જોધપુર: ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે શનિવારે અમેરિકાના પાંચમી પેઢીના F-35 ફાઈટર જેટ અંગે કટાક્ષ કર્યો હતો. તેમણે અમેરિકાની બેવડી નીતિ અંગે જણાવ્યું કે એક તરફ અમેરિકા આ વિમાન ભારતને વેચવાની વાત કરી રહ્યું છે જ્યારે બીજી તરફ અમેરિકાના અધિકારીઓ ભારતીય સેના અધિકારીઓને વિમાન પાસે સુધી જવા દેતા. આ ટિપ્પણી તેમણે અમેરિકાના પ્રશાંત વાયુસેનાના એર કોર્સ કમાન્ડર જનરલ કેવિન સ્નાઈડરની હાજરીમાં કરી હતી.
'તરંગ શક્તિ-2026'ના સમાપન સમારોહ દરમિયાન કટાક્ષ
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે જોધપુરમાં બહુરાષ્ટ્રીય યુદ્ધઅભ્યાસ 'તરંગ શક્તિ-2026'ના સમાપન સમારોહ દરમિયાન આ કટાક્ષ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાયુસેનાના વડાને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકાએ ભારતને પાંચમી પેઢીના 'સ્ટીલ્થ' ફાઈટર જેટ, F-35 વેચવાનો કોઈ સત્તાવાર પ્રસ્તાવ મૂક્યો છે.
અમેરિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રસ્તાવ મળ્યો નથી
આના જવાબમાં એ.પી. સિંહે કહ્યું, અમેરિકાના લોકો અમને તે વિમાનની નજીક પણ આવવા દેતા નથી, છતાં તમે અમને તે વેચવાની વાત કરો છો. તેમની આ ટિપ્પણીએ ભારતને અમેરિકન ફાઈટર જેટ વેચવાની સંભવિતતા અંગે ચાલી રહેલી ચર્ચાઓ તરફ ધ્યાન દોર્યું હતું.વાયુસેના પ્રમુખે સ્પષ્ટ કર્યું કે ભારતને F-35 ફાઈટર જેટના વેચાણ અંગે અમેરિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રસ્તાવ મળ્યો નથી. ભારતને આ અત્યાધુનિક ફાઈટર એરક્રાફ્ટના સંભવિત વેચાણ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું હતું.