હવે તમામ પ્રવેશ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) સેલની ઓનલાઇન CAP પ્રક્રિયા દ્વારા જ થશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં અનુસ્નાતક (પીજી) મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. અંતિમ સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન પ્રોસેસ (સીએપી) રાઉન્ડમાં સીટ ફાળવાયા બાદ તેમાં પ્રવેશ ન લેનારા ઉમેદવારોને આગામી બે શૈક્ષણિક વર્ષ સુધી રાજ્યમાં પીજી મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. આ નિયમનો હેતુ સીટ બ્લોક કરવાની પ્રથાને રોકવાનો અને અન્ય લાયક ઉમેદવારો માટે પ્રવેશની તક જાળવવાનો છે.
5 ઑક્ટોબરના જાહેર કરાયેલા મહારાષ્ટ્ર પ્રોફેશનલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ (રેગ્યુલેશન ઑફ એડમિશન ટુ ધ ફર્સ્ટ યર ઑફ ધ ફુલ-ટાઈમ પ્રોફેશનલ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એન્ડ ડેન્ટલ કોર્સિસ) નિયમો, 2026 હેઠળ આ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા હવે સંસ્થાકીય સ્તરે યોજાતા પ્રવેશ રાઉન્ડ પણ રદ કરવામાં આવ્યા છે. સંસ્થાકીય અને બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ) ક્વોટા સહિત તમામ પીજી મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ રાજ્યના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલની ઑનલાઈન સીએપી પ્રક્રિયા હેઠળ જ થશે.
નવા નિયમ મુજબ, ઉમેદવારોએ દરેક પ્રવેશ રાઉન્ડ માટે પસંદગીનું નવું ફોર્મ ભરવું પડશે. ચકાસણી બાદ તે રાઉન્ડ માટે પસંદગીઓ અંતિમ ગણાશે. ફાળવાયેલી સીટ જાળવી રાખવા ઈચ્છતા ઉમેદવારો સ્ટેટસ રિટેન્શન ફોર્મ ભરી શકશે, પરંતુ ત્યારબાદ તેઓ તે શૈક્ષણિક વર્ષના આગળના પ્રવેશ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં. ખાલી રહેલી સીટો ભરવા માટે યોજાતા સ્ટ્રે વેકન્સી રાઉન્ડનું આયોજન પણ ઑનલાઇન સીએપી પ્રક્રિયા હેઠળ જ કરવામાં આવશે.
અગાઉ ખાનગી મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં સીએપી રાઉન્ડ બાદ ખાલી રહેલી સીટો માટે સંસ્થાકીય સ્તરે અલગ પ્રવેશ પ્રક્રિયા યોજાતી હતી. આ પ્રક્રિયા દરમિયાન મનસ્વી ફી વસુલવામાં આવતી હોવાની અનેક ફરિયાદો મળતી હતી, છેલ્લી ઘડીએ સીટ ફાળવવા અને મેરિટ યાદીનું યોગ્ય પાલન ન થવા અંગે આક્ષેપો પણ થયા હતા. હવે તમામ પ્રવેશ એક જ ઑનલાઇન પ્રક્રિયા હેઠળ લાવવાથી કોલેજો દ્વારા અલગથી પ્રવેશ આપવાની વ્યવસ્થા દૂર થશે.
રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન હસન મુશ્રીફે આ પ્રકરણે જણાવ્યું હતું કે તમામ પ્રવેશ ઑનલાઇન સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન પ્રોસેસ દ્વારા થતાં પ્રવેશ પ્રક્રિયા વધુ પારદર્શક અને મેરિટ આધારિત બનશે. તબીબી શિક્ષણ વિભાગના સચિવ ધીરજ કુમારે પણ જણાવ્યું હતું કે મેરિટના આધારે પ્રવેશ સુનિશ્ચિત કરવા સંસ્થાકીય પ્રવેશ રાઉન્ડ રદ કરવા જરૂરી હતા. અગાઉ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં ફેરફારો શરૂ કરાયા હતા અને હવે પીજી અભ્યાસક્રમોમાં પણ તે લાગુ કરવામાં આવ્યા છે.
નવા નિયમો હેઠળ મહારાષ્ટ્રના નિવાસી એવા ઉમેદવારો, જેમણે રાજ્યની બહાર પાત્ર ડિગ્રી મેળવી હોય, તેમજ અન્ય રાજ્યોના ઉમેદવારો અને વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ પણ નિર્ધારિત પ્રવેશ માપદંડોને આધીન અરજી કરી શકશે. નોંધણીની છેલ્લી તારીખને પાત્રતા નક્કી કરવાની અંતિમ તારીખ ગણવામાં આવશે. તે તારીખ સુધી જરૂરી અપાત્ર ઉમેદવારોને સમગ્ર શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ માટે ગેરલાયક ગણવામાં આવશે. ખાલી રહેલી એનઆરઆઈ ક્વોટાની સીટો પણ નિયમો મુજબ અન્ય કેટેગરીના પાત્ર ઉમેદવારોને મેરિટના આધારે ફાળવી શકાશે.