Mon Oct 12 2026

Logo

રાપર નજીક નવરાત્રિના પ્રથમ નોરતે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, કેન્દ્રબિંદુ 10 કિમી દૂર નોંધાયું

2026-10-12 10:44:00
Author: Mumbai Samachar Team
રાપર નજીક નવરાત્રિના પ્રથમ નોરતે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, કેન્દ્રબિંદુ 10 કિમી દૂર નોંધાયું

ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં સતત જારી રહેલા ભૂસ્તરીય સળવળાટ વચ્ચે નવરાત્રિના પ્રથમ નોરતે જ વાગડ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાપર નજીક રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાના આંચકાથી ધરતી ધ્રૂજી ઊઠી હતી. જો કે, 3.1ની તીવ્રતાના ભૂંકપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી. 

વધારે વિગતે જોઈએ તો, ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કેન્દ્રના સત્તાવાર અહેવાલ અનુસાર, સાંજે 06:41 કલાકે 3.1ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો. આ કંપનનું કેન્દ્રબિંદુ સીમાવર્તી રાપર શહેરથી માત્ર 10 કિલોમીટર દૂર જમીનમાં નોંધાયું હતું. અચાનક આવેલા ધ્રુજારીના આંચકાના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, આંચકાના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

ગુરુવારે દુધઈ નજીક પણ આવ્યો હતો ભૂકંપનો આંચકો 

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ભૂગર્ભીય હલચલ સતત ચાલુ રહી છે અને આ પૂર્વે ગત ગુરુવારે અંજાર તાલુકાના દુધઈ નજીક પણ 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વારંવાર અનુભવાતા આવા નાના-મોટા કંપનોના લીધે સ્થાનિક નાગરિકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)