Sun Oct 11 2026

Logo

સિંહસ્થ કુંભમેળાથી બદલાશે નાશિક-ત્ર્યંબકેશ્વરનો ચહેરો: 25-30 વર્ષના વિકાસનો રોડમેપ તૈયાર, CM ફડણવીસ...

2026-10-11 22:53:33
Author: Mumbai Samachar Team
સિંહસ્થ કુંભમેળાથી બદલાશે નાશિક-ત્ર્યંબકેશ્વરનો ચહેરો: 25-30 વર્ષના વિકાસનો રોડમેપ તૈયાર, CM ફડણવીસ...

મુંબઈ: આગામી સિંહસ્થ કુંભમેળાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં ચાલી રહેલાં વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યો પૂર્ણ થયા બાદ બંને શહેરોનો ચહેરો બદલાશે અને આગામી 25થી 30 વર્ષના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કરાશે, એવો વિશ્વાસ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો છે. તેમણે તમામ વિકાસકાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તા જાળવીને પૂર્ણ કરવાની સૂચના આપી છે.

સિંહસ્થ મહાકુંભમેળાના ધ્વજારોહણ સમારોહની પૃષ્ઠભૂમિમાં મુખ્ય પ્રધાન ફડણવીસે ત્ર્યંબકેશ્વરમાં દર્શનપથ અને ગોદાવરી ઘાટ વિસ્તારની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલાં કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે નાશિકના દ્વારકા સર્કલ અને ઓઝર એરપોર્ટની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ, વર્તમાન સ્થિતિ અને ભાવિ આયોજનની માહિતી મેળવી હતી. તેમણે કામોની ગતિ વધારીને સમયસર પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

મુખ્ય પ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે કુંભમેળા માટે થઈ રહેલાં વિકાસકાર્યો માત્ર મેળા પૂરતાં મર્યાદિત નથી. આ કામોથી નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં આગામી 25થી 30 વર્ષ માટે આધુનિક પાયાની સુવિધાઓ ઊભી થશે. પરિવહન વ્યવસ્થા સુધારવા, માળખાકીય સુવિધાઓ વિકસાવવા, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને જરૂરી સગવડો આપવા તેમજ નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે આ કાર્યો મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આગામી તબક્કામાં એરપોર્ટ સંબંધિત વિકાસકાર્યોને પણ વેગ આપવામાં આવશે.
 
ત્ર્યંબકેશ્વરના દર્શનપથ અને ગોદાવરી ઘાટ વિસ્તારનાં કામો પડકારજનક હોવા છતાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યાં હોવાની માહિતી મુખ્ય પ્રધાને આપી હતી. દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ કામોથી ધાર્મિક પ્રવાસનના કેન્દ્ર તરીકે ત્ર્યંબકેશ્વરનું મહત્ત્વ વધુ વ્યાપક બનાવવામાં મદદ મળશે.

નાશિકના દ્વારકા સર્કલનું કામ મહત્ત્વપૂર્ણ અને પડકારજનક હોવાનું જણાવતાં ફડણવીસે જણાવ્યું  કહ્યું કે તે આયોજનબદ્ધ રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે અને નિર્ધારિત સમય પહેલાં પૂર્ણ કરવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. આ સ્થળે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની ચકાસણી કરવામાં આવી હતી. પાણી ભરાઈ ન રહે અને નિકાલ વ્યવસ્થા સરળતાથી કાર્ય કરે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારબાદ મુખ્ય પ્રધાને ઓઝર એરપોર્ટના વિસ્તરણકાર્યનું નિરીક્ષણ કર્યું અને કુંભમેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા વધુ સાવચેતી રાખવા સૂચના આપી હતી.

આ વિકાસકાર્યો મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ, સિંહસ્થ કુંભમેળા પ્રાધિકરણ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત વિભાગોના સંકલનથી હાથ ધરવામાં આવી રહ્યાં છે. મુખ્ય પ્રધાન ફડણવીસે તમામ વિભાગો વચ્ચેના સંકલન અને વિકાસકાર્યોને ગતિ આપવા બદલ સંબંધિત અધિકારીઓની પ્રશંસા કરી હતી. નિરીક્ષણ દરમિયાન પાલક પ્રધાન ગિરીશ મહાજન, ધારાસભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.