(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી વાહનચાલકો વિદ્યાવિહાર બ્રિજ ખુલ્લો મૂકવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જેને શનિવારે એટલે કે ૧૦ ઑકટોબરના વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે એવી શકયતા હતી પણ છેલ્લી ઘડીએ તમામ બાંધકામ પૂરું થઈ ગયું હોવા છતાં બ્રિજ ખુલ્લો નહીં મૂકાતા નિરાશ થવું પડયું હતું. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હવે આવતા અઠવાડિયે આ પુલ ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે, જોકે સત્તાવાર તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
ઘાટકોપર પરિસરમાં પૂર્વમાં રામચંદ્ર ચેંબૂરકર રોડ અને પશ્ર્ચિમમાં લાલ બહાદુરશાસ્ત્રી (એલબીએસ) રોડને જોડનારા અને વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પર બાંધવામાં આવેલા પૂલનું કામ ૧૦ ઑક્ટોબર સુધી પૂરું કરીને તેને ખુલ્લો મૂકવામાં આવે એવી શકયતા તાજેતરમાં પાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, તેથી નવરાત્રિના શરૂ થવાના આગલે દિવસે જ આ પૂલ ખુલ્લો મૂકાઈ જશે એવું સ્થાનિક નાગરિકો માની રહ્યા હતા. જોકે હવે પૂલ ખુલ્લો મૂકવાનું લગભગ અઠવાડિયું પાછળ ઢકેલાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પુલની બંને તરફ નોઈઝ બેરિયર બેસાડવાથી લઈને અન્ય તમામ કામ પૂર્ણ થઈ ગયા છે અને તેને વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, તેના ઔપચારિક ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે.
સ્થાનિક અગ્રણીના કહેવા મુજબ તેમને અપેક્ષા હતી કે શનિવાર સવાર સુધીમાં પુલ ખુલ્લો મૂકવામાં આવશે અને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થવામાં મદદ મળશે. જોકે હવે લગભગ અઠવાડિયું સુધી તે લંબાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રોજેકટ ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો અને વાહનચાલકોને ઔપચારિક રીતે ઉદ્ઘાટન થાય તેની રાહ જોવાને બદલે કામ પૂર્ણ થતાં જ પ્રશાસને તેને ખુલ્લો મૂકી દેવો જોઈતો હતો.
રામચંદ્ર ચેંબૂરકર રોડ અને એલબીએસ રોડને જોડનારા ૬૫૦ મીટર લાંબા આ ટુ-લેન બ્રિજ રેલ્વે લાઈનની આરપાર પૂર્વ-પશ્ર્ચિમ સીધો જોડી રહ્યો હોવાથી વિદ્યાવિહાર રેલ્વે સ્ટેશનની આસપાસ વાહનવ્યવહારમાં સુધારો થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં રેલ્વે લાઈન પર ૧૦૦ મીટર લાંબો પુલ અને તેની સાથે પૂર્વ તરફ ૨૨૦ મીટર તથા પશ્ર્ચિમ તરફ ૩૩૦ મીટરના એપ્રોચ રોડ (પુલ સુધી પહોંચતા રસ્તા)નો સમાવેશ થાય છે. આ બ્રિજ પરથી વિદ્યાવિહાર રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર જવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તેમ જ બંને બાજુએ રેલવે ટિકિટ વિન્ડો અને સ્ટેશન માસ્ટરની ઓફિસ પણ બનાવી આપવામાં આવી છે. એકવાર આ બ્રિજ ખુલ્લો મૂકાશે એ બાદ પૂર્વ-પશ્ર્ચિમ જોડાણમાં સુધારો થશે અને વિસ્તારના વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેવી અપેક્ષા છે.