(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં વર્ષોથી જમા થઈ ગયેલોે કાંપ દૂર કરવામાં આવે તો તેની પાણી સંઘરવાની ક્ષમતા વધી શકે છે. તેથી તાજેતરમાં નગરસેવકો દ્વારા આ જળાશયોના તળિયામાં જમા થયેલા કાદવ-કાંપને દૂર કરવાની માગણી કરવામાં આવી હતી. નગરસેવકોના કહેવા મુજબ જળાશયો તળિયેથી સાફ થાય તો પાણીના જથ્થામાં ચાર ટકાનો વધારો થઈને તે શહેરને ૧૫ દિવસનો પાણીપુરવઠો કરી શકે છે.
મુંબઈની પાણીની જરૂરિયાત સંપૂર્ણપણે ચોમાસાના પડેલા વરસાદ ઉપર નિર્ભર છે. જો ઓછો વરસાદ પડે તો મુંબઈમાં પાણીનું સંકટ નિર્માણ થતું હોય છે. પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવા ગારગઈ બંધની સાથે દરિયાના પાણી માટેનો ડિલાસિલનેશનનો પ્રોજેકટ હાથ ધરવામાં આવવાનો છે. પાઈપલાઈનમાં રહેલા ગળતર અને પાણીની ચોરીને રોકવાથી પણ પાણીનો વેડફાટ રોકવાની યોજના પાલિકાએ હાથ ધરી છે ત્યારે હવે નગરસેવકોએ સાત જળાશયોમાં કાંપ દૂર કરવાની પ્રક્રિયા (ડિસિલ્ટિંગ) દ્વારા પાણી સંગ્રહની મહત્ત્વપૂર્ણ ક્ષમતા ફરી મેળવવા માટે વ્યવસ્થિત રીતે કાંપ દૂર કરવાનો કાર્યક્રમ હાથ ધરવાની માગણી કરી હતી. પાણીની અછત સમયે સંગ્રહમાં થયેલો સામાન્ય વધારો પણ રાહત આપી શકે છે, એવો દાવો પણ નગરસેવકોએ કર્યો હતો.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ કહ્યું હતું કે કાંપના ભરાવાને કારણે સંગ્રહ ક્ષમતા ઘટતી અટકાવવા માટે આ તળાવોમાંથી દર પાંચથી દસ વર્ષે અને ખાસ કરીને ચોમાસા પહેલાં કાંપ દૂર કરવો આવશ્યક છે. જોકે પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સાત મુખ્ય સિંચાઈ પ્રોજેક્ટ પરના પાયલોટ પ્રોજેક્ટના તારણોની તપાસ કર્યા પછી જ કાંપ દૂર કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
પાલિકાના સભા ગૃહના નેતા અને નગરસેવક ગણેશ ખણકરે જળાશયોમાં પાણીના સંગ્રહમાં થઈ રહેલા બાષ્પીભવનને એક મોટું જોખમ ગણાવ્યું હતું અને શહેરની જળ સુરક્ષાને મજબૂત કરવાના ઉપાય તરીકે કાંપ દૂર કરવાની પ્રક્રિયા પર વિચારણા કરવા પાલિકાને અનુરોધ કર્યો હતો. તેમણે અન્ય જળાશયોમાં આ પ્રક્રિયા વિસ્તારતા પહેલાં પ્રમાણમાં નાના એવા વિહાર અને તુલસી તળાવો પર પાયલોટ પ્રોજેકટ હાથ ધરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
નગરસેવકોએ નિષ્ણાતોની મદદ લેવાની માગણી કરતા કહ્યું હતું કે મુંબઈની પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્ધસ્લટન્ટે કાંપ દૂર કરવાની શક્યતા અને વ્યવહારુ છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. નગરસેવકોના દાવા મુજબ જળાશયોની ક્ષમતામાં કાંપનો હિસ્સો લગભગ ૧૦-૧૪ ટકા જેટલો છે. જો તેને દૂર કરવાથી સંગ્રહ ક્ષમતામાં વધારો થઈને ભવિષ્યમાં પાણીની અછત સામે સુરક્ષા કવચ પૂરું પાડવામાં મદદ મળી શકે છે.
જળાશયોમાં ઘટાડાનું પ્રમાણ અલગ અલગ
મહારાષ્ટ્ર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (મેરી) દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણો અનુસાર વિવિધ જળાશયોમાં ક્ષમતાના ઘટાડાનું પ્રમાણ અલગ-અલગ છે. સેન્ટ્રલ વોટર કમિશનની માર્ગદર્શિકાને અનુસરીને પાલિકાએ તેના જળાશયોમાં કાંપ અંગેના સર્વેક્ષણ માટે મેરીની નિમણૂક કરી હતી. સર્વેક્ષણોમાં સંગ્રહ ક્ષમતામાં થયેલો ઘટાડો આ મુજબ નોંધાયો હતો. વિહારમાં ૧૬.૪૨ ટકા, તુલસીમાં ૧૪.૯૮ ટકા, તાનસામાં ૧૫.૦૨૩ ટકા, મોડક સાગરમાં ૮.૯૮૬ ટકા અને મિડલ વૈતરણામાં ૧.૭૦૯ ટકા છે. આ ઘટાડાનો વાર્ષિક દર અનુક્રમે ૦.૧૦૦ ટકા, ૦.૧૦૪ ટકા, ૦.૧૧૬ ટકા, ૦.૧૨૮ ટકા અને ૦.૨૪૪ ટકા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે જળાશયોમાંથી કાંપ દૂર કરવાની (ડિસિલ્ટિંગ) જરૂરિયાત અને તે વ્યવહારું છે કે તેની શક્યતાની ચકાસણી કરવા માટે તેમણે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા ભલામણ કરાયેલા સલાહકારોની પેનલની સર્વિસની માગણી કરી હતી.
૫૦૦ એમલએલડીની અછત
મુંબઈને પીવાનું પાણી સાત જળાશયોથીં મળે છે, જેમાં શહેરની અંદર આવેલા તુલસી અને વિહાર તથા પાલઘર, થાણે અને નાશિક જિલ્લામાં ૧૦૦-૧૭૫ કિમી દૂર આવેલા મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, અપર વૈતરણા અને ભાતસાનો સમાવેશ થાય છે. પાણીની દૈનિક ૪,૬૦૦ મિલિયન લિટર (એમએલડી) માગણી સામે ૪,૧૦૦ એમએલડી પુરવઠો છે, જેના પરિણામે ૫૦૦ એમએલડીની અછત સર્જાય છે.
તો પાંચ સપ્ટેમ્બર સુધી ચાલશે
પાલિકાના જણાવ્યા અનુસાર દૈનિક પાણીના પુરવઠાના લગભગ ૩૪ ટકા પાણીનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે, જેમાં ગળતર, ગેરકાયદેસર જોડાણો અને પાણીની ચોરીને કારણે થતા નુકસાનનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૬-૧૭ ટકા નુકસાન ગળતરને કારણે થાય છે. પાલિકાના અંદાજ મુજબ પાણી કાપ મૂક્યા વિના કે અનામત સંગ્રહ જાળવી રાખ્યા વિના વર્તમાન પાણીનો સ્ટોક ૧૦ જૂન, ૨૦૨૭ સુધી ચાલી શકે તેમ છે અને જો હાલનો ૧૦ ટકા કાપ ચાલુ રાખવામાં આવે તથા અપર વૈતરણા અને ભાતસામાં મંજૂર કરાયેલ અનામત પાણીનો સ્ટોક જળ-ભંડાર જાળવી રાખવામાં આવે, તો તે પાંચ સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી ચાલી શકે છે.