Sun Oct 11 2026

Logo

અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા ક્યાં છે? અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને કર્યો સવાલ

2026-10-11 15:16:00
Author: Vimal Prajapati
અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા ક્યાં છે? અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને કર્યો સવાલ

નવી દિલ્હી: દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પહેલાં મુંબઈથી દિલ્હી પહોંચેલા પાર્ટીના શીર્ષ નેતૃત્વની અટકાયતનો મામલો વધુ ગંભીર બન્યો છે. દિલ્હી પોલીસે અન્ય પ્રદર્શનકારીઓને મુક્ત કરી દીધા છે, પરંતુ CJPના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકા હજુ પણ કસ્ટડીમાં છે અને તેમનું કોઈ ચોક્કસ લોકેશન સામે ન આવતા વિપક્ષી નેતાઓએ સરકાર અને પોલીસ સામે આક્રમક રૂખ અપનાવ્યો છે.   

પ્લેનની અંદર જઈને કરી હતી અટકાયત

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, મુંબઈથી ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચેલા અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા જ્યારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે પ્લેનની અંદર જ પોલીસ પહોંચી ગઈ હતી. તેમને વિમાનમાંથી બહાર પણ આવવા દેવામાં આવ્યા નહોતા અને સીધા અંદરથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દીપકે પોલીસને કહ્યું હતું કે તેઓ ધરપકડ માટે જ આવ્યા છે. પરંતુ આ અટકાયત બાદથી ત્રણેય નેતાઓનું કોઈ અતા-પતો નથી.   

 

અરવિંદ કેજરીવાલ અને CJPના ગંભીર આક્ષેપો   આપ (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સવાલ કરતા પૂછ્યું છે કે, "અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા ક્યાં છે? દિલ્હી પોલીસે તેમને ક્યાં રાખ્યા છે? દેશ જાણવા માંગે છે કે આખરે ત્રણેય નેતાઓ કયા સ્થળે છે?" બીજી તરફ, સીજેપી સંગઠન પ્રભારી અજિંક્ય શિંદેએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને આકરી નારાજગી વ્યક્ત કરી છે. CJPએ આરોપ લગાવ્યો છે કે, નેતાઓને તેમના પરિવારજનો અને વકીલોથી જાણી જોઈને દૂર રાખવામાં આવી રહ્યા છે. પત્રમાં પૂછવામાં આવ્યું છે કે પોલીસ વિભાગની કઈ એજન્સીએ તેમને પકડ્યા છે અને તેમને કયા સ્થળે રાખવામાં આવ્યા છે? CJPએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે જવાબ નહીં અપાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે.   

 

સુપ્રિયા સુલેએ પણ ઉઠાવ્યા સવાલ

NCP-SP નેતા સુપ્રિયા સુલેએ પણ આ મામલે સવાલ ઉઠાવતા કહ્યું કે, નેતાઓની અટકાયત વખતે કોઈ વોરન્ટ બતાવવામાં આવ્યું નહોતું અને પરિવાર કે વકીલોને પણ જાણ કરવામાં આવી નહોતી. તેમણે જણાવ્યું કે અભિજીત દીપકેની દાદીનું નિધન થયું છે, તેમ છતાં પોલીસ દ્વારા તેમને ઘરે ફોન કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. જો આ મામલે દિલ્હી પોલીસ દ્વારા સ્પષ્ટ્રીકરણ કરતા નિવેદન આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, અભિજીતના દાદીના અવસાન અંગેની માહિતી તેમને યોગ્ય સંવેદનશીલતા સાથે તુરંત પહોંચાડવામાં આવી હતી. તેમને અંતિમ સંસ્કારના નિર્ધારિત સમય વિશે પણ જાણ કરવામાં આવી હતી અને માનવીય ધોરણે તેમના વતન જવા માટે શક્ય તમામ સહાયની ઓફર કરવામાં આવી હતી.