સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા હુમલામાં 11 ભારતીયો સહિત 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં એક ભારતીય સહિત 12 લોકોના મોત થયા છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે આ માહિતી આપી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય નાગરિકના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'એક્સ' પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું કે, રિયાધ હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી ઊંડું દુઃખ થયું છે. પીડિત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. દૂતાવાસ તમામ સંભવ સહાય કરશે.
દૂતાવાસે જણાવ્યું કે તે હુમલામાં ઘાયલ થયેલા ભારતીયોની સ્થિતિ જાણવા માટે સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. ભારતીય અધિકારીઓએ હોસ્પિટલ પ્રશાસન સાથે પણ સંપર્ક સાધ્યો છે. દૂતાવાસે એરપોર્ટ પર થયેલા આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે સમગ્ર મામલા પર સતત નજર રાખી રહ્યું છે.
હુમલામાં 12 લોકોના મોત
શનિવાર, 10 ઓક્ટોબરે થયેલા આ હુમલામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં સાઉદી અરેબિયાના ચાર નાગરિકો સામેલ છે. આ ઉપરાંત બાંગ્લાદેશ, પેલેસ્ટાઈન, અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, સીરિયા અને સુદાનના એક-એક નાગરિકનું મોત થયું છે.
Dramatic footage of the moment yesterday’s Houthi attack struck King Khalid International Airport in Riyadh, including Umrah pilgrims preparing to board their flights before the strike. https://t.co/KWJ3fQiTpW
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 11, 2026
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રિયાધ એરપોર્ટને નિશાન બનાવીને અનેક હુમલા કરવામાં આવ્યા છે. શનિવારનો હુમલો આ શ્રેણીમાં સૌથી તાજી ઘટના છે.
ભારતે હુમલાની કડક નિંદા કરી
ભારતે રવિવારે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાની કડક નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયે (MEA) જણાવ્યું કે સાઉદી અરેબિયામાં સામાન્ય નાગરિકો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ)ને વારંવાર નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આવા હુમલાઓને તાત્કાલિક રોકવામાં આવે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, “અમે છેલ્લા કેટલાક દિવસોમાં રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા વારંવારના હુમલાઓની કડક નિંદા કરીએ છીએ. જેમાં 10 ઓક્ટોબરે કરવામાં આવેલો કાયરતાપૂર્ણ હુમલો પણ સામેલ છે, જેમાં લોકોએ જીવ ગુમાવ્યા, ઘણા લોકો ઘાયલ થયા અને સંપત્તિને નુકસાન પહોંચ્યું.”
મંત્રાલયે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.