કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહ આ મહિનામાં ભારતના પ્રવાસે આવી શકે છે. આ જ વર્ષે માર્ચ મહિનામાં તેમણે નેપાળમાં વડાપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યો હતો. તે પછી પહેલી વખત ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. કાર્યભાળ સંભાળ્યાં પછી પહેલી વખતે તેઓ દ્વિપક્ષીય વિદેશ યાત્રાએ જવાના છે. જો કે, હજી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અત્યારે કાઠમંડુ અને નવી દિલ્હી દ્વારા પોતાના રાજનૈતિક મતભેદોને દૂર કરી સંબંધો મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે સમયે તેમની વિદેશ યાત્રાના સમાચાર ચર્ચાનો વિષય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતના વિદેશ સચિવ પણ આગામી 4 નવેમ્બરે કાઠમંડુ જવાના છે. બની શકે છે કે, આ દરમિયાન તેઓ નેપાળમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી શકે છે. નેપાળના વડા પ્રધાનની ભારત યાત્રા ખાસ રહેવાની છે. કારણ કે, બંને દેશો દ્વારા અત્યારે એકબીજા સાથેના સંબંધો સુધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ યાત્રા દરમિયાન મુખ્યત્વે ચાર મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતાઓ છે.
આ દરમિયાન બંને દેશો વચ્ચેની વાતચીતમાં આર્થિક સંબંધો પર ખાસ નજર રહેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેપાળની સત્તાધારી પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી ભારત સાથે સંબંધોને નવી રીતે મજબૂત કરવા માંગે છે. જેના કારણે વેપાર, રોકાણ અને વિકાસ પર ખાસ ઘ્યાન આપવામાં આવશે. નેપાળ હાઈડ્રો પાવર, પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભારત દ્વારા રોકાણ કરવામાં આવે તેવી માંગણી કરી શકે છે.
નેપાળ અને ભારત વચ્ચે લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની અંગે ઘણાં લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. જે ખરેખર અતિસંવેદનશીલ મુદ્દો છે. આ ક્ષેત્રમાં નેપાળ દ્વારા પોતાના હક હોવાનો દાવો કરવામાં આવે તેને ભારતે આ દાવાને ફગાવી દીધો હતો. જેથી બંને દેશો વચ્ચે આ મુદ્દા પર પણ ચર્ચા થશે તેવી સંભાવના છે. આ મુદ્દામાં પછી સરહદ વ્યવસ્થાપન, સુરક્ષા સહકાર અને સરહદ પારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા થાય તેવી આશા છે.
ભારત અને નેપાળ ભૌગોલિક રીતે ખૂબ જ લાબી જમીની સરહદ ધરાવે છે. જેથી નેપાળ હવાઈ સેવા સાથે માર્ગ અને રેલ સેવા સાથે ડિઝિટલ કનેક્ટિવિટીમાં સુધાર આવે તેવી બાબતે ધ્યાન આપી શકે છે. નેપાળ અત્યારે વીજળીનું ઉત્પાદન વધારવા માંગે છે એટલે તેના માટે ભારત પાસેથી મદદ માંગી શકે છે. વર્તમાનમાં આ ક્ષેત્ર સાથે બંને દેશોના જે પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તેમાં પણ સમીક્ષા થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ નેપાળમાં જે ભયાનક પૂર આવ્યું તેમાં નેપાળનું પુનઃનિર્માણ કરવા માટે ભારત મદદ કરે તેવી આશા હોઈ શકે છે.