ ૪ એપ્સથી નેટવર્ક વિના મોકલો મેસેજ; ટ્રેકિંગ કે મુશ્કેલીમાં બનશે હેલ્પિંગ હેન્ડ

2026-10-10 16:05:04
Author: Darshana Visaria
નો ઇન્ટરનેટ, નો ટેન્શન! બ્લૂટૂથ અને વાઇ-ફાઇથી ચાલતી આ ૪ એપ્સથી નેટવર્ક વિના મોકલો મેસેજ; ટ્રેકિંગ કે મુશ્કેલીમાં બનશે હેલ્પિંગ હેન્ડ

સામાન્ય રીતે સ્માર્ટફોન પર વોટ્સએપ કે ટેલિગ્રામ દ્વારા મેસેજ મોકલવા માટે ઈન્ટરનેટ કનેક્શન ખૂબ જ અનિવાર્ય છે. પરંતુ જો તમે કોઈ એવી જગ્યાએ અટવાઈ જાઓ જ્યાં મોબાઇલ નેટવર્ક નથી, કોઈ કુદરતી આપત્તિ સર્જાઈ હોય અથવા ભીડભાડવાળી જગ્યાએ ઈન્ટરનેટ જામ થઈ ગયું હોય, તો સંપર્ક સાધવો મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને આવા સમયે મદદ કરશે. 

વાત કરીએ ઈન્ટરનેટ વગર કામ કરતી કેટલીક કમ્યુનિકેશન એપ વિશે કે જે ઈન્ટનેટ વિના પણ કટોકટીની સ્થિતિમાં કેટલીક ખાસ ઓફલાઇન મેસેજિંગ એપ્સ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ એપ્સ સેલ્યુલર નેટવર્ક કે ડેટા વગર માત્ર બ્લૂટૂથ અને પીઅર-ટુ-પીઅર (P2P) વાઇ-ફાઇ ટેક્નોલોજીથી કામ કરે છે.

ઇન્ટરનેટ વગર આ એપ્સ કેવી રીતે કામ કરે છે?
આઈ નો આઈ નો તમને થશે કે ઈન્ટરનેટ વગર આ એપ્સ કામ કેવી રીતે કરતી હશે તો તમારી જાણકારી માટે કે આ એપ્સ મેશ નેટવર્કિંગ ટેકનોલોજી પર કામ કરે છે. આ એપ્સ તમારા ફોનના બ્લૂટૂથ (Bluetooth) અને વાઇ-ફાઇ ડાયરેક્ટ (Wi-Fi Direct) સિગ્નલનો ઉપયોગ કરીને નજીકના ડિવાઇસ સાથે એક લોકલ નેટવર્ક ચેઈન રચે છે.

ડિવાઇસ-ટુ-ડિવાઇસ કનેક્ટિવિટી: એક ફોન બીજા ફોનને સિગ્નલ પાસ કરે છે, જેથી ૧૦૦ મીટર સુધીના દાયરામાં ઇન્ટરનેટ કે સિમ કાર્ડના નેટવર્ક વગર પણ સરળતાથી ટેક્સ્ટ મેસેજ અને લોકેશન મોકલી શકાય છે.

ઇન્ટરનેટ વિના ચેટિંગ માટેની એપ્સ:
સામાન્યપણે કોઈ ચેટિંગ કે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટનું હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તમારી જાણકારી માટે કે કેટલીક એવી એપ્સ છે કે જેની મદદથી તમે ઈન્ટરનેટ વિના પણ ચેટિંગનો અનુભવ કરી શકો છો. ચાલો જોઈએ કઈ છે આ એપ... 

બ્રિજફાઇ:
ઓફલાઇન મેસેજિંગ માટે આ સૌથી લોકપ્રિય એપ છે. તે બ્લૂટૂથ મેશ નેટવર્ક પર કામ કરે છે. જો તમારા અને સામેવાળા વ્યક્તિ વચ્ચે અન્ય બ્રિજફાઇ યુઝર્સ હાજર હોય, તો મેસેજ એક ફોનથી બીજા ફોન થઈને લાંબા અંતર સુધી પહોંચી શકે છે. કટોકટી, કુદરતી આપત્તિ કે મોટા કાર્યક્રમોમાં આ એપ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

બ્રાયર (Briar):
સિક્યોરિટી અને પ્રાઇવસીની દ્રષ્ટિએ આ એપ ખૂબ સુરક્ષિત છે. તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. બ્રાયર ઇન્ટરનેટ હોય ત્યારે ટોર (Tor) નેટવર્ક પર ચાલે છે, પરંતુ જ્યારે નેટવર્ક બંધ થઈ જાય ત્યારે તે બ્લૂટૂથ અને લોકલ વાઇ-ફાઇ દ્વારા સીધો મેસેજ ટ્રાન્સફર કરે છે. તેનો ઉપયોગ પત્રકારો અને એક્ટિવિસ્ટ્સ દ્વારા પણ મોટા પાયે થાય છે.

સિગ્નલ ઓફલાઇન મેસેન્જર:
આ એપ વાઇ-ફાઇ ડાયરેક્ટ (Wi-Fi Direct)ની મદદથી કામ કરે છે. તે લગભગ 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ ઇન્ટરનેટ કનેક્શન વગર એકસાથે ગ્રુપ ચેટિંગ કે પ્રાઇવેટ મેસેજ મોકલવાની સુવિધા આપે છે.

ફાયરચેટ:
આ એપ પણ મેશ નેટવર્કિંગના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હાઇકિંગ, ટ્રેકિંગ કે અંતરિયાળ જંગલ વિસ્તારોમાં જ્યાં ટાવર સિગ્નલ શૂન્ય હોય, ત્યાં આસપાસના ગ્રુપ મેમ્બર્સ સાથે સંપર્કમાં રહેવા માટે આ ઉત્તમ વિકલ્પ છે.

એપ્સનો ઉપયોગ કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો:
આ એપ્સ વાપરવા માટે બંને યુઝર્સના ફોનમાં સમાન એપ ઇન્સ્ટોલ કરેલી હોવી જરૂરી છે.
ફોનનું બ્લૂટૂથ અને લોકલ વાઈ-ફાઈ ઓન રાખવું ફરજિયાત છે.
આ એપ્સ સામાન્ય રીતે ટૂંકા અંતર (Short Range) માટે સૌથી અસરકારક રહે છે.