Sun Oct 11 2026

Logo

Happy Birthday Amitabh Bachchan: સુનીલ શેટ્ટી, ચિરંજીવી, કાજોલ સહિતના કલાકારોએ બિગ બી પર વરસાવ્યો પ્રેમ, KBCના સેટ પર સરપ્રાઈઝ મળ્યું

2026-10-11 15:46:57
Author: Mumbai Samachar Team
Happy Birthday Amitabh Bachchan: સુનીલ શેટ્ટી, ચિરંજીવી, કાજોલ સહિતના કલાકારોએ બિગ બી પર વરસાવ્યો પ્રેમ, KBCના સેટ પર સરપ્રાઈઝ મળ્યું

મુંબઈ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાનો 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે ફિલ્મ જગતના કલાકારોથી લઈને ચાહકો સુધી સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. અભિનેતા સુનીલ શેટ્ટી, કિયારા અડવાણી, કાજોલ, અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બિગ બી પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીએ પણ અમિતાભ બચ્ચનને પોતાના પ્રિય ગુરુ ગણાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે કેબીસીના સેટ પરથી બિગ બીને મળેલી સરપ્રાઈઝે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.

દરેક મુલાકાતમાંથી શીખવા મળ્યુંઃ સુનીલ શેટ્ટી

અભિનેતા સુનીલ શેટ્ટી એ અમિતાભ બચ્ચન સાથેની એક જૂની તસવીર શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમિતાભ બચ્ચનને તે જેટલી પણ વાર મળે છે, દરેક વખતે બાળપણમાં તેમને પડદા પર જોઈને થતો ઉત્સાહ અને આશ્ચર્ય ફરી અનુભવાય છે. તેમની સાથેની દરેક મુલાકાતમાંથી કંઈક નવું શીખવા મળે છે અને તેમના પ્રત્યેનો આદર વધુ વધી જાય છે. સુનીલ શેટ્ટીએ અમિતાભ બચ્ચન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

તમે અમારા સૌના માટે છો પ્રેરણાઃ કિયારા અડવાણી

અભિનેત્રી કિયારા અડવાણી એ પણ અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. કિયારાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર! તમે આજે પણ અને હંમેશાં એક આઇકન, દિગ્ગજ અને સૌના માટે પ્રેરણાસ્રોત છો.' આ સાથે તેણે અમિતાભ બચ્ચન માટે અપાર ખુશીઓ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. કિયારાના સંદેશમાં બિગ બી પ્રત્યેનો આદર અને તેમની પાસેથી મળતી પ્રેરણાની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.

કાજોલે લખ્યું તમારી અપાર ખુશીઓની કામના કરું છું

અભિનેત્રી કાજોલ એ પણ અમિતાભ બચ્ચનને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તેણે પોતાના સંદેશમાં લખ્યું હતું કે, 'જન્મદિવસની શુભેચ્છાઓ, અમારા અત્યંત શાનદાર વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ! તમારા માટે હંમેશાં સારા સ્વાસ્થ્ય અને અપાર ખુશીઓની કામના કરું છું.' કાજોલની આ શુભેચ્છા સાથે અનેક કલાકારોએ પણ બિગ બીના લાંબા અને યાદગાર ફિલ્મી સફરની પ્રશંસા કરી હતી.

સુપરસ્ટાર ચિરંજીવીએ લખ્યું પ્રિય ગુરુજી અઢળક શુભેચ્છા

દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા ચિરંજીવી એ અમિતાભ બચ્ચન સાથેની એક તસવીર શેર કરી હતી, જેમાં બંને કલાકારો એકબીજાને ભેટતા જોવા મળે છે. ચિરંજીવીએ તેમને પોતાના 'સૌથી પ્રિય ગુરુજી' કહીને શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું હતું કે, સિનેમા પ્રત્યેનો અમિતાભ બચ્ચનનો પ્રેમ અને પોતાના કામ પ્રત્યેનું સન્માન હંમેશાં તેના માટે પ્રેરણારૂપ રહ્યાં છે. સાથે જ તેણે બિગ બીના સારા સ્વાસ્થ્ય, અપાર ખુશીઓ અને આવનારા વર્ષોમાં પણ મનપસંદ કામ કરતા રહેવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉત્સાહ આજેય યુવાન જેવોઃ અજય દેવગન 

