Sun Oct 11 2026

Logo

ઑસ્ટ્રેલિયાના રૅન્શૉએ કિંગ કોહલીનો 10 વર્ષ જૂનો આ વિક્રમ તોડ્યો

Durban   2026-10-11 16:39:00
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયાના રૅન્શૉએ કિંગ કોહલીનો 10 વર્ષ જૂનો આ વિક્રમ તોડ્યો

ડરબનઃ ઑસ્ટ્રેલિયાનો 30 વર્ષીય લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન મૅટ રેન્શૉ (190 રન, 397 બૉલ, 468 મિનિટ, એક છગ્ગો, 21 ચોગ્ગા) શનિવારે અહીં સાઉથ આફ્રિકા સામે કરીઅરમાં બીજી વખત ડબલ સેન્ચુરી ચૂકી તો ગયો, પણ તેણે કિંગ કોહલી જેવા દિગ્ગજનો 10 વર્ષ જૂનો વિક્રમ તોડવામાં સફળતા જરૂર મેળવી હતી.

ટેસ્ટ મૅચના એક દાવમાં નીચલા ક્રમના તથા પૂંછડિયા બૅટ્સમેનો સાથે કરેલી બૅટિંગમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીના 171 રનનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. રૅન્શૉ પોતાના 190મા રન પર આઉટ થયો હતો. કોહલીએ 2016માં વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના એક દાવમાં 235 રન બનાવ્યા હતા જેમાંથી તેણે 171 રન પૂંછડિયા બૅટ્સમેનો સાથે રમીને બનાવ્યા હતા.

સાત જોડીદાર સાથે રમ્યો

રેન્શૉ પાંચમા ક્રમે રમવા આવ્યો હતો. તેણે બૅટિંગ શરૂ કરી ત્યારે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 84 રન હતો. તે ટીમની ઇનિંગ્સના અંત સુધી રમ્યો હતો. 390 રનના સ્કોર પર છેલ્લી વિકેટ રેન્શૉની પડી હતી. સ્ટીવ સ્મિથ (પચીસ રન) સાથે તો તેની કોઈ ભાગીદારી નહોતી થઈ, પણ ત્યાર પછી ઍલેક્સ કૅરી (14 રન) સાથે તેની 36 રનની પાર્ટનરશિપ થઈ હતી. બ્યૂ વેબસ્ટર (ચાર રન) સાથે માત્ર રેન્શૉની ચાર રનની ભાગીદારી થયા પછી કૅપ્ટન પૅટ કમિન્સ (43 રન) સાથે તેણે 86 રનની, મિચલ સ્ટાર્ક (છ રન) સાથે 20 રનની, નૅથન લાયન (92 બૉલમાં 27 રન) સાથે 134 રનની અને જૉશ હૅઝલવૂડ (પાંચ અણનમ) સાથે 26 રનની ભાગીદારી કરી હતી.

મૅટ રેન્શૉએ આ મૅચ પહેલાં એકમાત્ર સેન્ચુરી 2017ની સાલમાં સિડનીમાં પાકિસ્તાન સામે ફટકારી હતી. ત્યારે તે 184 રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે તેણે આ વખતે કરીઅરની બીજી જ સદી ફટકારીને કોહલીનો મૂલ્યવાન રેકૉર્ડ તોડી નાખ્યો.