Sun Oct 11 2026

Logo

નાના પાટેકરે ચાલીમાં રહેતી મહિલાને બનાવી હતી બહેન, કમાણીના ૧૦ ટકા આપતા: આજે એની દીકરી છે જાણીતી એક્ટ્રેસ...

2026-10-11 15:00:48
Author: Mumbai Samachar Team
નાના પાટેકરે ચાલીમાં રહેતી મહિલાને બનાવી હતી બહેન, કમાણીના ૧૦ ટકા આપતા: આજે એની દીકરી છે જાણીતી એક્ટ્રેસ...

મુંબઈ: દિવંગત અભિનેતા નાના પાટેકર પોતાની દમદાર અભિનય અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા હતા, પરંતુ તેમના જીવનનું એક એવું દિલદાર અને જમાપાસું પણ હતું, જે તેમની માનવતા અને સંબંધો પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. નાના પાટેકરના નિધન બાદ તેમની નજીકનાં લોકો તેમની સાથે જોડાયેલી યાદો શેર કરી રહ્યા છે. તાજેતરમાં ટેલિવિઝન અભિનેત્રી સાઈ દેવધરે તેમના પરિવાર સાથે નાના પાટેકરના ગાઢ સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. મીડિયા અહેવાલ અનુસાર નાના પાટેકર તેના પરિવાર માટે માત્ર એક જાણીતા અભિનેતા નહોતા, પરંતુ અમારા પરિવારના સભ્ય હતા. તેઓ સાઈને પોતાની ભાણી અને તેની માતાને પોતાની બહેન માનતા હતા.

સાઈનાં માતા-પિતા નાના પાટેકરના જૂના મિત્રો હતા
સાઈ દેવધરે એક મુલાકાતમાં જણાવ્યું કે નાના પાટેકરના નિધનથી તેને ઊંડો આઘાત લાગ્યો હતો. તેના કહેવા પ્રમાણે, નાના પાટેકર સાથે તેના પરિવારનો સંબંધ તેઓ અભિનેતા તરીકે પ્રસિદ્ધિ મેળવે તે પહેલાંથી હતો. સાઈનાં માતા-પિતા નાના પાટેકરના જૂના મિત્રો હતા. સાઈએ જણાવ્યું કે નાના કાકા ઘણી વખત રાત્રે તેના ઘરે આવતા અને પરિવારના સભ્યોને જમવા અથવા આઇસક્રીમ ખવડાવવા માટે બહાર લઈ જતા હતા. તેમના માટે સાઈના ઘરનાં દરવાજા હંમેશાં ખુલ્લા રહેતા અને બંને પરિવારો વચ્ચે ખૂબ જ આત્મીયતા હતી.

સાઈએ સંભળાવ્યો યાદગાર કિસ્સો 
સાઈ દેવધરે નાના પાટેકર સાથેની કેટલીક મજેદાર યાદો પણ તાજી કરી હતી. તેણે જણાવ્યું કે ક્યારેક નાના કાકાને લાગતું કે તેના પિતા પાસે પૈસા હશે, જ્યારે તેના પિતાને લાગતું કે નાના પાટેકર પાસે પૈસા હશે. બંને પરિવાર સાથે આઇસક્રીમ ખાવા જવા નીકળતા, પરંતુ અંતે ખબર પડતી કે બંનેમાંથી કોઈ પાસે પૈસા નથી. આ પ્રસંગ તેમની સાદગી અને પારિવારિક આત્મીયતાને દર્શાવે છે. સાઈના જણાવ્યા અનુસાર, નાના પાટેકર ક્યારેક બાળકોની જેમ વર્તતા અને અચાનક ગુસ્સે પણ થઈ જતા હતા, પરંતુ તેઓ દિલથી ખૂબ જ સાચા અને પ્રામાણિક વ્યક્તિ હતા.

નાના પાટેકર અને સાઈ દેવધરના પરિવારનો સંબંધ ફિલ્મો સાથે પણ જોડાયેલો હતો. સાઈનાં માતા-પિતા નાના પાટેકરની ફિલ્મ ‘પ્રહાર’ સાથે સંકળાયેલા હતા અને સાઈએ પણ આ ફિલ્મમાં કામ કર્યું હતું. સાઈએ જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન નાના પાટેકર તેમના માતા-પિતા સાથે ઘણો સમય વિતાવતા હતા. તેમના પિતા નાના પાટેકરના અત્યંત નજીકના મિત્ર હતા અને સાઈના જણાવ્યા મુજબ તેઓ નાના પાટેકર માટે 'રાઈટ હેન્ડ' હતા. આ સંબંધ માત્ર ફિલ્મી દુનિયા પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ પારિવારિક લાગણીઓથી જોડાયેલો હતો.

સાઈના માતાપિતાને કરી હતી આર્થિક મદદ 
સાઈએ નાના પાટેકરના જીવન સાથે જોડાયેલી સૌથી ભાવુક વાત જણાવતાં કહ્યું કે, તેમના માતા-પિતા એક ચાલીમાં રહેતા હતા ત્યારે પણ નાના પાટેકરે આ સંબંધને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે સાઈની માતાને પોતાની બહેન માન્યાં હતાં અને પોતાની કમાણીના 10 ટકા હિસ્સાની રકમ નિયમિત રીતે તેની માતાના બેંક ખાતામાં મોકલતા હતા. આર્થિક મદદ પાછળ કોઈ દેખાડો કે પ્રસિદ્ધિ મેળવવાનો હેતુ નહોતો, પરંતુ બહેન પ્રત્યેનો સ્નેહ અને જવાબદારીની લાગણી હતી. 

નાના પાટેકરની આ ઉદારતા દર્શાવે છે કે સફળતા અને પ્રસિદ્ધિ મળ્યા બાદ પણ તેઓ જૂના સંબંધોને ભૂલ્યા નહોતા. સાઈએ કહ્યું કે તેમને નાના પાટેકરનું સ્માઈલ અને તેમની સાથે વિતાવેલી ક્ષણો હંમેશાં યાદ રહેશે. તેમના નિધનના માત્ર ચાર દિવસ પહેલાં જ સાઈની માતાની તેમની સાથે વાતચીત થઈ હતી. સાઈ તેમને પોતાની ફિલ્મના સ્ક્રીનિંગ માટે આમંત્રિત કરવા માગતી હતી, પરંતુ હવે તેની આ ઇચ્છા અધૂરી રહી ગઈ છે.