Mon Oct 12 2026

Logo

રાજસ્થાનમાં ખાણકામ બાબતના વિવાદમાં પૂર્વ ધારાસભ્યની હત્યા, અતર સિંહ ભડાના પર હુમલો કોણે કર્યો?

2026-10-12 10:54:00
Author: Vimal Prajapati
રાજસ્થાનમાં ખાણકામ બાબતના વિવાદમાં પૂર્વ ધારાસભ્યની હત્યા, અતર સિંહ ભડાના પર હુમલો કોણે કર્યો?

જયપુરઃ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખાણકામ (માઇનિંગ) વિવાદને લઈને થયેલા હિંસક હુમલામાં પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાનું નિધન થયું છે. ગંભીર ઇજાઓને કારણે તેમને જયપુરની એસએમએસ (SMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવાર મોડી રાત્રે સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના રવિવાર (11 ઓક્ટોબર) ની સાંજે વેર પોલીસ સ્ટેશન વિસ્તારના ભોંડા ગામમાં ઘટી હતી.

ભીડે ક્રેશર પ્લાન્ટ પર ઘેરીને કર્યો જીવલેણ હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, ભોંડા અને રાયપુર ગામના આશરે 70થી 80 લોકોનું ટોળું લાઠી-ડંડા, પથ્થરો અનેઘાતક શસ્ત્રોથી સજ્જ થઈને ક્રેશર પ્લાન્ટ પર પહોંચ્યું હતું. આ ક્રેશર સાથે જોડાયેલી પહાડી પર મશીનો દ્વારા ખાણકામનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં અતર સિંહ ભડાના પણ હાજર હતા. અચાનક આવેલા ઉશ્કેરાયેલા ટોળાએ પૂર્વ ધારાસભ્ય અને તેમના અંગત સુરક્ષાકર્મી ગગન શર્માને ચારેય બાજુથી ઘેરી લીધા અને તેમના પર હિચકારો હુમલો કર્યો હતો. આ હુમલામાં અતર સિંહ ભડાના ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પૂર્વ ધારાસભ્યના પત્નીએ કેવો આરોપ લગાવ્યો?

પૂર્વ ધારાસભ્યના પત્ની કમલેશ ભડાનાએ આક્ષેપ કર્યો છે કે, હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને અતર સિંહ ભડાનાને ગોળી વાગી હતી. જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં ગોળી વાગવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસનું કહેવું છે કે મેડિકલ રિપોર્ટ અને ઊંડાણપૂર્વક તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.

આ હિંસક હુમલા પાછળનું મુખ્ય કારણ શું છે?

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હિંસક હુમલા પાછળનું મુખ્ય કારણ ખાણકામનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્યની આ પ્રકારે થયેલી હત્યાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અતર સિંહ ભડાનાના નિવાસસ્થાને સમર્થકો અને લોકોની ભીડ જમા થઈ ગઈ છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.