આજના ડિજિટલ યુગમાં સગીર બાળકો અને કિશોરો એટલે કે ટીનેજર્સમાં સ્માર્ટફોન અને મેસેજિંગ એપ્સનો વપરાશ ઝડપથી વધ્યો છે, તો બીજી બાજું ઓનલાઇન સિક્યોરિટીને લઈને પેરેન્ટ્સની ચિંતા પણ એટલી જ વધી છે. આ સમસ્યા અને ચિંતાને ધ્યાનમાં રાખીને વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ટીનેજર્સ માટે ખાસ નવા પેરેન્ટલ કંટ્રોલ્સ (Parental Controls) રજૂ કર્યા છે.
વોટ્સએપ દ્વારા રજૂ કરવામાં આવેલા આ નવા ‘પેરેન્ટ-મેનેજ્ડ એકાઉન્ટ્સ’ (Parent-Managed Accounts) ફીચરની મદદથી માતા-પિતા હવે નક્કી કરી શકશે કે તેમના બાળકની પ્રોફાઇલ કોણ જોઈ શકે, તેને ગ્રુપમાં કોણ એડ કરી શકે અને તે મેટા એઆઈ કે ચેનલ્સનો કેવી રીતે ઉપયોગ કરે. સૌથી મહત્વની વાત એ છે કે આ નિયંત્રણો છતાં બાળકોની પર્સનલ ચેટ્સ અને કોલ્સ પહેલાંની જેમ જ સંપૂર્ણ ખાનગી અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે.
WhatsApp પેરેન્ટલ કંટ્રોલ કેવી રીતે કામ કરશે?
પેરેન્ટ્સ પોતાના ફોનમાંથી જ સેટ કરી શકશે કે બાળકનો પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકે. આ ઉપરાંત, બાળક કોના સ્ટેટસ અપડેટ્સ જોઈ શકે અને બાળકના પોતાના સ્ટેટસ કોને દેખાય તેનું કન્ટ્રોલ પણ પેરેન્ટ્સના હાથમાં રહેશે. બાળકને કોઈપણ અજાણી વ્યક્તિ સીધી રીતે વોટ્સએપ ગ્રુપમાં એડ ન કરી શકે તે માટે માતા-પિતા યોગ્ય પરમિશન સેટિંગ્સ લાગુ કરી શકશે. ટીનેજર વોટ્સએપ ચેનલ્સ (Channels) ફીચરનો ઉપયોગ કઈ હદ સુધી કરી શકે તેનું કન્ટ્રોલ પણ પેરેન્ટ્સના હાથમાં રહેશે.
ગ્રુપ એક્ટિવિટી એલર્ટ્સ અને નોટિફિકેશન્સ:
જો બાળક કોઈ નવા વોટ્સએપ ગ્રુપમાં સામેલ થશે અથવા કોઈ ગ્રુપમાંથી એક્ઝિટ થશે તો માતા-પિતાને તરત જ તેનું નોટિફિકેશન એલર્ટ મળશે. જો બાળક જે ગ્રુપમાં છે તેમાં મેમ્બર્સની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો કે ફેરફાર થાય, તો તેની માહિતી પણ પેરેન્ટ્સ સુધી પહોંચશે. આ એલર્ટ્સ માત્ર એક્ટિવિટી મોનિટરિંગ માટે છે. પેરેન્ટ્સ એ ગ્રૂપની અંદર થતી વાતચીત કે મેસેજ વાંચી શકશે નહીં.

Meta AIના ઉપયોગ પર કંટ્રોલ અને સિક્રેટ PIN:
વોટ્સએપમાં રહેલા મેટા એઆઈ ચેટબોટ માટે માતા-પિતા સામાન્ય '13+ એક્સપિરિયન્સ' જાળવી શકે છે અથવા વધુ સુરક્ષિત 'લિમિટેડ કન્ટેન્ટ' (Limited Content) વિકલ્પ પસંદ કરી શકે છે. પેરેન્ટ્સે નક્કી કરેલા સેટિંગ્સમાં ફેરફાર કરવા માટે બાળકે પેરેન્ટ્સની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ગાર્ડિયન પોતાના દ્વારા સેટ કરેલા ગુપ્ત PIN દ્વારા જ સેટિંગ્સને અનલોક કે રિલેક્સ કરી શકશે.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અકબંધ રહેશે:
વોટ્સએપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કંટ્રોલ્સથી બાળકની પર્સનલ વાતચીતની પ્રાઈવસી જોખમાતી નથી. તમામ પર્સનલ મેસેજ અને વોઇસ/વિડિયો કોલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (End-to-End Encrypted) રહેશે, એટલે કે ચેટ કરી રહેલા બે વ્યક્તિઓ સિવાય ત્રીજી કોઈ વ્યક્તિ (વાલીઓ કે વોટ્સએપ પોતે પણ) તેને વાંચી કે સાંભળી શકશે નહીં.
ક્યારે અને કેવી રીતે મળશે આ સુવિધા?:
કંપની હાલમાં આ ‘Parent-Managed Accounts’ ફીચરને તબક્કાવાર રીતે વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરી રહી છે. ભારતમાં યુઝર્સને ટૂંક સમયમાં વોટ્સએપના લેટેસ્ટ અપડેટ સાથે આ સુવિધા મળવાની શરૂઆત થશે. ફીડબેકના આધારે ભવિષ્યમાં તેમાં વધુ સુરક્ષા વિકલ્પો ઉમેરવામાં આવશે.