Mon Oct 12 2026

Logo

આચમનઃ ભગવાનની યોજના

2026-10-12 08:27:00
Author: Anwar Valiani
આચમનઃ ભગવાનની યોજના

અનવર વલિયાણી

મંદિરની સાફસફાઇ કરતાં કરતાં રઘુને લાગ્યું કે 
- આ મારો ભગવાન ખડેપગે રાત દિવસ ઊભો રહે છે, તો શું તેને થાક નહીં લાગતો હોય?
- કંટાળો નહીં આવતો હોય?
- લાવ, હું તેને પૂછું, પણ પછી એને ખ્યાલ આવ્યો કે આ તો મૂર્તિ છે, તે શું બોલવાની?
- તેમ છતાંય એક દિવસ તેણે બોલી નાખ્યું અને તેના આશ્ચર્યથી વચ્ચે સામેથી જવાબ આવ્યો. :

‘આજ સુધી કોઇએ તારા જેવો વિચાર કર્યો નથી.’
- ‘તારી વાત સાચી છે. મને પણ આરામની જરૂર છે. ફકત એક દિવસ પણ કોઇ મારી જગ્યાએ ઊભું રહે તો મારા માટે બસ છે!’
- ભગવાને જવાબ આપ્યો તેથી રઘુ રોમાંચિત થઇ ગયો અને એક દિવસ માટે મૂર્તિની જગ્યાએ ઊભો રહેવા તૈયાર થયો.

- ભગવાને કહ્યું, ‘હું તને મારું રૂપ આપી દઇશ જેથી તું મારી જગ્યાએ નિશ્ર્ચિત ઊભો રહી શકે... પણ પછી તારે મારી જેમ હસતે મુખે ઊભા રહેવાનું.’
- લોકોને વરદાન આપવાનાં પણ આ બધું મૌન ધારણ કરીને.
- તું ભગવાન બન એનો વાંધો નથી, પણ તું મારી યોજનામાં દખલ કરતો નહીં, કારણ દરેક માટે મે જે યોજના કરી હોય છે તે તેના ભલા માટે હોય છે.

- બીજે દિવસે રઘુએ ભગવાનનું સ્થાન લીધું. 
- થોડીવારે એક શ્રીમંત ત્યાં આવ્યો અને સારી એવી ભેટની રકમ પ્રભુનાં ચરણમાં મૂકી. પોતાનો વ્યાપાર ફળેફૂલે તેવા આશીર્વાદ માગ્યા. જતાં જતાં તેનું પૈસાથી ભરેલું પાકીટ પડી ગયું.
- રઘુ તો ભગવાનના સ્થાને હતો એટલે તેનાથી ચૂપ રહેવા સિવાય છૂટકો ન હતો.

- તે જ વખતે એક ગરીબ જણાતો ઇસમ આવી પહોંચ્યો. 
- પોતાના ખમીસના ગજવામાંથી પચાસ પૈસાનો સિક્કો ગલ્લામાં નાખતા નાખતા તે બોલ્યો.
- હે પ્રભુ તારા પૈસે જીવી રહ્યો છું, પણ કુટુંબને પોષવાના વાંધા છે. હવે તારા પર જ બધો મદાર છે.

- એટલું કહી પાછો જવા ફર્યો તો તેની નજર ધનિકના પાકીટ પર પડી.
- આજુબાજુ કોઇ જોતું નથી તે ચકાસીને આસ્તેથી તેણે પાકીટ ઉઠાવી લીધું.
- પછી પ્રભુને કહ્યું.
- વાહ, તારી ગતિ ન્યારી છે. આટલો જલદી તું પ્રસન્ન થશે તેવું ધાર્યું નહોતું.

- આમ બોલીને તે ચાલી ગયો.
- રઘુને તો મૌન ધારણ કરી હસતું મુખ રાખવું જ રહ્યું.
- થોડી વાર એક ટ્રક ડ્રાઇવર આવ્યો અને હજી તે પોતાની પ્રાર્થના પૂરી કરે ત્યાં તો પેલો ધનિક માણસ પોલીસને લઇને આવ્યો.

