Sun Oct 11 2026

Logo

પાકિસ્તાને 13 અને 14 ઑક્ટોબરના રોજ અમુક વિસ્તારોમાં એર સ્પેસ બંધ રાખવા નોટમ જાહેર કર્યું, મિસાઇલ પરીક્ષણની ચર્ચાઓ તેજ...

Karachi   2026-10-11 15:56:32
Author: Chandrakant Kanoja
પાકિસ્તાને 13 અને 14 ઑક્ટોબરના રોજ અમુક વિસ્તારોમાં એર સ્પેસ બંધ રાખવા નોટમ જાહેર કર્યું, મિસાઇલ પરીક્ષણની ચર્ચાઓ તેજ...

પ્રતીકાત્મક તસવીર


કરાચી: પાકિસ્તાને 13 અને 14 ઑક્ટોબર 2026ના રોજ અમુક વિસ્તારોમાં એર સ્પેસ બંધ રાખવા માટે નોટમ જાહેર કર્યું છે. જેમાં  સિંધ, કરાચી અને અરબી સમુદ્ર તરફના વિસ્તારોના એર સ્પેશના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના પગલે અનેક પ્રકારના તર્કવિતર્કો કરવામાં આવી રહ્યા છે.એર સ્પેસ પ્રતિબંધો ડેરા ગાઝી ખાન અને રહીમ યાર ખાનથી લઈને કરાચી અને અરબી સમુદ્રના આસપાસના વિસ્તારો સુધી લાગુ પડે છે. 

એર સ્પેસ પ્રતિબંધનો સમયગાળો  27 કલાક અને 30 મિનિટનો

આ અંગે મળતી માહિતી મુજબ એર સ્પેસ પરનો  પ્રતિબંધ 13 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9:45 વાગ્યે (પાકિસ્તાન સમય મુજબ) શરૂ થશે અને 14 ઓક્ટોબરના રોજ બપોરે 1:15 વાગ્યા સુધી અમલમાં રહેશે – જેનો કુલ સમયગાળો આશરે 27 કલાક અને 30 મિનિટનો છે. જે દર્શાવે છે કે એર ટ્રાફિકના અનેક માર્ગો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ વિસ્તાર ડેરા ગાઝી ખાન અને રહીમ યાર ખાનથી લઈને સિંધ, કરાચી અને ત્યાંથી આગળ અરબી સમુદ્ર તરફ ગ્વાદારના વિસ્તાર સુધી વિસ્તરેલો છે. રહીમ યાર ખાન એ જ વિસ્તાર છે જ્યાં ભારતે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન બ્રહ્મોસ મિસાઇલ હુમલો કર્યો હતો.

પાકિસ્તાન દ્વારા મિસાઇલ પરીક્ષણની ચર્ચા સૌથી મોખરે 

આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા આટલા મોટા વિસ્તારમાં એર સ્પેસ પ્રતિબંધને લઇને અનેક ચર્ચાઓ તેજ થઇ છે. જેમાં પાકિસ્તાન દ્વારા મિસાઇલ પરીક્ષણની ચર્ચા સૌથી મોખરે છે.  તેમજ કહેવામાં આવી રહ્યું છે કે આવી સૂચનાઓ લશ્કરી કવાયત, લાઈવ-ફાયર ડ્રિલ અથવા સુરક્ષા સંબંધિત અન્ય કારણોસર પણ બહાર પાડવામાં આવી શકે છે.

મિસાઇલ પરીક્ષણની સંભવિત તૈયારીઓની શકયતા 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 6 ઓક્ટોબર, 2026ના રોજ 'ફતેહ-4' એક્સટેન્ડેડ-રેન્જ ગ્રાઉન્ડ-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણની જાહેરાત કરી હતી. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિસાઇલ આધુનિક એવિઓનિક્સ અને નેવિગેશન સિસ્ટમ્સથી સજ્જ છે. જોકે, તેના 'એક્સટેન્ડેડ-રેન્જ'  ​​વેરિઅન્ટની મહત્તમ રેન્જ જાહેર કરવામાં આવી નથી. મૂળ 'ફતેહ-4'ની રેન્જ 750 કિલોમીટર હોવાનું કહેવાય છે. હવે, હવાઈ ક્ષેત્ર પરના નવા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, કેટલાક વિશ્લેષકો આને અન્ય એક મિસાઇલ પરીક્ષણની સંભવિત તૈયારી તરીકે જોઈ રહ્યા છે.