અમદાવાદઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમએસ) ના વિદ્યાર્થિનીઓ અને મહિલા સ્ટાફે ભૂગોળ વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને હટાવવાની માગણી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેમના વર્તનથી મહિલાઓ અસુરક્ષા અનુભવે છે. વિદ્યાર્થિનીઓએ કરેલી ફરિયાદ અનુસાર પ્રોફેસર સતત જોયા કરે છે, વ્યક્તિગત બાબતો વિશે પૂછ્યા કરે છે, મેસેજ મોકલે છે, શારીરિક અંતર જાળવતા નથી, વિદ્યાર્થિનીઓએ ના પાડી હોવા છતાં ફોટા પાડ્યા કરે છે. જ્યારે અમુક વિદ્યાર્થિનીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે પ્રોફેસર તેમનો પીછો કરે છે.
લગભગ એક વર્ષ પહેલા જોડાયેલા આસિસ્ટન્ટ પ્રોફેસરને યુનિવર્સિટીએ કારણદર્શક નોટિસ ફટકારી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોની ફરિયાદોને પગલે મહિલા ફરિયાદ સેલ આ મામલાની તપાસ કરી રહ્યો છે.શનિવારે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા વિદ્યાર્થિનીઓએ ફેકલ્ટી ઓફ સાયન્સ ડીનને એક રજૂઆત કરી હતી, જેમાં શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. એનએસયુઆઈ ના નેતાઓએ ચેતવણી આપી હતી કે જો યુનિવર્સિટી ફરિયાદોનું નિવારણ નહીં લાવે તો તેઓ આંદોલન કરશે.
શિક્ષક સાયન્સ ફેકલ્ટીના હોવા છતાં, આર્ટ્સ ફેકલ્ટીના સ્ટાફે પણ ફરિયાદ નોંધાવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર પ્રોફેસર હાજરીપત્રકમાં હાજરી પુરવાને બદલે ફોટોગ્રાફ્ટ લેતા હતા. આ મામલે ડીન સુધી ફરિયાદો કરી હોવા છતાં નિવારણ આવ્યું ન હતું. કારણદર્શક નોટિસના જવાબમાં, પ્રોફેસરે જણાવ્યું હતું કે જ્યારે ફક્ત થોડા વિદ્યાર્થીઓ જ વર્ગોમાં હાજર હોય ત્યારે હાજરીનો રેકોર્ડ જાળવવા માટે ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. તેમને આપવામાં આવેલી કારણદર્શક નોટિસના જવાબમાં, શિક્ષકે દલીલ કરી હતી કે વિભાગના અન્ય સ્ટાફ સભ્યો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી આગળની કાર્યવાહીનો નિર્ણય લેતા પહેલા આરોપો સાથે તેમના જવાબ અંગે પણ તપાસ કરી રહી છે.