હેં... ખરેખર! - પ્રફુલ શાહ
એક વિશિષ્ટ પંખી અને એની અચંબિત કરનારી ખાસિયતોની વાત કરીએ.
આફ્રિકન જકાના તરીકે ઓળખાતું આ ખૂબ જ અનોખું જળપંખી છે. દેખાવ અને પાણી ઉપર ચાલવાની રીતને જોતાં ભારતીય જકાના (ઇન્ડિયન જકાના, બીજું અંગ્રેજી નામ બ્રોન્ઝ વિન્ગ્ડ જકાના)ની સૌથી નજીકનું લાગે છે. પ્રચલિત ભારતીય નામ કાંસિયો જકાના અથવા ક્યાંક તેનું જૂનું નામ કાંસિયો ટીટોડી પણ જોવા મળે છે.
ભારતમાં બીજી એક અદ્ભુત જકાના પ્રજાતિ છે: ફીઝન્ટ-ટેઇલ્ડ જકાના. તેના માટે ગુજરાતીમાં જળમાંજાર, કથ્થાઈ જળમાંજાર અથવા શ્ર્વેતપંખ જલમાંજાર જેવાં નામો છે. પ્રજનન ઋતુમાં તેની પૂંછડી અત્યંત લાંબી થઈ જાય છે!
આફ્રિકન જકાનાનું શરીર લગભગ 30 સેમી. જેટલું લાંબું, પરંતુ લાંબી પૂંછડી અને પગને કારણે તે વધુ મોટું દેખાય છે. માથા અને ગળામાં કાળો રંગ, પીઠે કથ્થાઈ-તપખીરિયો રંગ અને આગળના ભાગમાં સફેદ/વાદળી-ભૂરો આભાસ જોવા મળે છે. તેના લાંબા, પાતળા પગ અને અત્યંત લાંબી આંગળીઓને કારણે તે પાણીમાં તરતા કમળ-પાન અને જળવનસ્પતિ ઉપર જાણે ચાલતું હોય એવો આભાસ ઊભો થાય છે. આથી ઘણી વખત એને ‘જીસસ બર્ડ’ પણ કહેવામાં આવે છે.
મોટેભાગે તે સબ-સહારન આફ્રિકાનાં તળાવો, ભેજવાળા પ્રદેશો અને ધીમા પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આફ્રિકન જકાના બહુધા સહારા નીચેના આફ્રિકામાં જોવા મળે છે. એના વસવાટના મુખ્ય દેશો-વિસ્તારોમાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, બોત્સ્વાના, કેન્યા, નામિબિયા, મોઝામ્બિક, ઘાના, ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઇથિઓપિયા સહિતના ઘણા ઉપ-સહારા દેશો આવે.
આફ્રિકન જકાના સામાન્ય રીતે તળાવો, સરોવરો, ધીમા વહેણવાળી નદીઓ અને કમળ તથા જળવનસ્પતિથી ભરેલા ભેજવાળા વિસ્તારોમાં વસે છે. અસાધારણ રીતે લાંબા પગ અને આંગળીઓને લીધે તેનું વજન જળવનસ્પતિ પર વિશાળ વિસ્તારમાં વહેંચાય છે અને તે કમળનાં પાન પર પણ ચાલી શકે છે.
તેનો માળો ખરેખર સામાન્ય માળો જેવો હોતો નથી. સામાન્ય પક્ષીઓની જેમ ઝાડ પર માળો બાંધવાને બદલે તે પાણી પર તરતી વનસ્પતિ વચ્ચે ખૂબ સાદો માળો બનાવે છે.
હવે આફ્રિકન જકાનાની સૌથી રસપ્રદ વાત. જકાનાની કેટલીક પ્રજાતિઓમાં નર જ બચ્ચાંની મુખ્ય સંભાળ રાખે છે. નર પોતાની પાંખોની નીચે બચ્ચાંને છુપાવીને લઈ જઈ શકે છે: એક સાથે અનેક બચ્ચાંને! સૌથી આશ્ર્ચર્યજનક બાબત એ છે કે જોખમ આવે કે લાગે ત્યારે નર પોતાના બચ્ચાંને પાંખોની નીચે એટલે કે શરીરની બાજુની પાંખોના આવરણમાં છુપાવીને લઈ જઈ શકે છે. આથી આફ્રિકન જકાનાને ‘બચ્ચાંને પાંખ નીચે છુપાવીને લઈ જતું જળપક્ષી’ તરીકે વર્ણવી શકાત. બચ્ચાં જન્મ સાથે જ સક્રિય થઈ જાય. ઈંડામાંથી બહાર આવ્યા પછી થોડા જ સમયમાં બચ્ચાં માળો છોડીને પાણીની વનસ્પતિ વચ્ચે પિતાની પાછળ ચાલવા લાગે છે.
નર આફ્રિકન જકાના આ બધું કરે તો માદાનો રોલ શું? આ પ્રજાતિમાં માદા સામાન્ય રીતે નર કરતાં મોટી હોય છે અને તેનો સામાજિક વર્તાવ પણ વધુ આક્રમક અને પ્રભાવશાળી હોય છે. માદા એકથી વધુ નર સાથે સંવનન કરી શકે છે અને અનેક નર સાથે ઈંડાં મૂકી શકે છે. માદા મુખ્યત્વે ઈંડાં મૂક્યા પછી આગળ વધી જાય છે. ઈંડાં સેવવાનું કામ મુખ્યત્વે નર કરે છે. બચ્ચાં બહાર નીકળ્યા પછી પણ નર તેમની ખૂબ કાળજી રાખે છે.
હા, આફ્રિકન જકાનાની પોલીએન્ડ્રી (એટલે એક સ્ત્રીના એક જ સમયે એકથી વધુ પતિ હોવાની વૈવાહિક પ્રથા. ગુજરાતીમાં બહુપતિત્વ) પ્રથામાં માદા એકથી વધુ નર સાથે સંવનન કરી શકે છે અને દરેક નર પોતાના ઈંડાં તથા બચ્ચાંની જવાબદારી સંભાળે છે.
ટૂંકમાં પપ્પા જ ‘મમ્મી’ બને છે.