(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા ચાર દિવસથી મુંબઈગરા ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. હીટવેવની અસર હેઠળ મુંબઈમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે ૨૦૧૯ પછી ઑક્ટોબર મહિનામાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું. નિષ્ણાતોના કહેવા મુજબ રવિવારનું તાપમાન ઑક્ટોબર મહિના માટે અત્યાર સુધીનું સંયુક્ત રીતે બીજા ક્રમનું સૌથી ઊંચુ તાપમાન હતું, જે ૨૯ ઑક્ટોબર, ૨૦૧૮ રોજ નોંધાયેલા ૩૮ ડિગ્રી તાપમાન સમાન હતું.
‘અલ નિનો’ની અસર હેઠળ આ વર્ષે ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શકયતા વચ્ચે મુંબઈગરા આકરો ઑક્ટોબરનો અનુભવ કરી રહ્યા છે. રવિવારે હીટ વેવની (યલો અલર્ટ)ની કોઈ ચેતવણી ન હોવા છતાં સતત ચોથા દિવસે મહત્તમ તાપમાનનો પારો ઊંચો નોંધાયો હતો. જ્યારે હીટ વેવની ચેતવણી આપવામાં આવી હતી ત્યારે સાંતાક્રુઝમાં તાપમાન ૩૭.૮ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૪.૭ ડિગ્રી વધારે હતું. તો રવિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૪.૯ ડિગ્રી વધારે હતું.
એ સાથે જ રવિવારનો દિવસ ઑક્ટોબરનો અત્યાર સુધીનો સૌથી ગરમી દિવસ રહ્યો હતો, જે ઑક્ટોબર મહિના માટે અત્યાર સુધીનું સંયુક્ત રીતે બીજા ક્રમનું સૌથી ઊંચુ તાપમાન હતું. આ અગાઉ મુંબઈમાં ૨૯ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાંતાક્રુઝ વેધશાળા દ્વારા ઑક્ટોબર મહિના માટે નોંધાયેલું અત્યાર સુધીનું હાઈએસ્ટ તાપમાન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૫ના ૩૮.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે કોલાબામાં અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ તાપમાન ૨૨ ઑક્ટોબર, ૧૯૬૮ના ૩૯.૫ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં આઠ ઑક્ટોબર ૩૭.૬ ડિગ્રી, ૯ ઑક્ટોબરના ૩૭.૮ ડિગ્રી, ૧૦ ઑક્ટોબરના ૩૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયા બાદ રવિવારે પણ તાપમાનનો પારો ઊંચો નોંધાયો હતો. રવિવારે કોલાબામાં મહત્તમત તાપમાન ૩૬.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૩.૯ ડિગ્રી વધારે હતું અને લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮.૦ અને લઘુતમ તાપમાન ૨૪.૬ ડિગ્રી નોંધાયું હતું. કોલાબા, સાંતાક્રુઝમાં અનુક્રમે ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને ૭૦ ટકા નોંધાયું હતું.
રાજ્યમાં પણ મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી વર્તાઈ રહી છે. વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની ઉપર નોંધાયો હતો. તો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન મધ્ય મહારાષ્ટ્રના માલેગાંવમાં ૩૮.૪ ડિગ્રી નોંધાયું હતું.હવામાન વિભાગે રવિવાર માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે યલો અલર્ટ જાહેર કર્યું હતું, જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. એ સાથે જ ૧૨ ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર દરમ્યાન સૂકા હવામાનની સ્થિતિ જળવાઈ રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ તાપમાનમાં આવેલા વધારા માટે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો પર સર્જાયેલા એન્ટિસાયક્લોનની સાથે જ દરિયાઈ પવનો (સી -બ્રીઝ) જવાબદાર છે. આ એન્ટિસાયક્લોન સિસ્ટમને કારણે દરિયાઈ પવન અટકી ગયા છે, જે સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસની ગરમીથી રાહત અપાવે છે. એન્ટિસાયક્લોનને કારણે ગરમ હવા ઉપર વાતાવરણમાં જવાને બદલે નીચે જમીન તરફ જ બેસે છે. તેથી મુંબઈમાં ગરમીનું પ્રમાણ વધારે જણાઈ રહ્યું છે.
ગુરુવાર સુધી ઑક્ટોબર હીટનો અનુભવ મુંબઈગરાને થવાનો છે.દક્ષિણ ભારતમાં ૧૪થી ૧૬ ઑક્ટોબરની વચ્ચે ઈશાન ચોમાસાનું આગમન થવાની શકયતા છે. એક વખત ત્યાં ચોમાસું સક્રિય થઈ જાય પછી પવનોની દિશા બદલાઈને મુખ્યત્વે દક્ષિણ-પર્વ તરફની થશે. જેનાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને સાથે જ હાલ ઉપર રહેલું એન્ટિસાયકલોન પણ નબળું પડવાની શકયતા છે. આના પરિણામે ૧૬ ઑક્ટોબરથી તાપમાન ધીમે ધીમે ઘટીને ૩૪થી ૩૫ ડિગ્રીની આસપાસ આવશે.
AI (પ્રતીકાત્મક તસવીર)