Sat Oct 10 2026

Logo

સ્પાઇડરમેન બની ઘરફોડી કરનાર કચરા વીણનારને દિંડોશી પોલીસે ઝડપી લીધો...

2026-10-10 16:46:51
Author: Mumbai Samachar Team
સ્પાઇડરમેન બની ઘરફોડી કરનાર કચરા વીણનારને દિંડોશી પોલીસે ઝડપી લીધો...

AI પ્રતીકાત્મક તસવીર


મુંબઈ: સ્પાઇડરમેનની જેમ વાંસના માંચડા પર ચઢીને ફ્લેટમાં ઘૂસી ચોરી કરનાર 27 વર્ષીય યુવકની દિંડોશી પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ બહરુલ નુરિસ્લામ તરફદાર તરીકે થઈ છે. તે ઉત્તર મુંબઈના વિવિધ વિસ્તારોમાં કચરો વીણવાનું કામ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મલાડમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા જાલુભા જાડેજાના ફ્લેટમાં આ ચોરી થઈ હતી. તેમની ઇમારતમાં સમારકામની કામગીરી ચાલી રહી હોવાથી આખી ઇમારતની બહાર વાંસના માંચડા બાંધવામાં આવ્યા હતા. જાડેજા રાત્રિના સમયે ઘણી વખત હોલ અને બેડરૂમની બારીઓ ખુલ્લી રાખતા હતા. આ બાબતનો લાભ લઈને આરોપીએ 28 સપ્ટેમ્બરે ખુલ્લી બારીમાંથી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો.

આરોપીએ બેડરૂમમાં લાકડાના કબાટ પર રાખેલી આશરે રૂ. 3 લાખની કિંમતની સોનાની રુદ્રાક્ષની ચેઇન અને રૂ. 6,500 રોકડની ચોરી કરી હતી. આ રીતે કુલ રૂ. 3,65,600 કિંમતનો મુદ્દામાલ લઈને તે ફરાર થઈ ગયો હતો. બાદમાં જાડેજાનાં પત્નીએ સામાન ગુમ થયેલો જોયો હતો અને પતિને જાણ કરતાં ચોરીની ઘટનાનો ખુલાસો થયો હતો.

ઘટનાની જાણ થતાં જાડેજાએ દિંડોશી પોલીસ સ્ટેશનમાં ઘરફોડી અને ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ઇમારતની બહાર બાંધેલા વાંસના માંચડા પર ચઢીને સ્પાઇડરમેનની જેમ ખુલ્લી બારીમાંથી ફ્લેટમાં પ્રવેશ્યો હતો. ચોરી કર્યા બાદ તે એ જ રસ્તે ઇમારતની બહાર નીકળી ગયો હતો.

ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ મેળવી હતી. અંતે પોલીસની ટીમે મીરા રોડ વિસ્તારમાંથી 27 વર્ષીય તરફદારને ઝડપી લીધો હતો.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી મીરા રોડ રહેતો હતો અને બોરીવલી, કાંદિવલી તથા મલાડ વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતો હતો. કચરો વીણવા દરમિયાન તેણે જાડેજાના ઘરની રેકી કરી હતી અને ત્યારબાદ ચોરીનું આયોજન કર્યું હતું. આરોપીએ ગુનાની કબૂલાત આપ્યા બાદ પોલીસે તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીને પકડવામાં સ્થાનિક કચરો વીણનારા ઝુબેર અન્સારી અને શરાફત શેખે પણ મહત્વની માહિતી આપીને પોલીસને મદદ કરી હતી. તેમની પાસેથી મળેલી સૂચનાઓના આધારે પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ મળી હતી.