મુંબઈ: બોલીવુડના સુપર એનર્જેટિક અભિનેતા રણવીર સિંહ ફરી એકવાર પોતાના અનોખા અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. નવરાત્રિના માહોલ વચ્ચે રણવીર સિંહ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી સાથે ગરબા રમતો જોવા મળ્યો હતો. મુંબઈમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણવીર સિંહ અને નીતા અંબાણી ગરબાના તાલે ઝૂમતાં જોવા મળે છે. બંનેનો ઉત્સાહ અને રણવીરના ડાન્સ મૂવ્સ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.
આ ખાસ કાર્યક્રમનું આયોજન મુંબઈમાં 'સ્વદેશ ઈરોસ'ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનની આ પહેલ ભારતીય પરંપરાગત કળા, હસ્તકલા અને કારીગરોની કળાને પ્રોત્સાહન આપવા માટે જાણીતી છે. નવરાત્રિની શરૂઆત પહેલાં યોજાયેલા આ કાર્યક્રમને દેવી શક્તિનું સમ્માન કરતા નીતા અંબાણીએ આ કાર્યકર્મનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને દેવી શક્તિના ઉત્સવની ઝલક જોવા મળી હતી.
'સ્વદેશ'માં છવાયો રણવીર સિંહ
કાર્યક્રમમાં રણવીર સિંહે પોતાના ખાસ ફેશન અંદાજથી પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેતાએ ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળું ગુલાબી રંગનું જેકેટ પહેર્યું હતું, જેની સાથે મેચિંગ કુર્તો અને સફેદ પેન્ટ્ પહેર્યું હતું. ટિન્ટેડ સનગ્લાસિસ અને હીરાની ઇયરિંગ્સ સાથે તેનો લુક વધુ આકર્ષક લાગતો હતો. રણવીરનો આ રંગીન પરંપરાગત અંદાજ નવરાત્રિના ઉત્સવને અનુરૂપ હતો. રણવીર અને નીતા અંબાણીનો સાથે ગરબા રમતો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમની આ ઝલક ચર્ચાનો વિષય બની છે.
રણવીર સિંહ હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે. અભિનેતા અને તેની પત્ની દીપિકા પાદુકોણે તાજેતરમાં જ બીજી દીકરીનું સ્વાગત કર્યું હતું. આ પહેલાં વર્ષ 2024માં તેમના ઘરે પ્રથમ દીકરીનો જન્મ થયો હતો. બીજી વખત પિતા બન્યા બાદ રણવીરની આ જાહેર ઉપસ્થિતિ અને ગરબા રમતો વીડિયો ચાહકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
'સ્વદેશ'માં આ સ્ટાર્સ પણ હાજર રહ્યા
આ કાર્યક્રમમાં માત્ર રણવીર સિંહ જ નહીં, પરંતુ બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. તેમાં આમિર ખાન, સંજય દત્ત, કૃતિ સેનન, સારા અલી ખાન, રશ્મિકા મંદાના, અદિતિ રાવ હૈદરી, જેકલીન ફર્નાન્ડિસ, શનાયા કપૂર, ગૌરી ખાન અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. ફિલ્મી સિતારાઓની હાજરીને કારણે આ કાર્યક્રમ ગ્લેમર અને ઉત્સાહથી ભરપૂર બની ગયો હતો.
રણવીર સિંહની આગામી ફિલ્મ
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ આગામી સમયમાં ‘પ્રલય’ નામની પોસ્ટ-એપોકેલિપ્ટિક થ્રિલર ફિલ્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરી રહ્યા છે, જે ફિલ્મ નિર્માતા હંસલ મહેતાના પુત્ર છે.
આ ફિલ્મ જય મહેતાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ છે અને તેમાં કલ્યાણી પ્રિયદર્શન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા ભવિષ્યના બદલાયેલા, ડિસ્ટોપિયન મુંબઈ શહેરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. રણવીર છેલ્લે ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' માં જોવા મળ્યો હતો.