રાજકોટ: ગુજરાતના આજથી નવરાત્રી પર્વની શરૂઆત થઇ છે. રાજ્યના 22 હજારથી વધી સ્થળો ગરબા યોજાવાના છે. જેની માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં 48 સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના લાગેલા લવ જેહાદના પોસ્ટરનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ સ્થળે ગરબા આયોજનની બહાર લવ જેહાદથી સાવધાનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં હિંદુ યુવતીઓને લવ જેહાદથી બચવા મેસેજ આપવામાં આવ્યા છે.
આ પોસ્ટરોમાં કોઇના નામનો ઉલ્લેખ નથી
આ ઉપરાંત રાજકોટના અનેક ગરબા આયોજન સ્થળોએ હિંદુ સંગઠનના આગ્રહ બાદ એન્ટ્રી માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવી હોવાની ચર્ચા છે. જ્યારે કેટલાક સંગઠનોએ એન્ટ્રી માટે તિલકને ફરજિયાત કરવાની માંગ કરી છે. જોકે, લવ જેહાદની જનજાગૃતિ અંગેના આ પોસ્ટરોમાં કોઇના નામનો ઉલ્લેખ નથી.
આધાર કાર્ડની ચકાસણી કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી
આ અંગે હિન્દુ જાગરણ મંચના સંયોજક મંગેશ દેસાઈના જણાવ્યા અનુસાર, શકય છે કે આ પોસ્ટરો હિન્દુ સંગઠનોએ જનજાગૃતિ લાવવા માટે લગાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો હેતુ ધાર્મિક સૌહાર્દને ડહોળવાનો નથી, પરંતુ સનાતન પરંપરાના રક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. તેમણે કહ્યું કે ગરબાના કાર્યક્રમોમાં પ્રવેશ આપતા પહેલા તમામ વ્યક્તિઓના આધાર કાર્ડની ચકાસણી કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરવામાં આવી હતી.
તિલક કર્યા પછી જ પ્રવેશ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો
મંગેશ દેસાઈના મતે, ગરબાના ઘણા આયોજકોએ આ માંગણીઓ પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. કેટલાક કાર્યક્રમોમાં કપાળ પર તિલક કર્યા પછી જ પ્રવેશ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્યારે અન્ય આયોજકો યુવકોના આધાર કાર્ડ તપાસવા અને એન્ટ્રી પાસ પર તેમના નામ નોંધવા માટે સંમત થયા છે.
પોસ્ટરોને લઈને રાજકોટમાં ચર્ચા
આ દરમિયાન, મંગેશ દેસાઈએ ચેતવણી આપી હતી કે જો કોઈ આયોજક આ પોસ્ટરોને હટાવવાનો પ્રયાસ કરશે તો તેઓ પોતાની રીતે તેનો જવાબ આપશે.હાલમાં, નવરાત્રી અને ગરબાના ઉત્સવો વચ્ચે લગાવવામાં આવેલા આ પોસ્ટરોને લઈને રાજકોટમાં ચર્ચાઓ ચાલી રહી છે. હવે સૌની નજર પોલીસ તંત્ર કેવું વલણ અપનાવે છે તેની પર છે.