Mon Oct 12 2026

Logo

માતાના મઢે પ્રથમ નોરતે 1 લાખથી વધુ માઈભક્તો ઊમટ્યા, દર્શન માટે દોઢ કિમી લાંબી કતાર લાગી

2026-10-12 11:19:00
Author: Vimal Prajapati
માતાના મઢે પ્રથમ નોરતે 1 લાખથી વધુ માઈભક્તો ઊમટ્યા, દર્શન માટે દોઢ કિમી લાંબી કતાર લાગી

ભુજ: આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિના પ્રથમ નોરતે કચ્છના કુળદેવી આઈ મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે આસ્થાનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. પ્રથમ દિવસે જ એક લાખથી વધુ પદયાત્રીઓ અને ભાવિકોએ મા આશાપુરાનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મંગળા દર્શન કાજે શ્રદ્ધાળુઓએ રાત્રિના 12 વાગ્યાથી પરોઢના 05 વાગ્યા સુધી રાતભર જાગરણ કર્યું હતું, જેના પગલે મંદિર પરિસરમાં દોઢ કિલોમીટરથી વધુ લાંબી દર્શનાર્થીઓની કતારો જોવા મળી હતી.

ઘટસ્થાપન, ગરબી અને નૂતન ધ્વજારોહણની પરંપરાગત વિધિ

શનિવારે મોડી રાત્રે ઘટસ્થાપન વિધિ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ મઢની પ્રાચીન ગરબીનું આયોજન થયું હતું. 'જય આદ્યશક્તિ'ની મહાઆરતી અને ગરબા દરમિયાન મંદિર ચોકમાં 10 હજારથી વધુ માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પરોઢિયે 05 વાગ્યે નિજ મંદિરના કપાટ ખૂલતાં જ સમગ્ર મઢ ગામ 'માડી તારો જયજયકાર'ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ વર્ષે પદયાત્રીઓની સંખ્યાએ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડ્યા હોવાનું અનુમાન છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ ભુજથી માતાના મઢ સુધીની પદયાત્રા પૂર્ણ કરી દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી; આ પ્રસંગે મઢ જાગીર ટ્રસ્ટ અને લખપત તાલુકા ભાજપ દ્વારા તેમનું સન્માન કરાયું હતું.

ટ્રાફિક મેનેજમેન્ટ અને પાણીની વ્યવસ્થા

વહીવટી તંત્ર દ્વારા રવાપર, ઘડાણી, પાનેલી અને દયાપર થઈને વાહનોનું સુચારુ ડાયવર્ઝન કરાતાં ટ્રાફિકજામની સમસ્યા નિવારી શકાઈ હતી. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, દયાપર મામલતદાર નવીનચંદ્ર મારુ તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો માર્ગો પર સતત મોનિટરિંગમાં રહ્યો હતો. જોકે, રવિવારે સવારે થોડા સમય માટે મઢમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાતાં જીએમડીસીના ટેન્કરો દોડાવવા પડ્યા હતા. આજે સોમવારે બીજા નોરતે સવારે 08:15 કલાકે પરંપરાગત વિધિ સાથે માતાજીના મુખ્ય મંદિર સહિત 11 મંદિરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. 

ભુજ બસપોર્ટ અને રેલવે સ્ટેશને માનવમેહરામણ

આ દરમિયાન, માતાના મઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા લાખો શ્રદ્ધાળુઓના પગલે ભુજ બસપોર્ટ અને રેલવે સ્ટેશને કીડિયારું ઊભરાયું હોય તેવાં દ્રશ્યો સર્જાયાં હતાં. એસ.ટી વિભાગ દ્વારા મઢથી ભુજ આવતી બસો ઉપરાંત અંજાર, ગાંધીધામ તેમજ લાંબા અંતરની કનેક્ટિંગ બસો દોડાવવામાં આવી રહી છે. નવી બસો મુકાતાં મુસાફરોને રાહત થઈ છે, છતાં ભારે ભીડના કારણે પ્લેટફોર્મ પર ભારે ધસારાની સ્થિતિ રહી હતી. બીજી તરફ, રેલવે સ્ટેશન ખાતે પણ સુરત, અમદાવાદ, મુંબઈ અને નવસારી તરફ જતી ટ્રેનો પકડવા માઈભક્તોનો અવિરત પ્રવાહ જળવાઈ રહેતાં પરિસરમાં મેળા જેવો માહોલ છવાયો હતો. યાત્રિકોના ભારે ધસારા વચ્ચે બસપોર્ટ અને રેલવે સ્ટેશન સંકુલમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો પણ મુસાફરો દ્વારા ઊઠી હતી.

(ઉત્સવ વૈદ્ય)