અભિનેતા અજય દેવગન એ પણ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપતાં તેમની ઉંમર સામે તેમના ઉત્સાહની પ્રશંસા કરી હતી. અજય દેવગને લખ્યું હતું કે, ઉંમર વધવાની સાથે અમિતાભ બચ્ચન ભલે સૌથી વરિષ્ઠ કલાકારોમાં સામેલ થયા હોય, પરંતુ તેમનો ઉત્સાહ આજે પણ પહેલાંની જેમ યુવાન છે. 

જલસા બહાર ચાહકો કેક લઈ પહોંચ્યા

બીજી તરફ, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા એ અમિતાભ બચ્ચનને અભિનય પ્રત્યે પ્રેમ જાગવાનું એક મોટું કારણ ગણાવ્યું હતું. તેણે બિગ બીનો આભાર માનતાં તેમના સારા સ્વાસ્થ્ય અને ખુશીઓની કામના કરી હતી. દરમિયાન બિગ બીના ઘર બહાર મોડી રાતથી ચાહકોએ શુભેચ્છાઓ આપવા માટે લાઈન લગાવી હતી. કોઈ કેક લઈને પહોંચ્યા હતા, તો કોઈક પોસ્ટર અને મીઠાઈઓ લઈ પહોંચ્યા હતા.

નસીબદાર છીએ કે મહાનાયકને બાળપણથી જોયા

કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાએ ખાસ અંદાજમાં એક કિસ્સો યાદ કરીને શુભેચ્છા વ્યક્ત કરી હતી. અમે તો નાનાપણથી અમિતાભ બચ્ચનને જોતા આવ્યા છે, જેમને ટીવી પર જોવાની બાબત એક ઉત્સવ સમાન છે. કૌન બનેગા કરોડપતિ પણ તેમના માટે વિશેષ વાત રહી છે. તેમનું સ્માઈલ, પોતાપણુ અને તેમની ઊર્જા એટલી જ ખુશી આપે છે જેટલી પહેલા મળતી હતી. તેમણે અનેક પેઢીઓને સુંદર યાદો આપી છે અને પોતાને નસીબદાર માને છે કે બાળપણથી મહાનાયકને જોવાની તક મળી હતી.

કેબીસીએ બિગ બીને આપ્યું મોટું સરપ્રાઈઝ
દરમિયાન કેબીસીએ પણ બિગ બીને સરપ્રાઈઝ આપ્યું હતું. શનિવારના એપિસોડમાં અમિતાભ બચ્ચનને જોરદાર સરપ્રાઈઝ આપ્યું હતું. એપિસોડમાં બિગ બીને માતા તેજી બચ્ચનનો અવાજ સંભળાવ્યો હતો. અમિતાભ બચ્ચન માતાનો અવાજ સાંભળીને ભાવુક થઈ ગયા હતા અને માતા સાથેના કિસ્સાઓ પણ શેર કર્યાં હતા. વીડિયોના અંતમાં સૌથી ભાવુક પળ જોવા મળી હતી. અભિષેક બચ્ચને પોતાના પિતા પર પ્રેમ વરસાવ્યો હતો. અભિષેક બોલે છે યાદ હૈ પા. જબ આપ કામ સે લોટતે થે ઔર મૈં આપ પર કૂદ જાતા થા. એ સાંભળીને હકીકતમાં બચ્ચનની આંખોમાં આંસુ આવી ગયા હતા, જ્યારે કેસીબીના મંચ પર બિગબીએ કેક પણ કાપી હતી અને માધુરી દિક્ષીત સાથે પોતાની બર્થડે કેક કાપી હતી.