‘આ ડ્રાઇવરે જ મારું પાકીટ ચોર્યું હશે.’ કહી તેનું કંઇ સાંભળ્યા વગર તેને પકડાવી દીધો.
- સાચી બીના જાણતો હોવા છતાં રઘુથી કશું થાય એમ ન હોવાથી તે અકળાઇ ગયો.
- ભગવાનને સંબોધીને પેલો ડ્રાઇવર બોલ્યો : 
- હું નિર્દોષ છું છતાં તેં તારી સાથે આવું કર્યું, હે પ્રભુ.?
- આ બાજુ ‘ચોર’ જલદી પકડાઇ ગયો તેથી ધનિકે ભગવાનનો આભાર માન્યો.

હવે રઘુથી રહેવાયું નથી. તેને લાગ્યું કે, સાચા ભગવાન પણ આ જોઇ ન રહેત. આથી રઘુથી બોલાઇ ગયું.
‘સાચો ચોર તો પેલો ગરીબ માણસ છે, જે હમણાં અહીંથી ગયો આ ડ્રાઇવર તો નિર્દોષ છે !’
- આ સાંભળી પોલીસે તેને છોડી દીધો અને થોડે દૂર પહોંચેલા પેલા ગરીબને બૂમ મારી તેની પાસેથી પાકીટ પાછું મેળવ્યું.

- હવે ડ્રાઇવરે ભગવાનનો આભાર માન્યો કે તેં મને બચાવ્યો.
- ધનિકે પણ પૈસા પાછા મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો.
- વ્હાલા ધર્મતેજ પૂર્તિના શ્રદ્ધાળુ વાચક સ્ત્રી-પુરુષો!
- રાત્રે ભગવાન પોતાનું સ્થાન ગ્રહણ કરવા આવ્યા.

- તેમણે રઘુને પૂછયું?
- રઘુએ કબૂલ કર્યું.
- ભગવાન, તમારું સ્થાન લેવું ખરેખર સહેલું નથી, પણ એક વાતનો સંતોષ છે કે દિવસ દરમિયાન એક સારું કામ તો મેં કર્યું જ.

- આમ કહી રઘુએ આખી ઘટના કહી. રઘુને એમ કે આ વાત સાંભળીને ભગવાન તેના પર ખુશ થશે, પણ તેને બદલે તેમણે પોતાની નારાજગી દર્શાવી.

- ભગવાને કહ્યું, ‘મેં તને મારી યોજનાને વળગી રહેવા કહ્યું હતું અને એક પણ શબ્દ ન બોલવાનું કહેવા છતાં તે કેમ મૌન તોડયું? શું તને મારામાં વિશ્વાસ નથી?’ 
- શું મને અહીં આવતા દરેકના મનની વાતોનો અંદાજ નથી?

- પેલા ધનિકે મૂકેલા દાનના પૈસા તેની કાળી કમાઇનો અંશ હતો અને મારી પાસે બદલામાં અઢળક ધનની આશા રાખતો હતો. 
- પેલા ગરીબ ઇસમે તેની છેલ્લી બચત મને ધરી હતી એ વિશ્ર્વાસથી કે હું તેનું દુ:ખ દૂર કરીશ. વળી તે આ આકસ્મિક ધનપ્રાપ્તિને કારણે મારા પ્રત્યે વધુ ભાવુક થઇને વધુ ભક્તિ કરત.

- ભલે પેલા ડ્રાઇવરે કંઇ ખોટું નથી કર્યું, પણ જો તે આજે બહારગામ જવા નીકળત તો રસ્તામાં અકસ્માતનો યોગ હતો. ચોરીના આરોપસર તેને જેલવાસ થાત તો તે અકસ્માતમાંથી બચી જાત... અને તેને જેલમાંથી છોડાવવાનું કામ તો હું સંભાળી જ લેત. મારી આ યોજનાને કારણે.

- ગરીબની આર્થિક પરિસ્થિતિ સુધરત.        
- ધનિકના પાપકર્મ ઓછાં થાત અને
- ટ્રક ડ્રાઇવરની જિંદગી પણ બચી જાત.
- પણ તે વગર વિચાર્યે વર્તન કરીને બધા પર પાણી ફેરવી નાખ્યું....
કહેવત: જો આકે ચલી જાય વો જવાની દેખી,
જો આકે ન જાય વો બુઢાપા ભી દેખા.